નિર્ણયો લેતી વખતે લીડરનો અભિગમ કેવો હોવો જોઈએ અને લીડરે નિર્ણયો લેવામાં ઉતાવળ ન કરવી કે નિર્ણયો ઝાઝા પાછળ ઠેલવા પણ નહીં એ વિશે આપણે જોયું.

આજે નિર્ણયો બાબતે જ ભીષ્મની એક બીજી શીખ જોઈએ. પિતામહ ભીષ્મે તો આ વાતને માત્ર એક જ લાઈનમાં કહ્યું છે, પરંતુ તેનો અર્થ અત્યંત ગહન તેમજ લાભદાયી છે, એટલે આપણે તેની વિગતે ચર્ચા કરીએ. ભીષ્મ કહે છે કે લીડરે જ્યારે પણ તેના જીવનમાં કે તેના કાર્યક્ષેત્રમાં નિર્ણયો લેવાના આવે ત્યારે તેણે તુલનાથી બચવું. જો તે તુલના કરવા ગયો તો પોતાના માટે જ આફતો ઊભી કરશે અને પછી આખી જિંદગી લોકો તરફથી અપજશ પામશે. કેવી ઊંડી અને પ્રેક્ટિકલ વાત છે આ! ભીષ્મ તુલના કરવાની એટલા માટે ના પાડે છે કે દરેક પ્રસંગના પોતાના આગવા સંજોગો, તેનો આગવો સમય અને તેની આગવી ભૂમિકા હોય છે. એવા સમયે લીડર જો ગયા વખતે આવું કરેલું એટલે આ વખતે આવું જ કરવું એમ કરવા ગયો તો સ્વાભાવિક રીતે જ તે પોતાના માટે મુશ્કેલીઓ ઊભી કરવાનો છે. આખરે નિર્ણયોનું પણ યુદ્ધની કે આર્થિક રણનીતિ જેવું જ છે. જેમ દરેક યુદ્ધ જુદું હોય એટલે એ યુદ્ધો વખતે રણનીતિઓ જુદી હોય છે. એમ જ નિર્ણયો લેતી વખતે અન્ય કોઈ ઘટના કે પ્રસંગ કે કિસ્સા સાથે સરખામણી ન કરી શકાય.

અહીં હજુ એક ઉદાહરણ આપવાની ઈચ્છા થાય છે. ઉદાહરણ જીવનની આસપાસનું છે. ધારો કે કોઈ પિતાને બે સંતાનો છે. બંને સંતાનો વચ્ચે પાંચ કે છ વર્ષનું અંતર છે અને બંને સંતાનોનાં લગ્ન વચ્ચે પણ છ કે સાત વર્ષનું અંતર છે. જો પહેલા સંતાનનાં લગ્નમાં જમણવારનો જે ખર્ચ થયો હોય એ જ ખર્ચ બીજા સંતાનના લગ્નમાં જમણવારનો ખર્ચ થાય એવી અપેક્ષા રાખતા હોય તો સ્વાભાવિક જ એ માણસ ઊંઘા માથે પછડાય, કારણ કે છ વર્ષમાં પ્લેટના ભાવમાં બસો રૂપિયાનો વધારો તો નાંખી દેતા થઈ ગયો હોય છે. એવા સમયે તે એવું કહે કે મારાં બંને સંતાનોનાં લગ્નમાં એકસરખો ખર્ચ થવો જોઈએ તો એ શક્ય નથી. અલબત્ત, એવો વિચાર કે અપેક્ષા કોઈ જ નહીં કરે. એટલી સામાન્ય બુદ્ધિ તો કોઈની પણ પાસે હોય, પરંતુ બદલાતા સમય અને સંજોગોનું ગણિત આપણી સમક્ષ ઉપસ્થિત થતાં દરેક નિર્ણયોને લાગુ પડતું હોય છે. એટલે આવા સમયે આપણે એક જ વજનીયું કે એક ત્રાજવું રાખવું નહીં. નહીંતર લીડરના પોતાના જ લોકો તેનાથી અસંતુષ્ટ રહેશે. જેમાં અમુક લોકો એવા હશે, જેઓ અસંતુષ્ટિથી લીડરની સામે પડશે અથવા તો લીડરને ફાલતુ જેવી બાબતોમાં ઉલઝેલો રાખશે. એના કરતાં લીડરે નિર્ણયો લેતી વખતે તુલનાઓ ન કરવી. જ્યારે તેની સામે જે સંજોગ આવીને ઊભો રહે એ સંજોગની જરૂરિયાત તેમજ તેના મહત્ત્વને અનુરૂપ નિર્ણયો લેવા.

આખરે નિર્ણયો કંઈ ન્યૂટનની ગતિના નિયમોને ફૉલો નથી કરતા કે અવકાશમાં ફેંફાયેલો દરેક પદાર્થ પાછો જમીન પર આવે જ! અહીં તો કોઈ માણસ પાસે અનુભવ વધુ હોય પણ તેની પાસે ડિગ્રી વધુ ન હોય અને કોઈ પાસે ડિગ્રીઓ વધુ હોય તો અનુભવ કે સ્કિલ્સ પાંચ પૈસાની પણ ન હોય! આવા સમયે લીડરે તેની વિવેકબુદ્ધિનો ઉપયોગ કરવાનો છે. તે જો એમ માનશે કે ડિગ્રી મહત્ત્વની છે અને જો અનુભવી માણસને પડતો મૂકશે તો પણ તેના લાખના બાર હજાર થશે. જો તે એમ માનવા ગયો કે અનુભવ જ સર્વેસર્વા છે અને એ હિસાબે તે ભણેલા લોકોને નહીં ગણકારે તો પણ તેને માટે નુકસાન છે. ઈનશોર્ટ, તેણે દરેક કિસ્સાને, દરેક પ્રસંગને વર્તમાન સંજોગમાં કે ભવિષ્યના સંદર્ભમાં થતા લાભ-ગેરલાભથી કે તેના મહત્ત્વથી મૂલવવાનો છે. તેણે આ બાબતે ગયા વખતે આવું કરેલું કે અમે તો દર વખતે આવું જ કરીએ છીએ એવી કોઈ પણ માન્યતાઓથી દૂર રહેવાનું છે. આવા સંજોગોમાં ભલે પછી કોઈને ખોટું લાગતું. આવા કિસ્સામાં કોઈને ખોટું લાગે તો તેને રોકડું પરખાવી પણ દેવું. એમ કંઈ દરેક વખતે બીજાથી ડરવાની જરૂર નથી. વળી, આ પ્રકારે તુલનાઓ કર્યા વિના નિર્ણયો કરશો તો તુલના કરીને નિર્ણયો લેશો એનાથી ઓછા લોકો તમારાથી ખફા થશે. તમે ન્યાયપ્રિય છો કે તમારી નિર્ણયશક્તિ અત્યંત પ્રભાવક છે એ છાપ પડશે એ વધારાની.