પોસ્ટમાંથી રિટાયર્ડ થયેલા રમણિકલાલના ઘરે પોસ્ટમેને આવીને કહ્યું. "રમણિકકાકા, આ તમારા નામનો પત્ર છે.'' રમણિકલાલે આશ્ચર્યથી કવર જોયું. સરનામું એમનું જ હતું અને અક્ષરો પણ ખૂબ જ ઓળખીતા હોય તેવા, પણ ડાકની સ્ટેમ્પ પર 1985ની તારીખ! "આ તો ચાલીસ વર્ષ જૂનો કાગળ!''

રમણિકલાલને તેમની ટ્રેનિંગના દિવસો યાદ આવ્યા. એ વખતે પોસ્ટ વિભાગે કોઈ સાયકોલોજી કોલેજના રિસર્ચ પ્રોજેક્ટ સાથે જોડાણ કર્યું હતું. રિસર્ચનો વિષય હતો ભવિષ્યને પત્ર. એક પત્ર પોતાની જાતને લખવાનો હતો, જે ચાલીસ વર્ષ પછી એમને મળે. હજારો કાગળોની હેરફેરમાં આ કાગળ તો સાવ ભુલાઈ ગયેલો.

રમણિકલાલે ઉત્સાહમાં પત્ર ખોલ્યો. અંદર તેમની જ જુવાનીના હસ્તાક્ષર! "પ્રિય રમણિક, કેટલું રોમાંચક છે ને પોતાની જાતને પત્ર લખવો! હાલમાં હું 25 વર્ષનો છું અને તને આ પત્ર મળશે ત્યારે હું એટલે કે તું 65નો થઈ ગયો હોઈશ. મારા મતે 2025માં આ કાગળ તને મળવો જોઇએ. કેટલો બદલાયો છું? વાળ ધોળા થયા હશે, પણ ડાઇ ચોક્કસ નહીં કરતો હોય એની મને ખાતરી છે.''

રમણિકલાલે અનાયાસે જ દીકરીએ જીદ કરીને ડાઇ કરેલા વાળ પર એક હાથ ફેરવી આગળ વાંચવાનું ચાલુ રાખ્યું,

 "આજે નોકરીનો પહેલો જ દિવસ છે ને આ વિચિત્ર કાગળ લખવાનું કામ મળ્યુ છે. જોકે, કામ વિચિત્ર છે, પણ મજાનું તો ખરું. ખાલી ખિસ્સે સપના લઈને નીકળ્યો છું. બસ અત્યારે તું જાણતો હોઈશ કે ખિસ્સા હજુ એવાં ને એવાં જ છે કે એમાં ભાર વધ્યો? મને વિશ્વાસ છે, તું ખુશ રહ્યો હોઈશ એના કરતાં વધારે બીજાને ખુશ રાખ્યા હશે તેં. એટલે કે મેં.'' અનાયાસે આંખોના ભીના થઈ ગયેલા ખૂણા લૂછતાં રમણિકલાલે ડોકું હકારમાં હલાવ્યું.

"હજી ગઈ કાલે જ મારા એટલે કે આપણા પપ્પાએ મને કહ્યું હતું કે જીવનમાં તારી કાળજી કરવાવાળાને શોધજે, તારો ઉપયોગ કરવાવાળા તો તને શોધી જ નાખશે. તો શું કહે છે કેવા મળ્યા જીવનમાં?''

જવાબમાં રમણિકલાલે ખાલી સ્મિત કર્યું. ચશ્માંને સરખાં કરી આગળ વાંચવાનું શરૂ કર્યું.

"ખાસ તો એ જાણવું છે કે સરિતા જોડે ગોઠવાયું કે એનો બાપ નડી ગયો? જો ન નડ્યો હોય અને તારી આજુબાજુમાં સરિતા હોય તો એને જોરદાર વહાલ કરી દેજે. હજી સુધી તો એ સપનું જ છે દોસ્ત.

ચાલ, સરિતાનું નામ દીધું છે તો એની ગલીમાં એક ચક્કર મારી આવું. આવજે, સંભાળજે.''

વર્ષો પહેલાં જે રિસર્ચ પ્રોજેક્ટને ગાંડપણ સમજીને મસ્તી કરી હતી એ આજે સામે હતો. કાગળ રમણિકલાલને ઘણું કહી ગયો. ખિસ્સામાં મૂકીને રસોડામાં કામ કરતાં સવિતાબહેન તરફ એ આગળ વધ્યા.