- મકરસંક્રાંતિના દિવસે દોરી કે પતંગોનું જેટલું જ મહત્ત્વ તાર બાંધેલા ઝંડાઓનું પણ જોવા મળે છે
આજે મકરસંક્રાંતિનું પર્વ! આવા જ એક મકરસંક્રાંતિ પર્વ પર બાબુ અને બબીતા વચ્ચે નજરોના એવા પેચ લડાઈ ગયેલા કે આટલાં વરસો પછી પણ એ પેચ - પેચ જ રહ્યા છે. ઊલટાનું, એ સદાકાળ અને `સદાબહાર' પેચને કારણે જ બાબુ-બબીતાનું લગ્નજીવન, એકબીજામાં `મગ્નજીવન' રૂપે જિવાઈ રહ્યું છે.
આજથી 27 વર્ષ પહેલાંની મકરસંક્રાંતિએ બાબુનો પતંગ બબીતાની દોરીથી બંધાઈ ગયો એ પછી આજ સુધીની એક પણ ઉત્તરાણે બબીતાએ બાબુને ટેરેસ પર પતંગ ચગાવવા કે પછી કોઈએ ચગાવી હોય તો એને માણવા જવા દીધો નથી. કારણ બીજું કોઈ નહીં, પણ `અનુભવ!' એ પછી દરેક મકરસંક્રાંતિના પર્વ પર બબીતા પોતાના એ અનુભવની સ્તુતિપ્રાર્થના કરે છે, કેમ કે અનુભવને એ પોતાનો ગુરુ અને પ્રભુ માને છે!
બોલવાની બાબતે કેટલાક કરકસરિયા લોકો `ઉત્તરાયણ'ને `ઉતરાણ' કહેતા હોય છે. આ સંદર્ભે બાબુ બૉસનું નૉલેજ એવું કહે છે કે જેમની પતંગો ક્યાં તો કપાઈને નીચે ઊતરી પડે છે, કે પછી સવારથી સાંજ સુધી પતંગને હવા સહેજ પણ ભાવ નહીં આપતી હોવાથી પતંગ લાચાર થઈને નીચે ઊતરી પડે છે. આવા મજબૂત ઇરાદાના મજબૂર પતંગોના પતંગવીરો આ જ કારણે આ તહેવારને `ઉતરાણ' કહે છે.
અમુક પતંગવીરો ઉતરાણને `પતંગોત્સવ' તરીકે ઓળખે છે, તો કેટલાક ધાબાપ્રિય પતંગવીરો આને `ધાબોત્સવ' તરીકે પણ ઓળખે છે. આ તો કંઈ ન કહેવાય, કેટલાક `લાઇવ' લોકો આ દિવસને `નજરોત્સવ' તરીકે પણ ઊજવે છે! જે હોય તે, આ દિવસને પવિત્ર માનવામાં આવે છે, કેમ કે મકરસંક્રાંતિના દિવસે ગાયોને ઘાસ અને પૂળાનું દાન કે ગરીબોને અન્ન-વસ્ત્રનું દાન કરવાનો ખૂબ મોટો મહિમા છે. દાનના આટલા મોટા મહિમાને ધ્યાનમાં રાખીને જ આ દિવસે કેટલાક લોકો પુણ્ય કમાઈ લેવા માટે યથામતિ - યથાશક્તિ નાનું-મોટું દાન કરતા હોય છે. જેમ કે, કેટલાક લોકો પ્રેમ કે સંબંધના મૂલ્યનું અવમૂલ્યન ન થાય એટલા માટે `દૃષ્ટિદાન' કરતા હોય છે. ફીરકી પકડવા કે પકડાવવા નિમિત્તે કેટલાક લોકો `સ્પર્શદાન' પણ કરતા હોય છે. તો કેટલાક વળી પોતાના હૃદયની ઉદારતા અને દિલદરિયાની દરિયાદિલી બતાવવા માટે મનનાં મોતીનું દાન કરવા માટે મરજીપૂર્વક મરજીવા બની જતા હોય છે. મકરસંક્રાંતિનો તહેવાર સર્વ તહેવારોમાં એટલા માટે જ `યુનિક' છે.
મકરસંક્રાંતિના દિવસે દોરી કે પતંગોનું જેટલું જ મહત્ત્વ તાર બાંધેલા ઝંડાઓનું પણ જોવા મળે છે. પતંગ ચગાવનારાઓના પ્રમાણમાં પતંગ લૂંટનારા ભલે ઓછા દેખાતા હોય, પણ આ લોકો ઍક્ટિવ વધારે હોય છે. પતંગ લૂંટવા માટેના ઝંડાધારીઓનું લક્ષ્ય કદાચ અર્જુન જેવું નહીં હોય, પણ ધ્યાન તો પેલા એકલવ્ય જેવું - એકાવધાની જ હોવાનું! ખરીદેલી પતંગ ચગાવવામાં જે રોમાંચ છે એના કરતાં અધિકતર રોમાંચ પકડેલા પતંગને ચગાવવામાં છે. માણસ અને પતંગ વચ્ચે સામ્ય આટલું જ - એને (સત્તાનો) દોર મળી જાય, પછી એ ચગવા માંડે છે. ફરક એટલો કે હવા હોય તો જ પતંગ હવામાં ઊડવા માંડે - માણસ તો વગર હવાએ (ક્યારેક તો પારકાની હવાએ) પણ ઊડવા માંડે છે. `ઊડવું' અને `હવામાં ઊડવું' એમાં ફરક છે. પતંગ આકાશમાં ઊડે છે. માણસ હવામાં ઊડે છે!