- સફળતા માટે સૂર્યની પૂજા કરો. રોજ સવારે વહેલા ઊઠી `ઔમ ધૃણી આદિત્યાય નમઃ'ની એક માળા કરો
અહીં એક કુંડળી ભારતીય અરબપતિ જે. આર. ડી. ટાટાની છે. જેમાં ભાગ્યશાળી થવાનાં લક્ષણ રહેલાં છે. કેન્દ્ર તેમજ ત્રિકોણના ભાવોના બધા સ્વામી ગ્રહ કેન્દ્ર તેમજ ત્રિકોણના ભાવમાં રહેલા છે. ભાગ્યેશ ગુરુ લગ્નમાં તેમજ લગ્નેશ તૃતિય ભાવથી ભાગ્યસ્થાન સામે દૃષ્ટિ કરે છે. ભાગ્યસ્થાન, ભાગ્યેશ તેમજ કારક ગ્રહ ગુરુ પર કોઈ પાપ પ્રભાવ નથી. સૂર્ય તેમજ ચંદ્ર બંને કેન્દ્રસ્થાનમાં છે. દશમેશ તથા ચતુર્થેશની કર્મસ્થાનમાં યુતિ કાર્યક્ષેત્ર માટે શુભ છે. કર્મસ્થાન ખૂબ જ શક્તિશાળી છે જેના પર પાંચ ગ્રહો (ચંદ્ર, શનિ, સૂર્ય, શુક્ર અને મંગળ)નો શુભ પ્રભાવ છે. કુંડળીમાં રહેલા ધનયોગો તેમજ રાજયોગોએ જાતકને પ્રત્યેક ક્ષેત્રમાં સફળતા અપાવી. ભાગ્યે જ જોવા મળતી બીજા નંબરની કુંડળી બ્રિટનનાં સ્વ. મહારાણી એલિઝાબેથની છે, જે જન્મથી જ વિરાસતમાં મળેલા ભાગ્યનો નિર્દેશ કરે છે. લગ્ન, ચંદ્ર તેમજ સૂર્ય ત્રણેય શક્તિશાળી છે. ભાગ્યેશ બુધ, ત્રીજા સ્થાનથી પોતાના સ્થાન સામે દૃષ્ટિ કરે છે. લગ્ન તેમજ દ્વિતીય ભાવનો સ્વામી લગ્નમાં ઉચ્ચનો છે. જે રુચક યોગ કરે છે. શનિ-મંગળ વચ્ચે પરિવર્તન યોગ એ કુંડળીનું અદ્ભુત પાસું છે. દ્વિતીય સ્થાનમાં પંચમ તેમજ કર્મસ્થાનનો સ્વામી યોગકારક શુક્ર, ગુરુ સાથે યુતિ બનાવે છે. ગ્રહોની આવી સ્થિતિ ધનલાભ માટે ઘણી ઉત્તમ હોય છે. રાજસ ગ્રહ સૂર્ય ચતુર્થમાં ઉચ્ચનો થઈને દસમા સ્થાન સામે દૃષ્ટિ કરે છે. આ સ્થિતિએ જાતકને રાજવી કુટુંબમાં જન્મ લઈને મહારાણી બનવાનું ગૌરવ પ્રાપ્ત કરાવ્યું. રાણી સ્વ. એલિઝાબેથ વિશ્વની સૌથી ધનિક મહિલાઓમાંનાં એક હતાં અને તેમનું જીવન અતિ સુખમય અને વૈકુંઠસમાન હતું તે આપણે સૌ જાણીએ જ છીએ.
હવે નોબેલ પારિતોષિક વિજેતા મેડમ ક્યુરીની ચર્ચા કરીએ. તેમની યોગ્યતા, રસ, પરિશ્રમ તેમજ ભાગ્યનું અદ્વિતીય ઉદાહરણ છે. મેડમ ક્યુરીએ એક ગરીબ શિક્ષકના ઘરમાં જન્મ લીધો. તેમનું લગ્ન પણ એક ગરીબ વ્યક્તિ મિ. ક્યુરી સાથે થયું જેની સાથે મળીને તે પોતાના તૂટેલા-ફૂટેલા મકાનને પ્રયોગશાળા બનાવીને પ્રયોગો કરતી રહી. તેમની યોગ્યતા, રસ, સખત પરિશ્રમ તેમજ ભાગ્યે તેમને સફળતા અપાવી. મેડમ ક્યુરીને તેમના પ્રયોગ પર નોબેલ પારિતોષિક પ્રાપ્ત થયું જેથી તેમને આંતરરાષ્ટ્રીય માન, સન્માન અને ખ્યાતિ મળ્યાં અને સાથે તેમના આર્થિક સ્તરમાં સુધારો થયો. તેમની કુંડળીમાં ભાગ્યેશ બુધ લાભસ્થાને બિરાજે તે કુંડળીનું અતિ મહત્ત્વનું અને જમાપાસું ગણાય.










