ગીર ગુજરાતમાં હોવાથી ઘણા ગુજરાતીઓ જાણે છે કે સિંહ ભૂખ્યો ન હોય તો શિકાર ન કરે, પણ સિંહણનું પેટ ભરેલું હોય પણ માથું ફરેલું હોય તો ગમે તેનો ઘડોલાડવો કરી નાખે. સિંહ જંગલનો રાજા હશે અને સિંહણને કોઈ રાણી નથી કહેતું છતાં પણ રાજ અને રાજસિંહાસન સિંહણની રક્ષણવૃત્તિ અને પઝેસિવનેસને કારણે સુરક્ષિત છે. લાયનેસ અમેરિકાની એવી એક ટીમ છે જે સીઆઈએ, એફબીઆઈ, મિલિટરી બધા સાથે જોડાયેલી હોવા છતાં એ બધા કરતાં વધુ ખતરનાક પુરવાર થઈ શકે એમ છે.


સ્પાય એક્શન થ્રિલર કે સર્વાઇવલ પ્રકારની ફિલ્મો કે વેબ સીરિઝ જોવી ગમે, કારણ કે એમાં ફાયરિંગ હોય ને ફાઈટિંગ હોય, ચેઝ એક્શન સિક્વન્સ હોય, બંદૂકોની ગોળીઓની રમઝટ હોય, સામાન્ય માણસના અનુભવથી તો બહુ દૂર જ હોય, પણ આવું ક્યારેય જોવા પણ મળ્યું ન હોય. પણ આ જોનરનો મોટો પ્રોબ્લેમ એ છે કે એમાં ફિલ્મી બનવાના ચાન્સીસ બહુ વધી જાય. નાટ્યાત્મકતા એટલી બધી વધી ગઈ હોય કે તે વિશ્વસનીય ન લાગે. આવું સાચે જ થયું હશે એ વિશ્વાસ ન બેસે. `પુલિસ ને તુમ્હેં ચારોં તરફ સે ઘેર લિયા હૈ' ટાઈપના સ્ટીરિઓટાઈપ સીન ઊભા થાય. માટે આ પ્રકારની થોડી ફિલ્મો જોયા પછી આવું કન્ટેન્ટ રોમાંચ ન આપી શકે, કારણ કે હોલિવૂડની ઘણી ફિલ્મો એવી બની છે કે દર ચોથી ફિલ્મે વ્હાઇટ હાઉસ ઉપર ખતરો હોય એવો પ્લોટ આવે. કેટલી વખત અમેરિકન પ્રેસિડેન્ટને બચાવવાના? બધું ટિપિકલ લાગે, પણ `લાયનેસ' સીરિઝ એવી નથી.

એમેઝોન પ્રાઈમ વીડિયો ઉપરની આખી સીરિઝનું નામ છે `સ્પેશિયલ ઓપ્સ: લાયનેસ'. બે સીઝન આવી ગઈ છે. પહેલી સીઝનની વાત કરીએ તો લાયનેસ નામનું ફીમેલ ઓપરેટિવ ગ્રૂપ છે અથવા તો સીઆઇએના વડપણ હેઠળ કામ કરતી એક બોડી છે, જે સીધા સેક્રેટરી ઓફ સ્ટેટ અને વાઇસ પ્રેસિડેન્ટને રિપોર્ટ કરે છે. કોઈ લશ્કરી વડો તેને સવાલ પૂછી શકતો નથી. હા, ખૂંખાર સ્ત્રીઓની ભરતી લશ્કરી એકેડેમીમાંથી થઈ શકે. લાયનેસ ગ્રૂપની મુખિયા છે જોઈ મેકનમારા નામની સિનિયર કેસ ઓફિસર. હવે સવાલ એ થઈ શકે કે સ્ત્રીઓનું આવું અલાયદું ગ્રૂપ કેમ? દેશના સંરક્ષણ સંલગ્ન એવું તો કયું કામ છે જે સ્ત્રીઓ કરી શકે અને પુરુષો ન કરી શકે?

ઉપરછલ્લી રીતે કહીએ તો લાયનેસ સ્ત્રી જાસૂસ તૈયાર કરે. સીઆઇએ કે એફબીઆઈએ મિડલ ઇસ્ટ - અરેબિક દેશોમાં આતંકી સંગઠનો સાથે જોડાયેલા આતંકીઓના કે ટેરર ફાઇનાન્સરના વોન્ટેડ લોકોની યાદી બનાવી હોય એ લોકોને ટાર્ગેટ કરીને ન્યુટ્રલાઈઝ કરવા એટલે કે મારી નાખવા એ એમનું કામ. પુરુષો આમાં ન ચાલે, કારણ કે નાઇન ઇલેવનની ઘટના પછી તો કટ્ટરપંથી દેશોમાં અમેરિકનો અને ખાસ તો અમેરિકન લશ્કર પ્રત્યે બહુ જ ઘૃણા પેદા થઈ છે. તે લોકોના મતે તો કોઈ પણ પુરુષ વિશ્વસનીય રહ્યો નથી. જ્યારે કોઈ સ્ત્રી ફિલ્ડ ઓફિસર હોય તો તે આતંકી જૂથના કોઈ વડાના ઘરની સ્ત્રી સાથે દોસ્તી કરી શકે, તેની સાથે ઘરોબો કેળવી શકે અને પછી મુખ્ય લક્ષ્યની નજીક જઈને તેને મારી શકે.

મિડલ ઇસ્ટ દેશોના બધા આતંકીઓને પૈસા પૂરો પાડતો એક મોટો વેપારી છે, જે ક્રૂડનો બિઝનેસ કરે છે. તેના કારણે આતંકવાદીઓને પૈસા મળે છે ને આતંકવાદીઓ બધે બોમ્બ ધડાકા કરતા રહે છે. એક ફાઇનાન્સરને જ મારી નાખવામાં આવે તો હજારો આતંકીઓની પ્રવૃત્તિઓ અટકી જાય. તે ફાઇનાન્સરની દીકરીનાં નજીકમાં લગ્ન છે. તેની નજીક પહોંચવા તેની એકની એક દીકરીને મિત્ર બનાવવી પડે. આ કામ એક સ્ત્રી જ કરી શકે, પણ એ સ્ત્રી ખૂબ તાલીમ પામેલી જોઈએ. એના માટે એક ક્રૂઝ મેન્યુલોઝને રિક્રૂટ કરવામાં આવે છે અને તેને જીવના જોખમે એક મિશનમાં મોકલવામાં આવે છે. લાયનેસ સીરિઝનો આ બેઝિક પ્લોટ છે, પણ તેમાં લાગણીનું તત્ત્વ ભરપૂર છે. એક્શન સિક્વન્સ બહુ સારા છે. હાઈ ઓક્ટેન સીરિઝ કહી શકાય. સ્ત્રીઓનાં પાત્રો એવાં છે કે બધાને પ્રેરણા આપી શકે. આવી સીરિઝ ભારતમાં કેમ નથી બનતી તે અફસોસ છે.


  • Follow us on: