માણસને સુખ, ચેન, શાંતિ અને હળવાશ ન મળે એવા યુગમાંથી દુનિયા પસાર થઇ રહી છે. દરેક માણસ બિઝી છે. કોઇને પોતાના માટે પણ ફુરસદ નથી. લોકોને પૂરતી ઊંઘ પણ મળતી નથી. માણસ સતત ઉચાટમાં જીવી રહ્યો છે. બધા જ એક એવી દોડમાં ફસાયેલા છે જેનો કોઇ અંત જ નથી. સફળતા, ગોલ, ટાર્ગેટ અને અચીવમેન્ટને પહોંચી વળવા માટે માણસ હાંફી જાય એ હદે ભાગતો રહે છે. લોકો એવી ફરિયાદો કરતા રહે છે કે, હવે કોઇ મળતું નથી, કોઇને કોઇના માટે સમય નથી. બધા પોતાનામાં જ પડ્યા હોય છે. એવું બિલકુલ નથી કે, લોકોને એકબીજાને હળવું મળવું નથી. બધાને પ્રસંગોમાં હાજરી આપવી હોય છે,

બધાને મળવું હોય છે પણ સમય તો હોવો જોઇએને? માંડ એક રવિવાર મળતો હોય છે. રવિવાર આવે ત્યારે માણસને એમ થાય છે કે, કંઇ નથી કરવું, ક્યાંય નથી જવું, બસ પડ્યા રહેવું છે. જિંદગી હાડમારીવાળી થઇ ગઇ છે. આ બધામાં સૌથી મોટી સમસ્યા સેક્સને લઇને થવા લાગી છે. એક લેટેસ્ટ સરવેમાં એવું બહાર આવ્યું છે કે, હસબન્ડ વાઇફમાં ડિસ્ટન્સનું એક અને સૌથી મોટું કારણ સેક્સનું ડિસસેટિસ્ફેક્શન છે. પતિને પત્ની માટે સમય નથી. હવે એવું નથી કે માત્ર પુરુષો જ જોબ કરે છે, મોટાભાગની મહિલાઓ પણ કામ કરવા લાગી છે. ઘણા કિસ્સાઓમાં પત્ની પણ એટલી બિઝી હોય છે કે, પતિને પૂરતો સમય આપી શકતી નથી. સમયનો અભાવ અને જાતજાતની ચિંતાઓની સીધી અસર લોકોની સેક્સલાઇફ પર પડે છે.

સેક્સની વાત આજની તારીખે ઘણા વર્ગોમાં ટેબુ છે. લોકો સેક્સ વિશે જાહેરમાં ચર્ચા કરવાનું ટાળે છે. સાચી વાત એ છે કે, સેક્સ એ તમામેતમામ વ્યક્તિને સ્પર્શતી બાબત છે. એ વાતથી જરાયે ઇન્કાર ન થઇ શકે કે, સેક્સ એ બે વ્યક્તિ વચ્ચેની અંગત બાબત છે, એનો જાહેરમાં દેખાડો ન હોય. પ્રોબ્લેમ એ છે કે, પતિ-પત્ની બંને પણ સેક્સ બાબતે ખુલ્લા દિલે વાત કરતાં હોતાં નથી. સેક્સમાં અસંતોષ હોય અથવા તો કોઇ પ્રોબ્લેમના કારણે સેક્સને સારી રીતે એન્જોય કરી શકતાં ન હોય તો પણ એકબીજા સાથે વાત કરતાં હોતાં નથી. ઘણા કિસ્સાઓમાં કોઇ ને કોઇ પ્રેશરના કારણે સેક્સમાં પર્ફોર્મન્સ એંગ્ઝાઇટી રહે છે. એવું જરાયે નથી હોતું કે, પતિ કે પત્નીને સેક્સમાં રસ હોતો નથી, રસ તો હોય જ છે, પણ સેક્સના સમયે બેમાંથી એકનું અને ઘણી વખત બંનેનું હન્ડ્રેડ પર્સન્ટ ઇન્વોલમેન્ટ હોતું નથી. એના કારણે એવું લાગે છે કે, તારું ધ્યાન નથી અથવા તો તારો જીવ બીજે ક્યાંક છે. ઓફિસના કામ કે બીજા કોઇ ટેન્શનના કારણે સેક્સમાં જે નજાકત હોવી જોઇએ એ રહેતી નથી.

દાંપત્ય લાઇફમાં ઇમોશનલ અટેચમેન્ટનું જેટલું ઇમ્પોર્ટન્સ છે એટલું જ મહત્ત્વ સેક્સ્યુઅલ રિલેશન્સનું છે. કપલ્સ પણ હવે એ વાત સમજવા લાગ્યાં છે કે, સેક્સના કારણે કોઇ પ્રોબ્લેમ ન થવા જોઇએ. એ માટે તેઓ પ્લાનિંગ કરે છે. આમ તો સેક્સ માટે પ્લાનિંગ કરવું પડે એ પણ આજના સમયની કરુણતા છે. સેક્સ તો સહજ હોવું જોઇએ. દુનિયામાં હવે સેક્સ વેલનેસનો ખયાલ વિસ્તરી રહ્યો છે. સમૃદ્ધ અને સફળ સેક્સ માટે જુદા જુદા પ્રોગ્રામ્સ ઘડી કાઢવામાં આવે છે. તેમાં સૌથી મોખરે છે, સેક્સ વેલનેસ ટ્રાવેલ. ટ્રાવેલ એક્સપર્ટ્સ કહે છે કે, લોકોના ફરવા જવા પાછળ જુદાં જુદાં કારણો હોય છે. મોટાભાગના લોકો રિલેક્સ થવા માટે ફરવા જાય છે. કેટલાંક લોકો સ્થળ જોવાલાયક અને માણવાલાયક હોય એટલે એ જોવા માટે ફરવા જાય છે. ઘણાને વાતાવરણ માણવું હોય છે તો ઘણાને જંગલમાં જઇ વાઇલ્ડ લાઇફ એન્જોય કરવી હોય છે. હવે તેમાં એક નવો પ્રકાર ઉમેરાયો છે અને તે સેક્સ વેલનેસ છે. હેલ્ધી સેક્સના ઉદ્દેશથી જ આ ટ્રાવેલ કરવામાં આવે છે. એકબીજામાં ઓતપ્રોત થઇ જવું, એકબીજાનો સાથ માણવો, ફોર પ્લે અને આફ્ટર પ્લેને પણ એન્જોય કરવા અને એકબીજાને પૂરેપૂરો સમય આપવો.

દુનિયાના અનેક દેશોનાં ટૂરિસ્ટ પ્લેસોએ હવે સેક્સ વેલનેસ પેકેજ શરૂ કર્યાં છે. સ્પેન અને બાર્બાડોસ તેમાં મોખરે છે. ટૂરિઝમનાં જાતજાતનાં પેકેજીસ હોય છે, દરેકની પોતાની વિશિષ્ઠતાઓ હોય છે. સેક્સ વેલનેસ પેકેજ બીજા પેકેજથી થોડીક રીતે જુદું પડે છે. આ પેકેજમાં માત્ર સુવિધાઓ જ નથી અપાતી, સારા દાંપત્ય માટે ટિપ્સ પણ અપાય છે અને જો જરૂર પડે તો કાઉન્સેલિંગની સુવિધા પણ પૂરી પાડવામાં આવે છે. સેક્સ વિશે સમજ પણ આપવામાં આવે છે. સેક્સ માત્ર શારીરિક ક્રિયા નથી, એ શારીરિક ક્રિયા કરતાં માનસિક ક્રિયા વધુ છે. સેક્સની સીધી અસર આપણી હેલ્થ પર થાય છે. સેક્સથી હેલ્થ પણ સુધરે છે અને બોન્ડિંગ પણ વધે છે.

હેલ્ધી સેક્સ માટે બે વસ્તુ સૌથી મહત્ત્વની છે, મૂડ અને વાતાવરણ. સારા મૂડ માટે પૂરેપૂરું ધ્યાન હોવું જોઇએ.

સેક્સ વેલનેસમાં એવું પણ કહે છે કે, બને તો જ્યારે તમે સેક્સ વેલનેસ વેકેશન પર હોવ ત્યારે ગેઝેટ્સથી દૂર રહો. મોબાઇલનો મર્યાદિત ઉપયોગ જ કરો. ફોટા પાડજો પણ અપલોડ તમે રિટર્ન થાવ પછી કરજો. તમારો સમય એકબીજા માટે છે. જ્યારે તમે પોતાના પાર્ટનરને સમય આપો છો ત્યારે હકીકતે તો તમે પોતાની જાતને જ સમય આપતા હોવ છો. સેક્સ વિશે એક્સપર્ટ્સનું કહેવું છે કે, મેરેજના શરૂઆતના સમયમાં તો કપલ્સને સેક્સમાં રસ હોય છે, પણ જેમ જેમ સમય જાય છે એમ એમ સેક્સમાંથી રસ ઊડતો જાય છે. કેટલાક કિસ્સામાં સેક્સ થાય તો છે, પણ એ મેકેનિકલ થઇ જાય છે. રોજિંદી સમસ્યાઓ તો રહેવાની જ છે. કામના બોજને પણ માણસ એક હદથી વધારે હટાવી શકતો નથી. બધું છે અને રહેવાનું જ છે, પણ એક વાત યાદ રાખવાની હોય છે કે, પોતાના પાર્ટનરના ચહેરા પર ખુશી અને હળવાશ સૌથી વધુ મહત્ત્વનાં છે.

સેક્સ માત્ર ફરવા જઇએ ત્યારે જ કે વેલનેસ માટે જ જરૂરી નથી, ઇમોશનલ અટેચમેન્ટને વધુ તીવ્ર બનાવવા માટે પણ જરૂરી છે. સેક્સ વિશેની એક સમસ્યા એ પણ છે કે, પતિ-પત્ની સેક્સ વિશે એક હદથી વધારે વાત કરતાં નથી. ગમા અણગમાથી માંડીને બધી વાત કરવાની સહજતા હોય એ પણ જરૂરી છે. બેડરૂમને સ્વસ્થ જીવન માટે નિમિત્ત બનાવવાની સલાહ આપવામાં આવે છે. પર્સનલ કે પ્રોફેશનલ ઇશ્યૂઝને બેડરૂમ સુધી પહોંચવા ન દો. અત્યારના સમયમાં એવું થઇ રહ્યું છે કે, બેડરૂમ બેડ એટલે કે ખરાબ થઇ રહ્યો છે. દંપતીને જો બેડરૂમમાં જ ભાર વર્તાય તો જિંદગીમાં હળવાશ લાગવાની જ નથી. પ્રેમ વગરના સેક્સમાં માધુર્ય રહેતું નથી. સેક્સ પ્રેમને વધુ મજબૂત બનાવે તો જ ખરા અર્થમાં સાર્થક નીવડે છે. ઉંમરના પડાવો સાથે સેક્સની રુચિમાં બદલાવો આવતા રહે છે. એ બદલાવને પણ સમજવા જરૂરી છે. સંતાનના જન્મ બાદ ખાસ કરીને માતાનું ફોકસ ચેન્જ થાય છે. બાળકની જવાબદારી નાનીસૂની વાત નથી, બાળકની કેર તો કરવાની જ હોય છે. સાથોસાથ દાંપત્યજીવનમાં પણ કોઇ ઊણપ ન આવે તેનું ધ્યાન રાખવાનું હોય છે. સેક્સ વેલનેસમાં એનો પણ સમાવેશ થાય છે કે, માત્ર ફરવા આવો ત્યારે જ નહીં, એ સિવાય પણ સેક્સ સ્વસ્થ રહેવું જોઇએ. સેક્સ વેલનેસ ટ્રિપની જરૂર તો ત્યારે પડે જ્યારે સેક્સ લાઇફમાં કોઇ અવરોધ પેદા થતા હોય. દરેક વખતે માણસ સેક્સ માટે ફરવા જઇ ન શકે, એ જસ્ટ ફોર ચેન્જ હોવું જોઇએ. રૂટિન લાઇફને મજેદાર બનાવી રાખવા માટે આત્મીયતા, સંવાદ અને સ્પર્શ પણ જરૂરી છે. મોટાભાગનાં કપલ્સ રાતે સાથે સૂવાને બાદ કરતાં એકબીજાને સ્પર્શ પણ કરતાં હોતાં નથી. એક હળવું હગ પણ સુંદર અહેસાસ કરાવી શકે છે. દાંપત્યને સજીવન રાખવા માટે સજાગ ન રહીએ તો ઘણી વખત ગાડી આડા પાટે ચડી જાય છે. ઇમોશનલ અને ફિઝિકલ એક્સપેક્ટેશન સંતોષાવી જોઇએ અને એના માટે જે કંઇ કરવું જોઇએ એ પણ દિલથી થવું જોઇએ!

પેશ-એ-ખિદમત

નામ હોઠોં પે તેરા આયે તો રાહત સી મિલે,

તૂ તસલ્લી હૈ દિલાસા હૈ દુઆ હૈ ક્યા હૈ?

તેરી આંખોં મેં કઇ રંગ ઝલકતે દેખે,

સાદગી હૈ કિ ઝિઝક હૈ કિ હયા હૈ ક્યા હૈ?

 - નક્શ લાયલપુરી