• અમરનાથમાં દર વર્ષે બરફની વર્ષાથી શિવલિંગનું નિર્માણ થાય છે

  • એને બનાવવામાં કોઈ પણ પ્રકારની માનવીય કોશિશ કરવામાં આવતી નથી

ભગવાન શિવનું ભવ્ય અમરનાથ મંદિર જમ્મુ-કાશ્મીરની રાજધાની શ્રીનગરથી આશરે 134 કિલોમીટર દૂર છે. આ સ્થળ દરિયાઈ સપાટીથી 13600 ફૂટ ઊંચાઈ પર આવેલું છે. અમરનાથ મંદિર અને આ મંદિરની ગુફા ભગવાન શિવ અને માતા પાર્વતીના અમરત્વ સાથે જોડાયેલાં છે. તેથી અમરનાથ ધામને તીર્થોમાં તીર્થ કહીને બોલાવવામાં આવે છે.

અમરનાથ મંદિર જમ્મુ-કાશ્મીરમાં ઊંચાઈ પર હોવાને કારણે હંમેશાં બરફથી ઢંકાયેલું રહે છે. આ મંદિરની ચારે બાજુ બરફ જામેલો હોય છે તેથી આ મંદિર વર્ષે ફક્ત એક વખત શ્રદ્ધાળુઓ માટે ખોલવામાં આવે છે. અમરનાથ યાત્રા કરીને શ્રદ્ધાળુ અહીં ભગવાન શિવલિંગનાં દર્શન કરવા માટે દૂર દૂરથી આવે છે. અમરનાથ મંદિર સાથે જોડાયેલો ઇતિહાસ કહે છે કે જમ્મુ-કાશ્મીરમાં આર્ય રાજા ભગવાન શંકરના શિવલિંગની પૂજા આરાધના કરતાં હતા. તે બરફનું બનેલું હતું. રાજા તરંગિણીના પુસ્તકમાં આ શિવલિંગને અમરેશ્વર એટલે કે અમરનાથ કહેવામાં આવ્યું છે. અમરનાથ મંદિરની ગુફાઓમાં થતી યાત્રાની શરૂઆત પ્રજા ભટ્ટે કરી હતી. જે શ્રદ્ધાળુઓ માટે વિશેષ મહત્ત્વ ધરાવે છે.

અમરનાથ ગુફાના ઇતિહાસની વાત કરીએ તો અમરનાથ મંદિરમાં ભગવાન શિવ માતા પાર્વતીના અમરત્વની કથા એટલે કે અમર કથા સંભળાવી રહ્યાં હતા. એ વખતે માતા પાર્વતીએ આ કથા સાંભળવા માટે એક રુદ્રનો ત્યાગ કર્યો હતો. જેથી આ ગુફામાં આગ લાગી ગઈ હતી. જેથી કોઈ પણ જીવિત વ્યક્તિ કે પ્રાણી આ કથાને સાંભળી ન શકે. કહેવાય છે કે જ્યારે ભગવાન શિવ માતા પાર્વતીને અમર કથા સંભળાવી રહ્યાં હતા ત્યારે કબૂતરનું જોડું હતું જે ભગવાનની અમર કથા સાંભળી રહ્યું હતું. અમર કથા સાંભળ્યા બાદ એ કબૂતર આજ પણ અમર થઇ ગયાં છે. લોકો કહે છે કે અમરનાથ મંદિરની ગુફામાં હંમેશાં તે દેખાય છે. એ જ કબૂતર દેખાય છે કે કોઈ બીજા આ અંગે હજુ સુધી કોઈ નક્કર પુરાવા મળ્યા નથી.

અમરનાથ શિવલિંગની શોધને લઈને એક કથા અત્યંત પ્રચલિત છે. કહેવાય છે કે એક બૂટા મલિક નામના મુસ્લિમે 1850માં આ શિવલિંગની શોધ કરી હતી. તેણે જ આ શિવલિંગને સૌપ્રથમ વખત જોયું હતું. એ પછી લોકોને આ અંગે ખબર પડી અને લોકો અમરનાથની યાત્રા કરવા લાગ્યા. આ અંગે કોઈ સચોટ પુરાવા મળ્યા નથી. પાંચમી શતાબ્દીથી લઇને 17મી શતાબ્દી સુધી વિવિધ પુસ્તકોમાં અમરનાથનો ઉલ્લેખ જોવા મળે છે. અમરનાથની યાત્રાનું પ્રમાણ મહાભારત અને બૌદ્ધ કાળમાં પણ મળે છે. આમ, અમરનાથને લઇને અલગ અલગ કથાઓ અને ઉલ્લેખો ઉપલબ્ધ છે.

અમરનાથમાં દર વર્ષે બરફની વર્ષાથી શિવલિંગનું નિર્માણ થાય છે. નવાઈની વાત એ છે કે એને બનાવવામાં કોઈ પણ પ્રકારની માનવીય કોશિશ કરવામાં આવતી નથી, પરંતુ કુદરતી રીતે તે નિર્માણ પામે છે. અમરનાથ મંદિરમાં ફક્ત ભગવાન શિવના શિવલિંગ જ નહીં પરંતુ 51 શક્તિપીઠોમાં મુખ્ય શક્તિપીઠ માનવામાં આવે છે. શ્રદ્ધાળુઓ માને છે કે અમરનાથ મંદિરમાં ભગવાન શિવના શિવલિંગનાં દર્શન કરવાથી મૃત્યુનો ડર રહેતો નથી. કહેવાય છે કે દેવતાઓએ મૃત્યુના ભયથી બચવા માટે આ શિવલિંગની સ્થાપના કરી હતી. ગુફાની પરિધિ આશરે 150 ફૂટ છે અને એમાં ઉપરથી સેન્ટરમાં બરફના પાણીનાં ટીપાં ટપકતાં રહે છે. આ ટીપાંથી આશરે દસ ફૂટ લાંબું શિવલિંગ બને છે. બરફનાં ટીપાં ગુફામાં અન્ય જગ્યા ઉપર પણ પડે છે પરંતુ બીજી કોઈ જગ્યાએ શિવલિંગ બનતું નથી.

કહેવાય છે કે સૂર્ય અને ચંદ્ર ઊગવા અને અસ્ત થવાના સમયે લિંગના આકારમાં ફેરફાર થાય છે, પરંતુ આ વાતને કોઇ વૈજ્ઞાનિક પ્રૂફ મળ્યું નથી. એક માન્યતા એવી છે કે બરફથી બનેલા પથ્થર પાર્વતી અને શિવજીના પુત્ર ગણેશજીનું પ્રતિનિધિત્વ કરે છે.


  • Follow us on: