`મેંઅને રેણુકાએ લગ્ન કર્યાં એ પછી અમે સાથે બહાર નીકળતાં તો લોકો આવીને રેણુકાને રીતસર ઠપકો આપતા કે તેં આની સાથે કેમ લગ્ન કર્યાં? તું કેટલી સરસ છે! તારું નિખાલસ હાસ્ય અને આ એકદમ સાઇકો માણસ, તેં આ બહુ ખોટું કર્યું છે.' આ શબ્દો આશુતોષ રાણાના છે.
આજે આશુતોષ રાણાનો જન્મદિવસ છે ત્યારે એમના વિશે વાત કરવાનું ચોક્કસ મન થાય. પંકજ ત્રિપાઠી જેવું જ વ્યક્તિત્વ, રોલ ભલે વિલનના કરીને દર્શકોના દિલમાં છાપ છોડી હોય, પણ એમની વાતો, એમના વિચારો અને એમનાં કહેલાં વાક્યો પ્રેરણાત્મક હોય છે. આજે આશુતોષની કવિતા કે એમણે કહેલાં સુવચનોની અનેક રીલ્સ સોશિયલ મીડિયા ઉપર ફરતી થઇ છે. એમના પોડકાસ્ટ આજની પેઢીને પણ સાંભળવા ગમે છે. જોકે, આશુતોષની કરિયરનો ગ્રાફ, એમનો કોલેજકાળ જોઇએ તો ખ્યાલ આવશે કે ફિલ્મોની માફક જીવનમાં પણ અલગ અલગ પ્રકારનાં ઘણાં કિરદાર આશુતોષે નિભાવ્યાં છે.
શરૂઆતી જીવન એંગ્રી લીડરનું હતું
આશુતોષનું બાળપણ ગુજરાતમાં વીત્યું છે. તેઓ મૂળ કપડવંજના છે, પણ કોલેજ મધ્યપ્રદેશમાં કરી છે. કોલેજ સમયે તેઓ પોલિટિકલ લીડર બનવાનાં સપનાંઓ જોતા હતા. રાણાનું કહેવું છે કે જો દદ્દાજીએ મને ડ્રામા સ્કૂલમાં જવાનો રાહ ન ચીંધ્યો હોત તો કદાચ હું કોલેજ પૂરી કરીને પોલિટિક્સમાં ચોક્કસ જોડાયો હોત. એ સમયે યુવાન હતો, ગરમ લોહી હતું અને અસત્ય સહન ન કરવું એ જીવનનું સૂત્ર હતું. કોલેજકાળમાં એક ઘટના એવી પણ બની હતી. રાણાના મિત્રને કોલેજ સમયે કોઇ પોલીસવાળા ખોટી રીતે પરેશાન કરીને મારતા હતા. આ બાબતની જાણ રાણાને થતાં એ તરત જ ત્યાં પહોંચી ગયા અને વગર વિચાર્યે એ પોલીસમેનની સાથે હાથાપાઇ કરી હતી. આ ઘટનાના એક દિવસ પછી કોલેજમાં એક્ઝામ હતી. રાણાને એ પણ ખબર હતી કે એમને જેલમાં જવું પડશે, પણ સ્ટુડન્ટ લીડર તરીકે કોન્ટેક્ટ ઘણા હતા, એમની મદદથી અને ઘટનાસ્થળે હાજર રહેલા લોકોએ રાણાનો સાથ આપતાં તેમને એક્ઝામ આપવા દેવાઇ હતી. ઘટનાસ્થળે હાજર રહેલા લોકોએ પોલીસને રાણાનો તથા એમના મિત્રનો કોઇ વાંક ન હોવાનું જણાવ્યું હતું. રાણા અને એમના મિત્રોએ એ ઘટના પછી એક્ઝામ આપીને જે પોલીસ સાથે એમને લપ થઇ હતી એમના સસ્પેન્સ માટે ધરણાં પણ કર્યાં હતાં. એમણે ઇન્દોર જઇને સી.એમ.ને મળીને આ મુદ્દા ઉપર પૂરતું ધ્યાન આપવા અપીલ પણ કરી હતી. એ સમય યુવાનીનો સમય હતો એટલે આવો જુસ્સો હોય એ સ્વાભાવિક છે, પણ એ પછી રાણાના જીવનમાં સિક્સ્ટી ડિગ્રીનો બદલાવ આવ્યો હતો.
દદ્દાજીને તેઓ ખૂબ માને
આશુતોષ રાણા પંડિત શ્રીદેવ પ્રભાકરજી શાસ્ત્રીમાં ખૂબ વિશ્વાસ ધરાવે છે. તેઓ એમને દદ્દાજી કહે છે. એમના કહેવાથી જ તેઓ કોલેજ પોલિટિક્સ છોડીને ગ્રેજ્યુએશન બાદ નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં જોડાયા હતા. એનએસડીથી થિયેટરની શરૂઆત કરનાર રાણાને ફિલ્મ લાઇનમાં જવા માટે પણ એમના ગુરુજી દદ્દાજીના કહેવાથી જ તેઓ મુંબઇ ગયા હતા. રાણા કહે છે કે હું મુંબઇ ગયો ત્યારે મને દદ્દાજીએ કહેલું કે તું મહેશ ભટ્ટને મળજે, મહેશ ભટ્ટ જે કામ સોંપે એ નાનું હોય તો પણ લઇ લેજે. એને ના ન કહેતો. આશુતોષે એ સલાહ પણ માની અને અનેક પ્રયત્નો બાદ મહેશ ભટ્ટને મળ્યા. એ સમયે મહેશ ભટ્ટ સ્વાભિમાન સિરિયલ બનાવી રહ્યા હતા. આમ તો રાણાને મળીને પહેલાં તો એમણે એમને આસિસ્ટ કરવા કહ્યું હતું, પણ રાણાએ કહ્યું મારે એક્ટર બનવું છે. મેઇન હીરો બનવાની કોઇ ચાહ નથી, પણ હા એક્ટિંગ ચોક્કસ કરવી છે. તમે નાનો રોલ આપશો તો પણ ચાલશે, પણ એક્ટિંગનું જ કામ આપો. એ પછી રાણાને બે એપિસોડ માટે સ્વાભિમાન સિરિયલમાં કામ આપ્યું. એ રોલ રાણાએ એટલો દિલથી નિભાવ્યો કે માત્ર બે એપિસોડને બદલે એ આખી સિરિયલમાં એમને કામ મળી ગયું. રાણા કહે છે કે મારાં નસીબ એટલાં સારાં હતાં કે ભટ્ટ સાહેબે એમના આસિસ્ટન્ટને કહી રાખ્યું હતું કે આની પાસે ચાર દિવસમાં આખા મહિનાનું શૂટ કરાવડાવી લેવું અને આખા મહિનાનું પેમેન્ટ પણ ચાર જ દિવસમાં આપી દેવાનું, જેથી મુંબઇમાં મને આર્થિક અગવડતા ન પડે. આ હતા આશુતોષ રાણાના સ્ટ્રગલના દિવસો, જે મહેનત કરીને પૂરા થયા. કરિયરનાં 31 વર્ષમાં અનેક ફિલ્મોમાં કામ કર્યું છે, જેમાં હિન્દી ફિલ્મોનો આંકડો જ 85નો છે. એ સિવાય થિયેટર, તેલુગુ ફિલ્મ્સ, કન્નડ ફિલ્મ્સ, તમિલ ફિલ્મ્સ, મરાઠી ફિલ્મોની તો ગણતરી જ નથી કરી.
સફળતાની ગેરંટી કામ કરવાથી જ મળે છે
આશુતોષ રાણા કહે છે કે, મારા જીવનનો મંત્ર મારું કામ જ છે. જે મળે, જેટલું મળે એ તમને સંતોષજનક લાગે તો કરો. મને દિલીપ કુમાર સાહેબે એક સરસ વાત કહી હતી કે તારી અંદર પૈસા માટે નોટ વોન્ટિંગ પાવર ડેવલપ કરીશ તો સારું કામ કરી શકીશ.
મેં એ વાતને હજી પકડી રાખી છે. મારા મનને સારું લાગે એ કામ કરતો રહું છું. ટાઇપ કાસ્ટ નથી થવું એટલે લોકો એક્ટર તરીકે મારી મિમિક ન કરી શકે એવું કામ જ કરું છું. લોકોને આશુતોષ રાણાની મિમિક કરવી હોય તો મારા કોઇ રોલની કરે, પણ મારી તો ન જ કરી શકે.
મને જોઇને લોકોને ઘૃણા આવતી
આશુતોષનું કામ કાયમ લોકોને ગમ્યું છે. વિલન તરીકે પણ એમણે જે ફિલ્મ કરી છે એમાં લોકોને એમના માટે ઘૃણા જન્મી એ એમની સૌથી મોટી સફળતા કહી શકાય. રાણા કહે છે કે સંઘર્ષ અને દુશ્મન જોયા પછી લોકો મારી સામે જોઇને મોં ફેરવી લેતા, એ એક રીતે મારી સફળતા જ હતી. મેં વળી રેણુકા જેવી હસમુખી અને એકદમ માસૂમ સ્ત્રી સાથે લગ્ન કર્યાં. જોકે, રીઅલ લાઇફમાં હું પણ માસૂમ જ છું, પણ મારા લુકને જોઇને લોકો શરૂઆતમાં વિશ્વાસ નહોતા કરી શકતા. એટલે જ અમને બંનેને સાથે જોઇને બધાં રેણુકા પાસે જાય અને મને જોઇને એને ખોટી પસંદગી કર્યાનો ઠપકો આપે.
અલબત્ત, રાણાએ પોતાના વિચારો, પોતાની કવિતા, સ્વભાવ અને કામથી દર્શકોના મનમાં ઊભી થયેલી એ છાપ દૂર કરી નાખી છે. હવે દુશ્મન આશુતોષની જગ્યાએ દર્શકો એમને પંકજ ત્રિપાઠીની માફક સોશિયલ મીડિયાના પોઝિટિવ વક્તા તરીકે પણ ઓળખે છે.