• કેટલાંક કિસ્સામાં સાવેય સરળ લાગતું લિવ ઇન અમુકવાર મોટી સમસ્યા બની જાય છે

દિલ્હીના ચકચારી મર્ડરકેસ પછી લવજેહાદ જેટલું ચર્ચામાં આવ્યું છે એટલું લીવ ઈન રિલેશનશિપ ચર્ચામાં નથી આવ્યું, પરંતુ લીવ ઈન રિલેશનશિપ એ હવે અર્બન વિસ્તારોમાં અત્યંત ચલણમાં રહેલી વાસ્તવિક્તા છે, જેને સામાજિક સ્વીકૃતિ જોઈએ એટલી નથી મળી અને એ કારણે તેની કાયદાકીય સ્વીકૃતિ અને તેના માપદંડો વિશે જે જાગૃતિ આવવી જોઈએ એ જાગૃતિ આવી શકી નથી. બલકે કોઈને એ વિષય પર પ્રકાશ પાડવાનું યોગ્ય જ નથી લાગતું, પરંતુ અર્બન વિસ્તારોમાં ચલણને કારણે હવે છાસવારે લીવ ઈન રિલેશનશિપ્સના અવનવા કેસ આપણી સમક્ષ આવી રહ્યાં છે, જે કેસીસ રહીરહીને લીવ ઈન કન્સેપ્ટ અને તેની જરૂરિયાત પર પ્રશ્નો ઊભા કરી રહ્યાં છે.

ભારત જેવા દેશમાં જ્યાં લગ્નવ્યવસ્થા એ અત્યંત મહત્ત્વની બાબત છે અને એ વ્યવસ્થા સાથે સામાજિક અને સાંસ્કૃતિ બાબતોનાં મૂળ અત્યંત ઊંડે સુધી જોડાયેલાં છે. એવા માહોલમાં લીવ ઈન રિલેશનશિપને સામાજિક સ્વીકૃતિ ન મળે એ સ્વાભાવિક છે. વળી, સામાજિક માળખાના ભાગરૂપે જો સૂક્ષ્મ રૂપે આ પ્રકારની સંબંધ વ્યવસ્થા પર વિમર્શ કરીશું તો એ માળખું ક્યાંક તો સામાજિક એકસૂત્રીયતા તોડે જ છે અને કેટલાક પાયાના પ્રશ્નો ઊભા કરે છે, કારણ કે બે લીવ ઈન પાર્ટનર્સ એકબીજા સાથે પ્રેમથી હળીમળીને રહે છે કે એકબીજા સાથે સંતતિ નથી કરતા ત્યાં સુધી તો ઠીક છે પરંતુ જ્યારે બાબત આંતરિક વિખવાદ પર પહોંચે છે કે સંતતિ થઈ જાય પછી તેના ઉછેર, તેના વારસા અને તેના સામાજિક સ્વીકારની વાત આવે છે ત્યારે ડખા શરૂ થાય છે.

એટલે જ અર્બન વિસ્તારોમાં ફેશન ગણાતા લીવ ઈનમાં જ્યારે પ્રશ્નો ઊભા થાય છે એ પ્રશ્નો કાયદાકીય હોય ત્યાં સુધી તેને વાંધો નથી આવતો, પરંતુ જ્યારે એ પ્રશ્નો સામાજિક સાંસ્કૃતિક સ્તરના બને ત્યારે તેનો ઉકેલ શું કાઢવો એ મોટી ગૂંચ બની જાય છે. જોકે તોયે આ સંબંધ વ્યવસ્થાને સમયાંતરે કાયદાકીય સુરક્ષા મળતી રહી છે એ પણ ક્રાન્તિ તો છે જ, કારણ કે અહીં પણ પતિ-પત્નીના જે સામાન્ય પ્રશ્નો છે એ પ્રશ્નો ઉદ્ભવે જ છે. એવું નથી બનતું કે લીવ ઈનમાં એકબીજા સાથે ન ફાવ્યું એટલે પાર્ટનર્સ પ્રેમપૂર્વક છૂટા પડી ગયા. અહીં દગો પણ છે અને હિંસા પણ છે. આર્થિક વહેવારોમાં છેતરપિંડી પણ છે અને વારસાઈના હકની લડાઈઓ પણ છે. એટલે જ અહીં કાયદાકીય સુરક્ષા મહત્ત્વની બની જાય છે.

લીવ ઈન રિલેશનશિપ આમ સીધી રીતે કોઈ પણ મેરેજ એક્ટમાં આવતી નથી, પરંતુ લીવ ઈનમાં જો પાર્ટનર્સને સંતાન થાય છે તો એ સંતાનને પૈતૃક સંપત્તિમાં લાભ મળે છે. એ જ રીતે ભૂતકાળમાં આપણી કોર્ટ દ્વારા એક ચુકાદો એવો પણ આવ્યો છે કે લીવ ઈનમાં રહેતા પાર્ટનર્સમાં પુરુષનું અવસાન થતાં પુરુષની સંપત્તિમાં મહિલાને સત્તાવાર અધિકાર અપાયો છે. લીવ ઈનનો આ કેસ પાછો યુવાન કપલનો નહોતો, પરંતુ એક આધેડ વયનો પુરુષ તેની સ્ત્રી પાર્ટનર સાથે લગભગ વીસ વર્ષ સુધી લીવ ઈનમાં રહેતો હતો અને તેનું અવસાન થતાં તેના પરિવારજનોએ સ્ત્રી પરિણીત નથી એમ કહીને તેને ઘરમાંથી બહારનો રસ્તો દેખાડવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ કોર્ટે મહિલા લીવ ઈન પાર્ટનરને કાયદાકીય રક્ષણ આપ્યું હતું.

લીવ ઈન રિલેશનશિપનો પાયો ભલે વ્યક્તિગત સ્વતંત્રતા અને સ્પેશ પર રચાયો હોય, પરંતુ આપણે ત્યાં જ એવા કેસીસ આવ્યા છે કે સો કૉલ્ડ સ્વતંત્રતાના નામે રચાતા લીવ ઈન સંબંધમાં જ્યારે તિરાડ પડે છે ત્યારે મહિલા પાર્ટનર જે સ્વતંત્રતાના એજેન્ડાથી સંબંધમાં ગયેલી હોય એને છૂટા પડતી વખતે ભરણપોષણ જોઈતું હોય છે. લીવ ઈનમાં રહ્યા પછી છૂટા પડ્યા પછી ભરણપોષણ માગવું એ એક રીતે તો અનએથિકલ જ કહેવાય, કારણ કે સ્પેશના પાયા પર તમે જે લગ્નવ્યવસ્થાનો ઉપહાસ કરીને લીવ ઈનમાં ગયેલા એ લગ્નવ્યવસ્થાના નિયમો અનુસાર ન્યાય કઈ રીતે ઝંખી શકો? પણ આપણે ત્યાં અનેક કિસ્સામાં ભરણપોષણ મગાયું છે અને કોર્ટ દ્વારા લીવ ઈનમાં પોલીમેનીનો અધિકાર પણ અપાયો છે.

જોકે લીવ ઈનમાં ભરણપોષણનો મુદ્દો જેટલો અપ્રસ્તુત લાગે એટલી પ્રસ્તુતિ ડોમેસ્ટિક વાયોલન્સના કાયદાની છે. જેમ દિલ્હી મર્ડરમાં બન્યું એમ લીવ ઈનમાં પાર્ટનર્સ વચ્ચે હિંસાના કિસ્સા અનેક વાર બનતા હોય છે અને એ કિસ્સામાં ઘણી વાર અમાનવીય અત્યાચારો પણ આચરવામાં આવતા હોય છે. એ કિસ્સામાં સમાજ તરફથી લગભગ કોઈ મદદ મળતી નથી, કારણ કે આવા સંબંધો સમાજમાં કોઈને ઉત્તર આપવા માટે બંધાયેલા જ નથી હોતા, પરંતુ આવા કિસ્સામાં ડોમેસ્ટિક વાયોલન્સ એક્ટ અંતર્ગત લાવીને એક અત્યંત નક્કર કામ કરાયું છે, જેથી હિંસાનો ભોગ બનનાર પાર્ટનરને યોગ્ય ન્યાય મળી શકે.

અહીં આડવાત એ કરવાની થાય છે કે એડલ્ટરી અને લીવ ઈન રિલેશનશિપ એ બંને અત્યંત અલગ બાબતો છે. એટલે લગ્નસંબંધમાં બંધાયેલી વ્યક્તિ સત્તાવાર રીતે લીવ ઈનમાં રહી શકતી નથી. ઘણા તો લગ્નેતર સંબંધ અને લીવ ઈનને એક જ માની બેસે છે, પરંતુ લીવ ઈન એ સાવ જુદું માળખું છે, એટલે જો એમાં કોઈ લગ્નસંબંધમાં જોડાયેલી વ્યક્તિ કોઈ બીજા પાર્ટનર સાથે ઘૂસે છે તો વળી નવા જ સ્વરૂપના ભવાડા સામે આવતા હોય. જોકે આ તો એડલ્ટરીના કિસ્સાની વાત થઈ, પણ મૂળે આ લીવ ઈન થોડું અટપટું છે. કોર્ટ આ મામલે કહે છે કે લીવ ઈનને વ્યક્તિગત સ્વતંત્રતાના દૃષ્ટિકોણથી જોવાવું જોઈએ. કોર્ટની એ વાત સાચી પણ છે, પરંતુ જે દેશમાં કોઈ પણ સંબંધ પર સામાજિક- સાંસ્કૃતિક અને હવે તો રાજકીય પણ કહી શકાય એવી બાબતો હાવી થતી હોય ત્યાં આ લીવ ઈન અનેક પ્રશ્નોના જવાબ આપવા માટે સમર્થ છે.


  • Follow us on: