આ મગરે સદી વટાવી દીધી છે!

સામાન્ય રીતે મગરનું આયુષ્ય 30થી 40 વર્ષનું હોય છે. તેમજ જો અન્ય કેટલીક પ્રજાતિના મગરનું આયુષ્ય 60થી 70 વર્ષ સુધીનું હોય છે, પરંતુ દક્ષિણ આફ્રિકાના ક્રોકવર્લ્ડ કન્ઝર્વેશન સેન્ટરમાં જે મગર રહે છે તેનું આયુષ્ય 124 વર્ષનું છે! જે રિસર્ચર્સ માટે તપાસનો અને આશ્ચર્યનો વિષય બની ગયો છે.

આ મગરનું નામ હેનરી રાખવામાં આવ્યું છે અને મૂળ તે નરભક્ષી મગર છે. હેનરીનો જન્મ 16 ડિસેમ્બર, વર્ષ 1900માં થયો હતો અને તેને વર્ષ 1903માં બોત્સવાનાના ઓકાવાંગો ડેલ્ટાથી હેનરી નામની વ્યક્તિએ પકડ્યો હતો ત્યારથી જ તેનું નામ હેનરી રાખવામાં આવ્યું હતું. ત્યારબાદ તેને વર્ષોથી ક્રોકવર્લ્ડ કન્ઝર્વેશન સેન્ટરમાં જ રાખવામાં આવ્યો છે. આ મગરે અત્યાર સુધી 10,000 જેટલા મગરોને જન્મ આપ્યો છે. અલબત્ત, ક્રોકવર્લ્ડમાં જેટલા પણ મગરો છે તે તેના જ પરિવારના છે. હેનરીનું વજન 700 કિ.ગ્રા. અને 16.4 ફૂટની લંબાઇ ધરાવે છે. આ મગર આજે પણ સ્વસ્થ અને તંદુરસ્ત અવસ્થામાં છે. રિસર્ચર્સના જણાવ્યા પ્રમાણે હેનરીના લાંબા આયુષ્યનું કારણ તેની ઈમ્યૂન સિસ્ટમ અને ગટ માઇક્રોબાયોમ છે, જે તેને લાંબું અને સ્વસ્થ જીવન જીવવા માટે વિશેષ સહાયરૂપ બને છે.

માણો લાઇવ કુસ્તી સાથે ભોજનની મિજબાની

દુનિયાભરની કેટલીક રેસ્ટોરાંમાં તમે લાઇવ મ્યુઝિક, ઓર્કેસ્ટ્રા કે કોઇ ડાન્સ, નૃત્ય અથવા તો કોઇ ખેલ જમતા જમતા જોઇ શકો છો, પરંતુ શું તમે કોઇ એવી રેસ્ટોરાં જોઇ છે જેમાં તમે જમતા જમતા જ લાઇવ કુસ્તી(રેસલિંગ) જોઇ શકો? ચીનમાં એક એવી રેસ્ટોરાં છે, જેમાં દરરોજ તમે લાઇવ કુસ્તી જોઇ શકો છો! આ રેસ્ટોરાંનું નામ `કેન્ટોનીજ ચાય રેસ્ટોરાં' છે અને અહીંના ડિમ-સમ એટલે કે ડમ્પલિંગ ખૂબ જ ફેમસ છે. જોકે, રેસ્ટોરાંમાં ચાલતી લાઇવ કુસ્તી અસલી કુસ્તી નથી, પરંતુ તે એક પ્રકારની `પ્રો રેસલિંગ' છે, જે 19મી સદીમાં અમેરિકામાં પહેલવાનોની વચ્ચે યોજવામાં આવતી હતી. રેસ્ટોરાંના માલિકે આ કુસ્તીનું નામ `ચીની ડિમ-સમ WWE' રાખ્યું છે. આ પ્રો રેસલિંગ માટે 750 જેટલી સીટ રાખવામાં આવી છે. રેસ્ટોરાંમાં આવતા ગ્રાહકો સાથે રેસલર કુસ્તી કરતાં કરતાં વાતો પણ કરે છે અને મસ્તી પણ કરે છે. આ રેસ્ટોરાંમાં બાળકોની વિશેષ ભીડ જોવા મળે છે, કારણ કે તેમને આ કુસ્તીમાં થતી મસ્તી ખૂબ જ ગમતી હોય છે. નોંધનીય છે કે, અહીં વેઇટર્સ ગ્રાહકોને ભોજન પીરસ્યા બાદ પોતાનાં કપડાં ફાડીને સીધા કુસ્તીમાં જતા રહે છે!

ઈજામાં નીકળતું લોહી બે મિનિટમાં અટકી જશે

જ્યારે પણ અકસ્માત સર્જાતો હોય છે ત્યારે અકસ્માતમાં ઘવાતા મોટાભાગનાનું મૃત્યુનું કારણ તે સમયે જે તે વ્યક્તિનું વહી જતું લોહી હોય છે! પરંતુ જો તે સમયે તે ઇજાગ્રસ્ત વ્યક્તિનું વહી જતું લોહી રોકવામાં આવે તો જે તે વ્યક્તિનું જીવન બચી શકે છે. આ માટે આઈઆઈટી કાનપુરે એક એવું સ્પંજ તૈયાર કર્યું છે જેને ઘવાયેલા લોકો પર ઘવાયેલી જગ્યા પર લગાડવામાં આવશે, તેથી જે તે જગ્યાએથી વહેતું લોહી માત્ર થોડી જ વારમાં બંધ થઇ જશે. આ તૈયાર કરવામાં આવેલું સ્પંજ સંપૂર્ણ રીતે સ્વદેશી છે અને તેનું સફળ પરીક્ષણ ઉંદરો પર અને અન્ય પ્રાણીઓ પર પણ કરવામાં આવ્યું છે. હાલમાં આ સ્પંજનો ઉપયોગ ડિફેન્સના વિભાગોમાં કરવામાં આવી રહ્યો છે. અલબત્ત, આ સ્પંજને મેડિકલના ઉપયોગ માટે અંદાજિત છથી આઠ મહિનાનો સમય લાગી શકે છે. મૂળ આ સ્પંજ સમુદ્રમાં ઊગતા ઘાસ(રેડ સી)માંથી બનાવવામાં આવે છે અને તેમાં લોક(ચીપકતો ખાસ પદાર્થ)નો ઉપયોગ પણ કરવામાં આવે છે. આ સ્પંજ સમુદ્ર ઘાસ અને સેલ્યુલોઝના મિશ્રણથી બનાવવામાં આવે છે, જે માત્ર લોહીને શોષી લેતું નથી, પણ ગંઠાઈ જવાથી પણ બચાવે છે. ઉલ્લેખનીય છે કે આ સ્પંજ પર હ્યુમન ટ્રાયલ બાકી છે અને સફળ થયા પછી તેને બજારમાં મૂકવામાં આવશે.