શહેરના સૌથી મોટા સ્પોર્ટ્સ ગ્રાઉન્ડમાં છેલ્લાં 30 વર્ષથી રમણિકલાલ ચોકીદારનું કામ કરે. આંખ સામે કેટલાય છોકરાઓ વિવિધ રમતો રમતાં રમતાં મોટા થયા. વર્ષોથી આ આખા સંકુલની એ સંભાળ રાખે. હવે તેમનો રિટાયર્ડ થવાનો સમય આવ્યો.
રિસેસમાં એમના રિટાયરમેન્ટ માટે સાહેબે બધાને મેન મેદાનમાં બોલાવ્યા અને ચા નાસ્તો કરાવ્યો.પછી એમની જ મજાક કરતાં બોલ્યા. આટલાં વર્ષો રમણિકલાલ અહીં રહ્યાં, પણ અફસોસ કોઈ ગેમ શીખ્યા નહીં. જો શીખ્યા હોત તો બહુ કામમાં આવત. સૌ હસી પડ્યા. રમણિક કાકાના હાથમાં માઈક આવ્યું.
કાકા એક ગજબના સંતોષ સાથે બોલ્યા. સાહેબની વાત સાચી છે. અહીં આવનાર સૌ કોઈ રમત શીખ્યા હું કોઈ રમત ન શીખ્યો, પણ રમત જોઈ જોઈને જિંદગી શીખ્યો. તમે બધા મોટા સાહેબ કહેવાવ. નેશનલ ગેમના ચેમ્પિયનો એટલે હું તમને શું કહું? તમે કહ્યું એ સાચું જ છે, પણ હું રમતોમાંથી જિંદગી શીખ્યો.
જેમ કે, ફૂટબોલમાંથી હું શીખ્યો ખુશીની ઓળખાણ. આ ખુશી છે ને ફૂટબોલના બોલ જેવી. સર્જનહારની સિસોટી વાગે એટલે સૌ એની પાછળ દોડે. જેવી ખુશી પાસે આવે એટલે આપણે જ એને લાત મારી દઈએ અને વળી પાછી એને મેળવવા દોડીએ.
ક્રિકેટ કોચ કાંતિને રસ પડ્યો. એણે પૂછ્યું કે બીજી ગેમમાંથી? કાકાએ કહ્યું જેમ કે, તમારી ક્રિકેટ. આ જિંદગી છેને તમારી વન ડે ક્રિકેટ જેવી. એકબાજુ રન વધે તો બીજી બાજુ અંતરની ઓવર ઘટે અને ગમે તેટલી તૈયારી કરી હોય, પણ ક્યારે શ્વાસનું સ્ટમ્પલું ઊડી જાય કોઈ કહી શકે નહીં.
અને આ બેડમિન્ટનને જ જોઈ લ્યો. એના દરેક શોટમાં રેકેટ બૂમ પાડીને કહે કે જિંદગીમાં કશું પાછું મેળવવું હોય તો આપવું પડે. એકબીજાને રિટન કરો તો કંઈ મળે, બાકી એકલા એકલા કંઈ ન થાય. આ પાછળના સ્વિમિંગ પુલે શીખવાડ્યું કે પુલની પાળે બેસવાથી કંઈ ન થાય, એકવાર તો બીક કાઢીને રિસ્ક લઈને ભૂસકો મારવો જ પડે. સફળતાનું પણ એવું જ. તક વોલીબોલ જેવી હોય, જો તમારી પાસે આવે અને તમે મિસ કરી દો, તો કોઈ બીજું પોઈન્ટ લઈ જાય. સપનાં બાસ્કેટ બોલ જેવાં છે. જેમ ઊંચો જમ્પ લગાવો, તેમ સફળતાની હૂપમાં બોલ નાખવાની શક્યતા વધશે.જો તમે હાર સ્વીકારી બેસી જશો, તો બોલ તમારા હાથમાં હોય છતાં પોઈન્ટ કોઈ બીજાને જ મળે અને આખરે ચિંતા ટેબલ ટેનિસના બોલ જેવી હોય. એને જેવી આવે એવી હાંફળાંફાંફળાં થઈને પાછી મોકલો તો બમણી ઝડપે પાછી આવે એના કરતાં શાંતિથી રમો તો એની પર કંટ્રોલ કરી શકો.
સાહેબની વાત સાચી છે રમતો શીખ્યો નહીં. હશે સાહેબ રમતોમાંથી જે શીખ્યો એ તો કંઈ કામમાં આવશેને!
તે દિવસ સંકુલના સૌ કોઈએ રમણિકલાલને સેલ્યૂટ મારી.