ઉર્વશી રૌતેલાએ સૈફ અલી ખાનની કેમ માફી માંગી?

ગત સપ્તાહે મોડી રાત્રે સૈફ અલી ખાન પર જાનલેવા હુમલો થયો હતો, જેની જાણ સમગ્ર ફિલ્મ ઈન્ડસ્ટ્રીને અને મીડિયા જગતને છે! આ અરસામાં એક ઇન્ટરવ્યૂમાં જ્યારે ઉર્વશીને સૈફ પર બનેલી ઘટના અંગે પૂછવામાં આવ્યું હતું ત્યારે તેણે આ વાતનો છેદ ઉડાડીને પોતાની ફિલ્મની અને પોતાને મળેલી ગિફ્ટ વિશે જણાવ્યું હતું.

ત્યારબાદ ઘણા સોશિયલ મીડિયા યૂઝર્સે તેને ટ્રોલ કરી હતી. ઉર્વશી રૌતેલાને ટ્રોલિંગ કરાયા બાદ ઉર્વશીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા સૈફ અલી ખાનની માફી માંગી, પોતાની ભૂલ છે એમ સ્વીકાર્યું અને કહ્યું કે, જો મારા વતી કોઇ પણ કામની જરૂર હોય તો આપ મને કહી શકો છો. વાતના અંતે તેણે જણાવ્યું હતું કે, મને આ ઘટનાની ગંભીરતાની જાણ થઇ તેથી હું ખૂબ જ દુઃખી છું. અલબત્ત, ઉર્વશીએ ફરીથી પોતે કરેલા વ્યવહારની માફી માંગી હતી.

સલમાન સુપર હીરો કેપ્ટન અમેરિકાના શિલ્ડ સાથે જોવા મળ્યો?

થોડા દિવસ પહેલાં જ બોલિવૂડ દબંગ સુપરસ્ટાર સલમાન ખાન હોલિવૂડની સુપર હીરોવાળી ફિલ્મ માર્વેલ્સ એવેન્જરના કેપ્ટન અમેરિકાના શિલ્ડ સાથે જોવા મળ્યો હતો, જે માટે તેણે એક પોસ્ટ પણ શેર કરી હતી. આ પોસ્ટ શેર કર્યા બાદ બોલિવૂડમાં અને સોશિયલ મીડિયામાં અનેક તર્કવિતર્ક જોવા મળી રહ્યા છે. કેટલાક યૂઝર્સ તેને હોલિવૂડમાં એન્ટ્રી મેળવી રહ્યાનું જણાવી રહ્યા છે, તો કેટલાક યૂઝર્સ બોલિવૂડમાં કેપ્ટન અમેરિકાની એન્ટ્રી હશે એવું જણાવી રહ્યા છે. જોકે, સલમાને પોસ્ટ શેર કરતાં લખ્યું હતું કે, `કંઇક મોટું ખૂબ જ મોટું કરવાની તૈયારી શરૂ.' નોંધનીય છે કે, સલમાન ખાને પહેલાં ફિલ્મ `ગાર્ડિયન્સ ઓફ ધ ગેલેક્સી વોલ્યૂમ 3'ના વર્ઝનમાં ગ્રૂટને પોતાનો અવાજ આપ્યો હતો અને સલમાન ખાનનો અવાજ ઈન્ડિયન સિનેરસિકોને પસંદ પણ આવ્યો હતો. જોકે, હવે જોવું રહ્યું કે શું ખરેખર સલમાન ખાન હોલિવૂડમાં જઇ રહ્યો છે કે કેમ?

અનુષ્કા શેટ્ટીની ફિલ્મ `ઘાટી' રિલીઝ માટે તૈયાર છે

ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં છેલ્લા કેટલાક સમયથી અનુષ્કાની ફિલ્મ `ઘાટી'ની ચર્ચા ચાલી રહી છે. આ ફિલ્મ હવે ટૂંક સમયમાં રિલીઝ પણ થવાની છે. આ ફિલ્મનું ટીઝર પણ સોશિયલ મીડિયામાં જબરદસ્ત વાઇરલ થયું હતું. જેમાં અનુષ્કાના કિરદારને દર્શકોએ વધાવ્યું હતું. અનુષ્કાના ફેન્સ આ ફિલ્મની કાગડોળે રાહ જોઇ રહ્યા છે એવામાં ફિલ્મમેકર્સે આ ફિલ્મ 18 એપ્રિલના રોજ રિલીઝ કરવાની જાહેરાત પણ કરી દીધી છે. ફિલ્મમેકર્સે ઘાટી ફિલ્મની અપડેટ શેર કરી અને કેપ્શનમાં લખ્યું હતું કે, `ઘાટીની રાણીની આંખોમાં આગ અને રોષની વાર્તા છે.' નોંધનીય છે કે, આ ફિલ્મનું નિર્દેશન કૃષ જાગરલામુડીએ કર્યું છે અને ફિલ્મનું મ્યુઝિક આદિત્યએ આપ્યું છે. આ ફિલ્મમાં અનુષ્કાની સાથે વિક્રમ પ્રભુ સ્ક્રીન શેર કરી રહ્યો છે. આ બંને જોડીએ અગાઉ પણ ફિલ્મ `વેદુમ'માં સાથે ભૂમિકા ભજવી છે. ઉલ્લેખનીય છે કે, અનુષ્કા ફિલ્મ `બાહુબલી અને બાહુબલી 2'થી ભારતભરમાં ફેમસ થઇ હતી. અલબત્ત, આ ફિલ્મથી તેની લોકપ્રિયતામાં રાતોરાત વધારો થયો હતો. જોવું રહ્યું કે ફિલ્મ `ઘાટી' બોક્સ ઓફિસ રેકોર્ડ બ્રેક કરશે કે કેમ?

અર્જુન કપૂર અને ભૂમિ પેડનેકરની ફિલ્મના સેટ પર અકસ્માત થયો

બોલિવૂડમાં ઘણીવાર ફિલ્મના સેટ પર નાના-મોટા અકસ્માત થતા રહેતા હોય છે. જેમાં ઘણીવાર સેટ પરના લોકોને નાની-મોટી ઈજાઓ થતી હોય છે. જોકે, સેટ પર આવી કોઇ ઘટના ન બને તેની તકેદારી ચોક્કસપણે રાખવામાં આવતી હોય છે તેમ છતાં ક્યારેક ઘટના બની જ જતી હોય છે. આ વખતે ફિલ્મ `મેરે હસબન્ડ કી બીવી'ના સેટ પર જ્યારે અર્જુન કપૂર અને ભૂમિ પેડનેકર એક ગીતનું શૂટિંગ કરી રહ્યાં હતાં ત્યારે તેમના પર ફિલ્મના સેટની છત તૂટીને પડી હતી. જોકે, આ છત પડવાથી તેઓને સામાન્ય ઈજા પહોંચી હતી અને મોટી દુર્ઘટના ટળી હતી. છત પડવાનું મુખ્ય કારણ સેટ પર વગાડવામાં આવતું મ્યુઝિક હતું, કારણ કે મ્યુઝિકના કારણે કંપન ઉત્પન્ન થતું હતું, તેથી શરૂઆતમાં તો સેટને કંઇ નુકસાન નહોતું પહોંચ્યું, પરંતુ થોડા સમય બાદ આ ઘટના બની હતી. સેટ પરની છત પડવાથી કેટલાક ક્રૂ મેમ્બરની સાથે સાથે જેકી ભગનાની અને મુદસ્સર અઝીઝને પણ સામાન્ય ઈજા પહોંચી હતી.

નાગા ચૈતન્યએ ફિલ્મ `થંડેલ'ના સેટ પર મચ્છી કરી બનાવી

સાઉથ સુપરસ્ટાર નાગા ચૈતન્ય થોડા દિવસથી સોશિયલ મીડિયા પર લાઇમ લાઇટમાં છે. પહેલાં તેનાં લગ્નને લઇને તે ચર્ચામાં રહ્યો હતો અને હવે ક્રૂ મેમ્બર અને માછીમાર માટે પકવેલ મચ્છી કરીથી લાઇમ લાઇટમાં છે. નોંધનીય છે કે નાગા ચૈતન્યએ વિશાખાપટ્ટનમના સ્થાનિક માછીમારોને વાયદો આપ્યો હતો. અલબત્ત, તેણે માછીમારો માટે થોડો સમય પણ ફાળવ્યો અને તેમના માટે તેમજ ફિલ્મના ક્રૂ મેમ્બર માટે ફિશ કરી બનાવી હતી. આ ફિશ કરી તેણે ચૂલા પર બનાવી હતી. નાગા ચૈતન્યનો ફિશ કરી બનાવતો વીડિયો સોશિયલ મીડિયામાં જબરદસ્ત વાઇરલ પણ થઇ રહ્યો છે. ફિશ કરી બનાવતો વીડિયો ફિલ્મમેકર્સે શેર કર્યો હતો અને કેપ્શનમાં લખ્યું હતું કે, `થંડેલ રાજુ ઉર્ફે યુવાસમ્રાટ નાગા ચૈતન્યએ થંડેલના શૂટિંગ દરમિયાન સ્થાનિક લોકો માટે સ્વાદિષ્ટ અને ચટાકેદાર ચેપલા પુલુસુ પકાવ્યું છે.' નાગા ચૈતન્ય ફિલ્મ `થંડેલ'નું શૂટિંગ જલદીથી પૂરું થાય તે માટે તનતોડ મહેનત કરી રહ્યો છે, જેથી ફિલ્મ જલદીથી રિલીઝ થઇ શકે.

ફરાહ ખાનને કોણ ફિલ્મ રિલીઝ થયા બાદ કાર ગિફ્ટ કરે છે?

બોલિવૂડમાં ફરાહ ખાને ઘણી ફિલ્મો બનાવી છે. થોડા દિવસ પહેલાં જ ફરાહ ખાન અર્ચના પૂરનસિંહના ઘરે ગઇ હતી. તે દરમિયાન બંને વચ્ચે બોલિવૂડ સ્ટાર્સને લઇને વાતચીત થઇ હતી, જેમાં અર્ચનાએ કેટલાક સવાલો ફરાહ ખાનને કર્યા હતા. જેના રસપ્રદ જવાબ મળ્યા હતા. આ સવાલોમાં એક સવાલ હતો કે, ફરાહને અત્યાર સુધી કોણે સુંદર ગિફ્ટ આપી છે? આ સવાલ પર ફરાહે અર્ચનાને કહ્યું હતું કે, મને શાહરુખ ખાને અત્યાર સુધી ઘણી કાર ગિફ્ટ કરી છે! તેણે ઉત્સાહપૂર્વક વધુમાં જણાવ્યું હતું કે, શાહરુખ મને તેની સાથેની કરેલી ફિલ્મ બાદ એક કાર ગિફ્ટ કરતો હતો! જે મારા માટે લકી ગિફ્ટ સાબિત થઇ છે. આ દરમિયાન અર્ચનાએ ફરાહને કહ્યું હતું કે તને નથી લાગતું કે તારે હજી પણ એક કાર લેવી જોઇએ? ફરાહે ત્યારે સ્મિતપૂર્વક કહ્યું હતું કેમ નહીં? અલબત્ત, અર્ચનાએ તેને શાહરુખ ખાન સાથે ફરી એક ફિલ્મ કરવા માટે જણાવ્યું હતું.

  • Follow us on: