કલ્પના કરો કે હજારો વર્ષો પહેલાં જ્યારે પુરુષ શિકાર કરીને ભોજન લાવી જીવન ગુજરાન ચલાવતો ત્યારે શું એવું નહીં બનતું હોય કે કોઈક વધારે મોટો કે સારો શિકાર કરે ત્યારે તે વ્યક્તિને કબીલા કે સમાજના લોકો વખાણે? ત્યારે એ વ્યક્તિની અંદર જે ભાવ ઉદ્ભવતા હશે એનું નામ છે સેન્સ ઑફ અચીવમેન્ટ.
પુરુષોની અંદર તેઓ નાનાથી મોટા થાય ત્યાં સુધીમાં આ લાગણી ધીમે ધીમે કરીને એટલી બળવત્તર બની જાય છે કે જે રીતે ડોપામાઇનની ભૂખ હોય એમ સેન્સ ઑફ અચીવમેન્ટની પણ એક પ્રકારની ભૂખ હોય!
તમે ક્યારેય તમારા પપ્પાની ઉંમરની વ્યક્તિ સાથે એકાદ કલાક વાત કરી છે? થોડી આડીઅવળી, રાજકારણની કે ફોર્મલ વાતો કર્યા પછી એ તમારી સાથે શું વાતો કરશે ખબર છે? એ એના કામધંધા અને ઓફિસની વાતો કરશે. એની ઓફિસમાં એનો કેવો વટ પડે છે, એના વગર કામ કેવું અસ્તવ્યસ્ત થઈ જાય કે એણે કેવી રીતે શૂન્યથી સર્જન કર્યું એ પ્રકારની વાત કરશે. તેઓ તમને આખી કથા કરશે કે કઈ રીતે શરૂઆતમાં પોતે ધંધાના સ્થળે બેસી રહેતા અને દુકાને પોતું પણ પોતે મારતા. ધીમે ધીમે મહેનત કરીને, રખડી-ભટકીને આજે ક્યાંથી ક્યાં પહોંચ્યા! તેમણે પોતાનાં સંતાનોને ભણાવી ગણાવીને શું બનાવ્યા એની પણ વાત કરશે. પુરુષો પાસે બીજી અંગત વાતો નથી હોતી.
જે માણસે પોતાની જિંદગીનાં 20-25 વર્ષ સુધી રોજના 8થી 10 કલાક કોઈ એક જગ્યા પાછળ આપ્યા હોય, એ પણ ઘર-પરિવાર માટે, તો એની પાસે બીજી શું વાત હોય? એની અંદર સેન્સ ઓફ અચીવમેન્ટ કેમ ન આવે? એને એવું લાગે જ કે બધું મારા કારણે ચાલે છે અને એમાં કોઈ નવાઈ નથી.
મૈંને કિયા, બાપુજી મૈંને! આ ડાયલોગ પ્રફુલ્લનો જ હોઈ શકે. હંસા આવું નથી કહેતી. `સેન્સ ઓફ અચીવમેન્ટ' એ પુરુષની અંદર આજકાલથી ઇન્સ્ટોલ કરવામાં આવેલી કોઈ એપ નથી, એ તો માણસ એપ હતો ત્યારથી ઓટો ઇન્સ્ટોલ થતું એક સોફ્ટવેર છે. વર્ષો પહેલાં વ્યવસ્થાના ભાગરૂપે પુરુષો શિકાર કરવા જતા હશે. સાંજ પડ્યે પુરુષો શેનો શિકાર કરી લાવ્યા હશે એના પરથી સમાજ તાળીઓ પાડતો હશે. ત્યાંથી આવ્યું હશે સેન્સ ઑફ અચીવમેન્ટ! સ્ત્રીને પામવા માટે, પરણવા માટે, કઇંક કરી બતાવવું, સ્વયંવર જેવી સ્પર્ધા જીત્યા પછી એની અંદર આવે છે સેન્સ ઑફ અચીવમેન્ટ! જેનાથી એ ટાસ્ક પૂરો ન થઈ શકે એની અંદર આવે પરાજિત થયાની લાગણી. પછી એ અપહરણ કરે, બીજાનું આંચકી લે, ગુનો કરે ત્યારે વળી પાછું એની અંદર આવે છે સેન્સ ઑફ અચીવમેન્ટ! કરોડોની કાર એને ભેટ આપ્યા પછી જેક્લિન સાથે મિરર સેલ્ફી પડાવવામાં સુકેશને અનુભવાય છે આ સેન્સ ઓફ અચીવમેન્ટ.
દીવારના વિજયને ગુનાખોરીના રસ્તે ચડ્યા પછી પણ કઇ વાતનું અભિમાન છે? અચીવમેન્ટ્સ. મેરે પાસ ગાડી હૈ, બંગલા હૈ, બેંક બેલેન્સ હૈ! પુરુષ પોતાને ટાર્ગેટ આપતો જાય છે. એ સ્ટેબલ કે સ્થિર નથી થઈ શકતો. એની ડોપામાઈન હંગર વધતી જાય છે. પોતાને સારી ગાડી લેવાનો ટાર્ગેટ આપે છે. એ સતત કંઇક અચીવ કરવાની મથામણમાં છે. એ ઘર ખરીદે તો બધાને જોવા બોલાવે છે. છોકરાઓને સારું એજ્યુકેશન ન મળે તો પોતાની જાતને જવાબદાર માને છે. સંતાનો સરકારી અધિકારી બની જાય તો બધાને કોલર ઊંચા કરીને કહે છે કે મારો દીકરો છે.
આ સેન્સ ઑફ અચીવમેન્ટ ઓછું કરીએ તો સમાજમાં ગુનાખોરી પણ ઓછી થઈ શકે, કારણ કે હવે સમય બદલાઈ રહ્યો છે. જવાબદારી સ્ત્રીઓ પણ લે છે. હવે પેટ્રિઆર્કી સ્મેશ કરવાની સાથે સાથે આ સેન્સ ઓફ અચીવમેન્ટ અને ઇગોને પણ સ્મેશ કરવાની જરૂર છે. હવે વીડિયો ગેમ્સ કે રેસિંગ જેવી હાઈ ડોપામાઈન એક્ટિવિટીમાં સ્ત્રીઓ પણ એટલી જ એક્ટિવ હોય છે.
સમાજમાં મોટાભાગના ગુનાઓ પુરુષો દ્વારા આચરવામાં આવે છે એ વાત સાચી, પણ ગુનાખોરી અટકાવવી હોય તો પુરુષ પરનો ભાર ઓછો કરવો પડશે. પોતે કોઈકને પામીને કે ભોગવીને કઇંક મોટું અચીવ કર્યું છે એવી લાગણી જ ન જન્મતી હોય તો ગુનાઇત કૃત્ય કરવાની પ્રેરણા અંદરથી ન આવે.
વિજયાદશમી આવી રહી છે. પુરુષ તરીકે રાવણની અંદર જે પ્રકારનું અભિમાન કે સેન્સ ઑફ અચીવમેન્ટ હતું, એ આપણા તમામની અંદર ક્યાંક કોઈક ખૂણે પડ્યું હોય છે. સમાજવ્યવસ્થા અને બીજાં ઘણાં બધાં કારણો છે જે તેને ઈંધણ આપે છે. આપણી આજની અને આવતી કાલની પેઢી આ પ્રકારની લાગણી ન અનુભવે એના માટે આપણે સૌ શું કરી શકીએ?
