મૂલ્યનગરના છેવાડે એક નાનકડી વર્ષો જૂની દુકાન. જેના પર લખ્યું હતું, `માણસાઈ મેગા સ્ટોર - સદીઓથી આપની સેવામાં' રોજ એક ઘરડો માણસ આ દુકાન ખોલીને ગ્રાહકની રાહ જોઈને બેસે. એક પાટિયું એ દુકાનની બહાર રોજ મૂકે અને રાત્રે પાછું લે. જેના પર લખ્યું હોય, `આ દુકાનમાં લાગણી, પ્રેમ, દયાભાવ, સત્ય, કરુણા અને સંવેદનાનું રિપેરિંગ થાય છે.'
અમથાલાલ સવારના પહોરમાં ત્યાંથી પસાર થતા હતા અને બોર્ડ જોઈને અંદર ગયા. અંદર જતાંની સાથે જ પૂછ્યું, `ઇમાનદારી મળશે? શું ભાવ છે?'
પેલા દાદાએ કહ્યું કે ઇમાનદારી છૂટકમાં નથી મળતી, પણ સદીઓથી એક સ્કિમ ચાલે છે. અઢળક લાયકાત ખરીદો તો એની સાથે મફતમાં આવે છે. અત્યારે એનાં બે નવાં વર્ઝન પણ અવેલેબલ છે, વફાદારી અને પ્રામાણિકતાના પેકિંગમાં.
અમથાલાલે એમ જ ઉમેર્યું `સન્માન જોઈતું હોય તો કેટલામાં?' દાદાએ કહ્યું કે સાચા સન્માનનો સ્ટોક પૂરો થઈ ગયો છે. હવે વ્યક્તિગત ફાયદો હોય એ પ્રમાણેનું સન્માન મળે છે. એટલે એમ સમજોને કે ખોટી ખુશામત અને અંગત ફાયદો બ્લેકમાં આપો, તો સન્માન જોઈએ એટલું બજારમાં મળે, પણ આમ સનાતન સત્ય લઈને શોધવા નીકળશો તો ક્યાંય સન્માન નહીં મળે ઊલટાનું અપમાનનું પોટલું મળશે.
`સત્યની શું હાલત છે?'
દાદાએ જૂની વાટકીમાં રાખેલું સત્ય બતાવ્યું. બિચારું તૂટેલું અને મરું મરું થઈ રહ્યું હતું. હાલત સાવ નબળી હતી.
`અરે! આ કોણે તોડી નાખ્યું?' અમથાલાલે ખોટેખોટા આશ્ચર્યના ભાવ સાથે પૂછ્યું.
દાદાએ સ્મિતને અકબંધ રાખી કહ્યું કે `ન્યૂઝ ચેનલો અને રાજકારણીઓનું કામ છે આ. તોડી તોડી એને એટલું એક્સક્લૂઝિવ બનાવી દીધું છે કે જો સાચવીશું નહીં તો શોધે નહીં જડે!' પાછું જાળવીને અંતર નામના કાચના કબાટમાં સત્યને મૂકી લોક માર્યું.
`અને સાચો પ્રેમ?', `એ માણસે જાતે શોધવો પડતો હોય છે. હા, દેખાડાનો પ્રેમ તમને સોશિયલ મીડિયાની વોલ ઉપરથી જથ્થાબંધ મળી રહેશે એ પણ સાવ મફત.'
આંખ પર લગાડેલ દંભનાં ચશ્માં ચઢાવતાં એમણે કહ્યું, `અને આ પેલા તાળું મારેલા કાચના કબાટમાં શું છે?'
`એ સંવેદના છે. આજકાલ ખાલી સિનેમામાં જ જોવા મળે છે, હકીકતમાં બહુ ઓછી દેખાય છે! એટલે સાચવી છે.', `અને સંસ્કાર રાખો?'
`એની ડીલરશિપ પહેલાં વડીલો જોડે હતી, પણ આજકાલ ફિલ્મો અને મોબાઇલની રીલ્સે એ લઈ લીધી છે. એટલે એ જે આપે એ પ્રમાણેની ઘડાય છે'
`જો એમ જ હોય તો માણસાઇની દુકાનમાં તમે રાખો છો શું?'
દાદાએ પોતાના ચૈતન્યનાં ચશ્માં સરખાં કરતાં કહ્યું કે, `હોપ એટલે આશા. હું આ ઉંમરે પણ આશા વહેંચું છું. સાવ મફત લેવી હોય તો લો.'
અમથાલાલ તો આમેય અમથેઅમથા જ આવ્યા હતા અને અમથેઅમથા નીકળી ગયા.