• શ્રાવણ માસ ઉપરાંત શિવજીની પ્રસન્નતા પામવાનો, તેમને રિઝવવાનો અવસર ભક્તોને મહાશિવરાત્રીએ જ મળે છે

  • સફેદ આકડો શિવજીને ચડાવવાથી ભાગ્યોદય થાય છે
  • શિવલિંગ પર રહેલા નાગની મહાશિવરાત્રીએ પૂજા કરવાથી જીવનમાંથી સર્પભય, સર્પદોષ (નાગદોષ), કાલસર્પ દોષમાંથી મુક્તિ મળે છે

ભગવાન શિવને પ્રસન્ન કરવાની રાત્રી એટલે મહાશિવરાત્રી. ધર્મશાસ્ત્રના કથન અનુસાર અમૃત પીવાવાળા દેવો બન્યા, પરંતુ અમૃત સંસારને અર્પણ કરીને સ્વયં વિષ પીવાવાળા દેવ મહાદેવ તરીકે ઓળખાયા. તપોગુણના અધિષ્ઠાતા દેવ ભગવાન શિવ સ્વયં છે. શિવનો અર્થ કલ્યાણ થાય છે. જેની શરણમાં જવાથી અથવા તો જેની સાધના, જપ, તપ, ઉપાસના કરવાથી સદા સર્વદા મનુષ્યનું કલ્યાણ થાય તેવા દેવ એટલે ભગવાન શિવશંકર. ધર્મશાસ્ત્રોના કથન મુજબ મહાશિવરાત્રીના પર્વ પર થોડીક પણ કરેલી ભગવાન શિવજીની પૂજા, આરાધના અનેકગણુ ફળ મનુષ્યને આપે છે. ભગવાન શિવજી શિવપુરાણમાં કહે છે કે -

યત્ ફલમ્ મમ્ પૂજાયાં , વર્ષ મેકં નિરંતરમ્ ।

તત્ ફલમ્ લભતે સધે , શિવરાત્રો મદ્દઅર્ચનમ્ ॥ (શ્રી શિવપુરાણ)

અર્થાત્ જે વ્યક્તિ સમગ્ર વર્ષ દરમિયાન ભજન, કીર્તન તેમજ મારી પૂજા, ભક્તિ, આરાધના, સાધના, ઉપાસના કરે છે તે ફળ ફક્ત મહાશિવરાત્રીના દિવસે મારું પૂજન કરવાથી પ્રાપ્ત કરી લે છે. આમ, મહાશિવરાત્રીનું મહત્ત્વ શિવપૂજન માટે શ્રેષ્ઠ છે.

શિવલિંગ પૂજનનું માહાત્મ્ય

મહાશિવરાત્રીમાં શિવલિંગની પૂજા શ્રેષ્ઠ છે, કારણ કે શિવલિંગની પૂજા કરવાથી શિવ અને શક્તિ બંનેની પૂજા એક સાથે થઇ જાય છે. મહાશિવરાત્રીના વ્રતની કથા શ્રી શિવપુરાણમાં કોટિરુદ્રસંહિતા અંતર્ગત અધ્યાય 3૭માં વર્ણવેલી છે. મહાશિવરાત્રી વ્રત કરનારે જો શક્ય હોય ત્યાં સુધી ભોજનનો ત્યાગ કરવો અને સ્વાસ્થ્ય સારું હોય તો ફ્ક્ત દૂધ અને ફળ ખાઇને આ વ્રત કરવાથી મનુષ્યના જીવનમાં શુભ ફળ પ્રાપ્ત થાય છે. મહાશિવરાત્રીના દિવસે સંધ્યાકાળ (પ્રદોષકાળ)થી જ શિવપૂજન, રુદ્રમંત્રોનો જાપ, શિવમંદિરમાં ભજન, કીર્તન, ઉપવાસ, વ્રત, ઉપાસના, સાધના તેમજ રુદ્રાભિષેક કરવાથી શિવકૃપા સહજ પ્રાપ્ત થાય છે.

પૂજનવિધિ

ભગવાન શિવજી દ્વારા વર્ણવેલી મહાશિવરાત્રીની પૂજનવિધિ આ પ્રમાણે છે. મહાશિવરાત્રીના દિવસે શિવાલયમાં જઇને શિવજી સમક્ષ ધૂપ, દીપ પ્રગટ કરીને આ મંત્ર કરવો.

દેવ દેવ મહાદેવ, નીલકંઠ નમોસ્તુતે ।

કર્તુમિચ્છામ્યહં દેવ, મહાશિવરાત્રી વ્રતં તવ્ ॥

અર્થાત્ હે નીલકંઠ મહાદેવ! હું આપના મહાશિવરાત્રીનું ભક્તિભાવથી વ્રત કરું છું, તેનો તમે સ્વીકાર કરો. ત્યારબાદ શિવલિંગ પર દૂધ, દહીં, ઘી, મધ, સાકર, શેરડીનો રસ, નાળિયેરનું જળ, ગંગાજળ, ચોખા, સફેદ તલ, ડાંગર, જવ, કાળા તલ ચઢાવી બીલીપત્ર ચઢાવવાં. ઘરમાં પૂજન કરતી વ્યક્તિએ પાર્થિવ શિવલિંગની પૂજા કરવી. ત્યારબાદ ભગવાન શિવજીને નૈવેદ્ય ધરવો. આરતી કર્યા બાદ મનોવાંછિત ઇચ્છા શિવ સમક્ષ પ્રસ્તુત કરવી. પ્રથમ પ્રહરમાં મહાશિવરાત્રીએ શિવપૂજન કરતાં કરતાં પંચાક્ષર મંત્ર `ૐ નમઃ શિવાય'નો જપ કરવો. 8 શિવનાં નામ સાથેસાથે 8 પુષ્પ અર્પણ કરવાં (ભવ, શર્વ, રુદ્ર, પશુપતિ, ઉગ્ર, મહાન, ભીમ, ઇશાન) આ 8 નામનું ઉચ્ચારણ કરવું. આ સમયે ભગવાન શિવજીને વિવિધ પ્રકારની મિઠાઈ નૈવેદ્યમાં ધરાવવી.

બીજા પ્રહરમાં ભગવાન શિવને ખીર નૈવેદ્યમાં અર્પણ કરીને `ૐ હ્રિં રુદ્રાય નમઃ' આ મંત્રનો જપ કરીને ભગવાન શિવ ઉપર રુદ્રાભિષેક કરવો.

ત્રીજા પ્રહરમાં ભગવાન શિવજીને માલપૂઆનો નૈવેદ્ય ધરાવીને ભગવાન શિવ સમક્ષ `ૐ સાંમ્બ સદા શિવાય નમ:' આ મંત્રનો જાપ કરીને રુદ્રાભિષેક કરવો.

ચોથા પ્રહરમાં ભગવાન શિવજીને કાંગ, મગ, સપ્ત ધાન્ય, શંખપુષ્પ તેમજ બીલીપત્ર ચઢાવીને ભગવાનને નૈવેદ્યમાં અડદનાં વડાં ધરાવીને `ૐ હ્રીં મહેશ્વરાય નમઃ' આ મંત્રનો જાપ કરતાં કરતાં રુદ્રાભિષેક કરવો તેમજ રુદ્રાક્ષની માળા પર જાપ કરવાથી ભગવાન શિવજી ખૂબ પ્રસન્ન થાય છે. મહાશિવરાત્રીએ ભક્તજનોએ વિવિધ પ્રકારનાં ગીત, વાદ્ય તથા નૃત્યથી ભગવાન શિવને પ્રસન્ન કરવાના પ્રયત્ન કરવા જોઇએ. જે વ્યક્તિનું સ્વાસ્થ્ય સારું ન હોય તેવી વ્યક્તિની નિરોગી કાયા બનાવવા માટે મહાશિવરાત્રીએ શ્રી મહામૃત્યુંજય મંત્રની રુદ્રાક્ષની માળા પર જાપ તે વ્યક્તિને મહારોગમાંથી પણ મુક્તિ અપાવી દે છે. મહાશિવરાત્રીના દિવસે શિવ સહસ્ત્ર નામનો જાપ કરવાથી જીવનમાં કરેલાં પાપ નષ્ટ થાય છે અને પુણ્યનો ઉદય થાય છે. તેમજ કોઇ દેવદોષ થયો હોય તે નષ્ટ પામે છે એવું પુરાણોમાં વર્ણન છે. મહાશિવરાત્રીના દિવસે સ્વયંભૂ શિવલિંગના પૂજનનો અનેરો મહિમા છે. મહાશિવરાત્રીએ ભગવાન શિવને પ્રસન્ન કરવા શિવ ગાયત્રી મંત્રનો જાપ કરી શકાય છે. શિવ ગાયત્રી મંત્ર -

`ૐ તત્પુરુષાય વિદ્મહે મહાદેવાય ધિમહિ તન્નો રુદ્રઃ પ્રચોદયાત્' જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે નવ ગ્રહોને પ્રસન્ન કરવા તેમજ ગ્રહદોષ નિવારવા માટે આ રાત્રીએ શિવલિંગ પર વિવિધ પદાર્થોનું સ્પર્શ કરીને દાન કરવાથી તે ગ્રહોના પ્રકોપમાંથી મુક્તિ મળે છે. જે વ્યક્તિની જન્મકુંડળીમાં ઘાતક કાલસર્પદોષ હોય તેવી વ્યક્તિએ મહાશિવરાત્રીએ શિવલિંગ પર રહેલા નાગનું પૂજન કરતાં નીચેનો મંત્ર 11 વાર બોલે તો સર્પદોષમાંથી મુક્તિ મળે છે.

અનંતં વાસુકિં શેષં, પદ્મનાભં ચ કંબલમ્ ।

શંખપાલં કર્કોટકં, કાલિયં તક્ષકં તથા ॥

અનંતાધ્યો મહાકાયાન્ નાનામણિ વિરાજિતાન્ ।

દયાયામિ ચૈતાન્સર્પાન્, પાતાલ તલ વાસિનઃ ।

સર્પદોષ વિનાશાય , સર્પાવંદે શિવાય નઃ ॥

આ મંત્ર બોલી શિવલિંગ પર રહેલા નાગની મહાશિવરાત્રીએ પૂજા કરવાથી જીવનમાંથી સર્પભય, સર્પદોષ (નાગદોષ), કાલસર્પ દોષમાંથી મુક્તિ મળે છે. લિંગપુરાણ અંતર્ગત મહાશિવરાત્રીની રાત્રિએ શિવપૂજન સમયે રુદ્રાક્ષને શિવલિંગ પર પ્રતિષ્ઠિત કરીને પછી ધારણ કરવાથી તે રુદ્રાક્ષ અનંતગણું ફળ તે ધારણ કરેલી વ્યક્તિને અર્પણ કરે છે. જેમાં રુદ્રાક્ષની માળા, રુદ્રાક્ષ (એકમુખીથી ત્રયોદશમુખી), ગૌરી શંકર રુદ્રાક્ષનો પણ સમાવેશ થાય છે.

વિવિધ પદાર્થોથી શિવપૂજન

શ્રી શિવપુરાણ અંતર્ગત રુદ્રસંહિતા પર્વમાં વર્ણવેલ મહાશિવરાત્રીના દિવસે વિવિધ પદાર્થોથી શિવપૂજન કરવાથી અનેકગણું ફળ મળે છે તેવું વર્ણન કરવામાં આવ્યું છે. જે વ્યક્તિ મહાશિવરાત્રીના દિવસે શિવલિંગ પર દુર્વા ચઢાવે છે તેને આજ્ઞાંકિત પુત્રની પ્રાપ્તિ થાય છે.

  • લાલ દંતવાળાં પુષ્પ ચઢાવવાથી યશની પ્રાપ્તિ થાય છે.
  • સફેદ આકડો શિવને અર્પણ કરવાથી સર્વત્ર ભાગ્યોદય થાય છે.
  • સફેદ કમળનાં પુષ્પ ચઢાવવાથી ભક્તિ વધે છે.
  • ચમેલીનાં પુષ્પ ચઢાવવાથી વાહનની પ્રાપ્તિ થાય છે.
  • જૂહીનાં પુષ્પથી પૂજા કરવાથી ઘરમાં કદી અન્નનો અભાવ રહેતો નથી.
  • એક લાખ બિલ્વપત્ર ચઢાવવાથી મનોવાંછિત ઇચ્છા પૂર્ણ થાય છે.
  • મહાશિવરાત્રીએ ભગવાન શિવ ઉપર અખંડિત ચોખા ચઢાવવાથી સ્થિર લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે.
  • આ દિવસે ભગવાન શિવજીને શ્રીફળ અર્પણ કરવાથી તનશુદ્ધિ તેમજ બાહ્ય આંતરિક શારીરિક બળ વધે છે.
  • ભગવાન શિવજી પર મગ ચઢાવવાથી સુખમાં વૃદ્ધિ થાય છે.
  • મહાશિવરાત્રીના દિવસે શિવલિંગ પર જળ ચઢાવવાથી શાંતિ મળે છે. અત્તર ચઢાવવાથી સુખ મળે છે.
  • પંચગવ્ય ચઢાવવાથી તન-મન પવિત્ર થાય છે.
  • પંચામૃત ચઢાવવાથી સર્વત્ર વિજયની પ્રાપ્તિ થાય છે.
  • ઘી ચઢાવવાથી મોક્ષ મળે છે. દૂધ ચઢાવવાથી આયુષ્યમાં વૃદ્ધિ થાય છે.
  • મધ ચઢાવવાથી રોગોનો નાશ થાય છે.
  • શેરડીનો રસ ચઢાવવાથી કુબેરસમાન લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે.
  • લીંબુનો રસ ચઢાવવાથી જ્ઞાનમાં વૃદ્ધિ થાય છે.
  • નાળિયેરનું પાણી ચઢાવવાથી જીવનમાં આનંદની પ્રાપ્તિ થાય છે.
  • ગુલાબજળ ચઢાવવાથી શરીરની પીડા દૂર થાય છે.
  • હળદર ચઢાવવાથી અનેક વિશેષ પ્રકારની સિદ્ધિઓની પ્રાપ્તિ થાય છે.
  • સરસવ ચઢાવવાથી શત્રુદમન થાય છે.
  • શંખપુષ્પ ચઢાવવાથી દિવ્ય કામનાઓની પૂર્તિ થાય છે.
  • બિલ્વપત્રના મધ્ય પાન પર ચંદનથી ઓમ લખીને શિવજીને ચઢાવવાથી ભાગ્યોદય થાય છે.
  • લિંગપુરાણ અંતર્ગત ભગવાન શિવજી મહાશિવરાત્રીના દિવસે પૃથ્વી પર બિરાજિત બધાં જ શિવલિંગમાં વિદ્યમાન રહે છે.

મહાશિવરાત્રીની કથાઓ

ધર્મગ્રંથોના કથન અનુસાર અનેકાઅનેક કથા મહાશિવરાત્રી સાથે જોડાયેલી છે.

એક સમયની વાત છે. એક શિકારી શિકાર માટે જંગલમાં ગયો. જંગલની મધ્યમાં એક બીલીપત્રનું વૃક્ષ હતું તેથી તેની નીચે શિવલિંગ સ્થાપિત હતું. તે શિકારી શિકારની વાટ જોવા માટે તે બીલીપત્રના વૃક્ષ પર ચઢ્યો. બીલીપત્રનાં પાન અનાયાસે શિવલિંગ પર પડ્યાં તેમજ તે જે જળ પીવા માટે લાવ્યો હતો તે જળથી અનાયાસે જ આ શિકારીથી અજાણતાં મહાશિવરાત્રીએ ચાર પ્રહર શિવજીની પૂજા થઇ તેથી ભગવાન શિવ પ્રસન્ન થયા અને યથોક્ત વરદાન આપ્યું ત્યારથી મહાશિવરાત્રીએ ચાર પ્રહરની પૂજા ગણવામાં આવે છે.

બીજી માન્યતા અનુસાર દરેક મનુષ્યના જીવનમાં ચાર પુરુષાર્થ છે - ધર્મ, અર્થ, કામ, મોક્ષ. આ મહાશિવરાત્રીની રાત્રીએ ચાર પ્રહર શિવપૂજન કરવાથી મનુષ્યના ચાર પુરુષાર્થ સિદ્ધ થાય છે. ભગવાન શિવજી ઓછા પદાર્થોથી ત્વરિત ગતિએ પ્રસન્ન થવાવાળા દેવ હોવાથી દેવ, મનુષ્ય, દાનવ, કિન્નર, સિધ્ધો, સર્પો, ગાંધર્વો સર્વે ભગવાન શિવજીને પૂજે છે.

  • Follow us on: