- જ્યારે આ ઘટનાની વૃંદાને જાણ થઈ કે તેની સાથે છળકપટ થયું છે. એટલે ક્રોધમાં આવી વૃંદાએ ભગવાન વિષ્ણુને શાપ આપ્યો
આપણાં સૌના ઘરે તુલસીના ક્યારા પર ભગવાન શાલિગ્રામનું સ્થાન હોય જ છે. આપણે નિત્ય તુલસીપૂજાની સાથે સાથે ભગવાન શાલિગ્રામની પૂજા કરીએ છીએ. આ ઉપરાંત દર વર્ષે તુલસી વિવાહનો ઉત્સવ પણ આપણે સૌ ઊજવીએ છીએ, પરંતુ તમને ખબર છે કે, ભગવાન વિષ્ણુના શાલિગ્રામ સ્વરૂપ પાછળ એક શાપ જવાબદાર છે. ભગવાન વિષ્ણુએ ભગવાન શિવને એક યુદ્ધમાં વિજય અપાવવા માટે એક અનોખી માયા રચેલી અને એક સ્ત્રીનો પતિવ્રતા ધર્મભંગ કરાવેલો જેનાથી ભગવાન વિષ્ણુને પથ્થર બનવાનો શાપ મળેલો.
ભગવાન શિવે માનવ જીવોના કલ્યાણ માટે અનેક અસુરોનો નાશ કર્યો છે. શિવપુરાણમાં શિવજીના જીવન અને તેમની લીલાઓ વિશેના અનેક પ્રસંગોનું વર્ણન કરવામાં આવ્યું છે. શિવપુરાણમાં શ્રી રુદ્ર સંહિતાના યુદ્ધ ખંડના 15મા અધ્યાયમાં ભગવાન શિવજી અને રાક્ષસ જલંધરની વચ્ચેના યુદ્ધનું વર્ણન કરવામાં આવેલું છે. આ યુદ્ધમાં ભગવાન શિવે દુરાચારી જલંધરનો વધ કર્યો હતો.
સામાન્ય રીતે લોકોને ભગવાન શિવના બે પુત્રો ગણેશ અને કાર્તિકેય વિશે જ ખબર હોય છે, પરંતુ ભગવાન શિવનો એક અંશ જલંધર પણ હતો. જેનું વર્ણન પૌરાણિક કથાઓમાં કરવામાં આવ્યું છે. જલંધર મૂળ રાક્ષસ વૃત્તિનો હોવાથી તે ભગવાન શિવનો પુત્ર હોવા છતાં દુશ્મન બન્યો હતો. જલંધરની ઉત્પત્તિની કથા પણ ઘણી જ રોચક છે. એક વખત દેવરાજ ઈન્દ્ર અને દેવગુરુ બૃહસ્પતિ ભગવાન શિવને મળવા માટે કૈલાસ તરફ જઈ રહ્યા હતા. આ વાતની જાણ ભગવાન શિવને હતી એટલે તેમણે દેવરાજ ઈન્દ્રની પરીક્ષા લેવાનું વિચાર્યું અને એક સાધુનો વેશ ધારણ કરીને કૈલાસ પર શિવ નિવાસ તરફ જવાના માર્ગ પર સ્થાન ગ્રહણ કર્યું.
જ્યારે દેવરાજ ઈન્દ્ર અને દેવગુરુ બૃહસ્પતિ એ સ્થાન પર પહોંચ્યા કે જ્યાં ભગવાન શિવ સાધુનો વેશ ધારણ કરીને બેઠા હતા, ત્યારે દેવરાજ ઇન્દ્ર સાધુનો વેશ ધારણ કરીને બેઠેલા ભગવાન શિવને ન ઓળખી શક્યા અને સાધુને ભગવાન શિવના નિવાસસ્થાન અંગે પૂછવા લાગ્યા, પરંતુ પ્રતિક્રિયા સ્વરૂપે જ્યારે સાધુએ ઈન્દ્રને કોઈ પ્રત્યુત્તર ન આપ્યો તો દેવરાજ ઈન્દ્ર ક્રોધિત થઈ ઊઠ્યા અને પોતાના મહાઅસ્ત્ર `વજ્ર'નું આહ્વાન કર્યું અને સાધુનો વધ કરવા માટે દોટ મૂકી, પરંતુ ત્યાં હાજર દેવગુરુ ભગવાન શિવની આ લીલાને સમજી ગયા. દેવરાજ ઇન્દ્રએ હાથમાં વજ્ર લઈને સાધુ તરફ દોટ મૂકતાંની સાથે જ ભગવાન શિવ પોતાના મૂળ સ્વરૂપમાં આવી ક્રોધિત થઈ ઊઠ્યા. ઈન્દ્રના હાથમાં વજ્ર જોઈને ભગવાન શિવ એટલા ક્રોધે ભરાયા કે તેમનું ત્રીજું નેત્ર કઈ ક્ષણે ખૂલી જાય તે કંઈ કહેવાય તેમ નહોતું. આ સ્થિતિમાં દેવગુરુ બૃહસ્પતિએ તરત જ ભગવાન શિવનાં ચરણોમાં નમીને તેમની ભાવવંદના કરી અને ક્રોધનો ત્યાગ કરીને ઈન્દ્રને માફ કરવાની વિનંતી કરવા લાગ્યા.
જે બાદ ભગવાન શિવે પોતાના ક્રોધ સ્વરૂપના તેજને પોતાની આંખોમાંથી દૂર સમુદ્ર તરફ ફેંક્યું. ભગવાન શિવની આંખોમાંથી નીકળેલું તેજ સમુદ્રમાં જ્યાં પડ્યું ત્યાંથી જલંધરનો ઉદ્ભવ થયો. એટલે રાક્ષસવૃત્તિનો હોવા છતાંય જલંધર ભગવાન શિવનો જ એક અંશ માનવામાં આવે છે.
જલંધરને પોતાની બહાદુરી પર ગર્વ હતો. તે પોતાની શક્તિથી ભગવાન શિવનું સ્થાન મેળવવા ઇચ્છતો હતો. એવું માનવામાં આવે છે કે, તેણે અમર બનવા માટે વૃંદા નામની યુવતી સાથે લગ્ન કર્યાં હતાં, કારણ કે વૃંદાએ આખી જિંદગી ભગવાનની ભક્તિ કરી હતી અને તેને સતીત્વ અને પતિવ્રતાનું વરદાન હતું. પરિણામે જલંધરને અમરત્વ પ્રાપ્ત થયું, પરંતુ જલંધરનું માનસ રાક્ષસવૃત્તિનું હોવાને કારણે તે દેવતાઓ પર રાજ કરવા ઇચ્છતો હતો. તેથી તેણે ભગવાન શિવને પણ યુદ્ધનો પડકાર આપ્યો.
પરંતુ તેની પત્ની વૃંદાને આપેલા વરદાનથી જલંધરનો વધ કરવો મુશ્કેલ હતો. સમગ્ર દેવગણ આ મુશ્કેલીનો ઉપાય શોધવા ભગવાન વિષ્ણુ સમક્ષ ઉપસ્થિત થયા. એટલે ભગવાન શિવ અને વિષ્ણુએ એક વિચાર કર્યો. ભગવાન વિષ્ણુએ એક અનોખી માયા રચી કે જેનાથી જલંધરની ગેરહાજરીમાં વૃંદાનો ધર્મભંગ થઈ જાય. વૃંદાનો પતિધર્મ ભંગ થતાની સાથે જલંધરનું અમરત્વનું વરદાન પણ સમાપ્ત થઈ ગયું અને તે બાદ યુદ્ધમાં ભગવાન શિવે જલંધરનો વધ કર્યો.
જ્યારે આ ઘટનાની વૃંદાને જાણ થઈ કે તેની સાથે છળકપટ થયું છે. એટલે ક્રોધમાં આવી વૃંદાએ ભગવાન વિષ્ણુને શાપ આપ્યો કે તમે પથ્થર બનશો. સતી વૃંદાનો શાપ સાંભળી દેવ ઋષિઓએ સતી વૃંદાને વિનંતી કરી. પરિણામે વૃંદાએ ભગવાનની માફી માંગી અને શાપમાંથી મુક્ત કર્યા, પરંતુ વિષ્ણુ ભગવાન પણ વૃંદાની ભક્તિથી અને તેના સતીત્વ અને પતિવ્રતાથી અત્યંત ખુશ હતા.
આથી વિષ્ણુએ સતી વૃંદાને આશીર્વાદ આપ્યા કે તમે તુલસીના છોડ તરીકે અવતરણ પામશો અને હું જ્યારે પથ્થર રૂપ હોઈશ ત્યારે તમારી સાથે લગ્ન કરીશ. તેમજ તમારી હાજરી વગર ક્યારેય ભોજન નહીં કરું. આ પ્રસંગ પછી ભગવાન વિષ્ણુ શાલિગ્રામ સ્વરૂપે પ્રગટ થયા અને સતી વૃંદા તુલસીના છોડ તરીકે અવતરણ પામ્યાં. બંનેનાં લગ્ન કરાવવામાં આવ્યાં. આ ઘટનાને કારણે જ ભગવાન શિવને ક્યારેય તુલસી ચઢાવવામાં આવતા નથી.