કુદરતે ગર્ભાશયની કોથળીને એક પેલ્વિક ઓર્ગન તરીકે મૂકેલી છે, જેનું મુખ્ય કામ ગર્ભધારણ કરવાનું છે. જો આ ગર્ભાશયને ગર્ભધારણ કરવાનો ના હોય કે કુટુંબ નિયંત્રણ થઈ ગયું હોય તો આ અવયવ બિનજરૂરી થઈ જાય છે.


એટલે કે ગર્ભાશય આમ જોઈએ તો જીવન માટે હૃદય, ફેફસાં કે મગજની જેમ અનિવાર્ય અંગ નથી, પરંતુ જો કુદરતે ગર્ભાશય જ ના બનાવ્યું હોત તો કદાચ કોઈ પણ સજીવની પ્રજોત્પત્તિની ક્રિયા જ ચાલુ ના રહી હોત અને જીવનચક્રનો જ અંત આવી ગયો હોત!

તો આપણે ગર્ભાશયને તેના બે તબક્કામાં જાણવું જોઈએ. તેમાં અગત્યનો તબક્કો એટલે ગર્ભાવસ્થાનો તબક્કો. અગાઉ જણાવ્યું તેમ ગર્ભાશય એ મનુષ્ય બીજની ખેતી કરવા માટેનું ખેતર છે. જેમ દર વખતે સીઝન પ્રમાણે પાક લેવા માટે ખેડૂત જમીનની ખેડ કરે, ખાતર નાંખે અને પાણી પીવડાવે તેવી જ રીતે મનુષ્ય જીવન અથવા પ્રાણી જીવનની ખેતી માટે પણ ગર્ભાશય દર મહિને એક સીઝન પેદા કરે છે. આ માટે ગર્ભાશયનું અંત:પડ (Endometrium) સ્ત્રીપિંડમાંથી ઝરતા e2 અને p4 હોર્મોનના નિયંત્રણ હેઠળ પહેલાં Proliferative phase (e2ના નિયંત્રણ હેઠળ) અને પછી ઈંડું બહાર પડ્યા બાદ Secretory phase (p4 અંત:સ્ત્રાવની મદદથી)માં રૂપાંતરિત થાય છે, જે સ્ત્રીબીજને (ફલિત ઈંડાને) આવકારવા તૈયાર હોય છે. જો ફલિત થયેલું ઈંડું (ગર્ભ) ગર્ભાશયના પોલાણમાં સ્થાપિત થાય તો તરત જ ગર્ભાશયમાં જબરજસ્ત ફેરફારો થવા માંડે છે.

તમને જાણીને આશ્ચર્ય થશે કે આ ગર્ભ પોતાની જાતે (chorionic villi) ગર્ભાશયની દીવાલમાં નિયંત્રણના ભાગ રૂપે મૂળને અમુક હદ સુધી જ વિકસવા દે છે. સૌ પ્રથમ ગર્ભાશયને લોહી પહોંચાડતી ધમનીઓનો વિકાસ થવા માંડે છે અને રુધિરાભિસરણ વધવા માંડે છે. ગર્ભાશયમાં આવીને વસેલો ગર્ભ તો હજુ માંડ 150 માઈક્રોનથી 200 micronની સાઈઝનો જ હોય છે, જે ભવિષ્યમાં નવ માસ બાદ 3kgથી 3.5 kg સુધીના તંદુરસ્ત બાળકને ધારણ કરવાનો હોય છે. કેટલીકવાર આ ગર્ભાશયના નસીબે જોડકું કે Tripet ગર્ભ ધારણ કરવાની જવાબદારી પણ આવી પડે છે. જોકે, એક જ ગર્ભાશયમાં એની સાથે પંદર બાળકીની ડિલિવરીનો રેકોર્ડ સર્જાયેલો છે. આમ, ગર્ભાશયની કદ વધારવાની ક્ષમતા લગભગ 20 ગણું મોટું થવાની કહી શકાય અને પૂરા મહિને આ ગર્ભાશય 20 લિટર જેવું પ્રવાહી સમાવી શકે તેટલું મોટું થતું હોય છે અને આટલું કદ સમાવવા માટે ગર્ભાશય ગર્ભાવસ્થાના ત્રણ મહિના બાદ Pelvic eavity માંથી બહાર નીકળીને પેટનો અવયવ થવા માંડે છે. આમ થવા માટે ગર્ભાશયના સ્નાયુના કોષોની લંબાઈ વધે છે. સાથે સાથે ગર્ભાવસ્થા જેમ જેમ આગળ વધતી જાય છે તેમ તેમ સ્નાયુઓનું રીમઝીમ સંકોચન પણ વધે છે, જેને Braxton-hicleના સંકોચન કહેવાય છે. આ સંકોચન બાળકમાં મેલીમાં થઈને રુધિરાભિસરણ કરવામાં મદદ કરે છે અને પૂરા મહિનાનો સમય થતાં આ સંકોચન ડિલિવરીના દુખાવાના રૂપમાં થવા માંડે છે. જે સંકોચન ડિલિવરીના દર્દના રૂપમાં દર્દી અનુભવી શકે છે અને આ દુખાવો જ પૂરા મહિને બાળકની તથા સાથે સાથે મેલીની ડિલિવરી થવામાં મદદ કરે છે. આ વખતે મેલીના સ્થાનની જગામાં આવતી લોહીની નળીઓનાં મોં ગર્ભાશયના સ્નાયુના પડમાંથી ડોકિયાં કરતાં હોય છે. જેનું સંકોચન થવાથી ડિલિવરી પછી થતો રક્તસ્રાવ પણ કુદરતી રીતે મર્યાદિત જ થાય છે. આમ, બાળકના પોષણ અને ગર્ભાશયના વિકાસ માટે ગર્ભાશયના લોહીનો પુરવઠો પણ વિપુલ માત્રામાં પેદા થતો હોય છે. ગર્ભાશયનો Fundurનો ભાગ મોટો થતો હોય છે અને જે ગર્ભાશય સામાન્ય રીતે 50 ગ્રામ વજનનું હોય છે, તે પણ પૂરા મહિને તો 1000 ગ્રામ જેટલું વજનદાર થઈ જાય છે.

આ સાથે ગર્ભાશયનું મોં પણ ગર્ભને પૂરા મહિને લઈ જવામાં ખૂબ જ મજબૂતાઈથી સાથ આપે છે. સામાન્ય રીતે 3થી 3.5 સે.મી.ની લંબાઈ ધરાવતું ગર્ભાશયનું મોં પૂરા નવ માસ સુધી વિકસતા ગર્ભ અને બાળકનો બોજો ગુરુત્વાકર્ષણની સામે ઝીલે છે. એનો નિયમ છે કે જેટલું ગર્ભાશયનું મોં બંધ તેટલું જ ગર્ભાશયનું Relax રહેવું અગત્યનું બને છે. (law of revere polarity) જે પેટમાં ગર્ભાશય ફક્ત પેલ્પિક અવયવ જ છે તે પૂરા મહિને આખા પેટના પોલાણને ભરી દે છે. છતાં પણ પેટના બાકીના અવયવોનાં કામકાજમાં જરા પણ તકલીફ પેદા થતી નથી. જેવી ડિલિવરી થાય છે કે તરત જ ગર્ભાશયના સ્નાયુઓ contraction (સંકોચન) અને Retraction (ટૂંકાવાની પ્રક્રિયા) એકસાથે થતી હોવાથી આખું પેટ ભરાઈ જાય એવડી સાઈઝનું ગર્ભાશય ડિલિવરી પછી નાભિના લેવલે આવીને ઊભું રહી જાય છે અને લગભગ 15 દિવસમાં તો પોતાની અસલ સાઈઝની જગ્યા લઇ લે છે. તેમ છતાં સ્ત્રીઓને ડિલિવરી પછી ડૉક્ટર બેલ્ટ પહેરવાની સલાહ આપતાં હોય છે. એ બેલ્ટ પહેરવાથી પેટનો ભાગ નથી રહેતો. જો સીઝર હોય તો બેલ્ટ ડૉક્ટરની સલાહ મુજબ અમુક સમય બાદ પહેરવો પણ નોર્મલ હોય તો ગાયનેક મોટેભાગે પાંચેક દિવસમાં બેલ્ટ પહેરવાની સલાહ આપી જ દેતાં હોય છે. એનાથી પેટનો ભાગ બેસી જાય છે અને ગર્ભાશય પણ સંકોચાઇને પહેલાં જેવું જ થઇ જાય છે.

  • Follow us on: