ક્રૂ એર હોસ્ટેસની કહાની, થોડી અજાણી થોડી પિછાણી
ક્રૂએ 2024ની હિન્દી હેસ્ટ કોમેડી મૂવી છે, આ મૂવીમાં તબ્બુ, કરીના કપૂર ખાન અને કૃતિ સેનન મુખ્ય ભૂમિકામાં છે અને દિલજિત દોસાંઝ અને કપિલ શર્મા પણ સહાયક ભૂમિકામાં છે. ક્રૂ 29 માર્ચ, 2024ના રોજ થિયેટરોમાં રજૂ કરવામાં આવી હતી, 75 કરોડના બજેટ સાથે બનાવવામાં આવી હતી અને 149 કરોડથી વધુની કમાણી કરવામાં સફળ રહી હતી. ક્રૂની ઓટીટી રિલીઝ ડેટ હજુ સુધી નક્કી કરવામાં આવી નથી. આ ફિલ્મ ઓછામાં ઓછાં થિયેટરમાં રિલીઝના બે મહિના પહેલાં સ્ટ્રીમ કરવામાં આવી શકે નહીં. ત્રણ સખત મહેનત કરતી સ્ત્રીઓનું ભાગ્ય કેટલીક અનિચ્છનીય પરિસ્થિતિઓ તરફ દોરી જાય છે પછી શું બબાલની ધમાલ. તાજેતરના અહેવાલો મુજબ, ફિલ્મ 24 મેના રોજ Netflix પર રિલીઝ થવાની તૈયારીમાં છે. જોકે, સત્તાવાર જાહેરાતની રાહ જોવાઈ રહી છે.
પંચાયત સિઝન - 3 : બસ, હવે થોડા જ દિવસ રાહ જોવી પડશે
તમારો કમરનો પટ્ટો ટાઈટ કરો, ફૂલેરા ગામમાં ફરી એક વાર પંચાયત યોજાવા જઈ રહી છે. ઓટીટી પ્લેટફોર્મની બહુચર્ચિત વેબ સીરિઝમાં સમાવિષ્ટ પંચાયત-3 દસ્તક આપવા માટે તૈયાર છે. સીરિઝની રિલીઝ ડેટને લઈને સતત સસ્પેન્સ હતું પણ હવે તારીખ પાક્કી થઈ ગઈ છે! 28 મેના રોજ Amazon Prime Video પર સ્ટ્રીમ થશે. ફૂલેરા ગામ ગુંજી ઊઠશે, વાર્તા અભિષેક ત્રિપાઠી (જિતેન્દ્ર કુમાર)ની આસપાસ ફરે છે, જે આઈટી ગ્રેજ્યુએટ છે. તેને યુપીના ફૂલેરા ગામમાં ગ્રામ પંચાયત સેક્રેટરી તરીકે નોકરી મળે છે, જ્યાં શરૂઆતમાં તેના માટે જીવવું મુશ્કેલ બની જાય છે. રઘુવીર યાદવ એટલે કે સેક્રેટરી, ચંદન રોય એટલે કે વિકાસ, ફૈઝલ મલિક એટલે કે પ્રહલાદ અને મંજુ દેવી એટલે કે નીના ગુપ્તા પણ આ વાર્તામાં જોડાય છે. બે સુપરહિટ સિઝન બાદ હવે ત્રીજી સિઝન પણ મનોરંજનનો ડોઝ આપવા તૈયાર છે.
મડગાંવ એક્સપ્રેસ : આનંદદાયક કોમેડી-ડ્રામા
મડગાંવ એક્સપ્રેસ હિન્દી કોમેડી ફિલ્મ છે જે અભિનેતા કુણાલ ખેમુ દ્વારા લખાયેલી અને નિર્દેશિત છે. તેને એક્સેલ એન્ટરટેઈનમેન્ટના બેનર હેઠળ ફરહાન અખ્તર અને રિતેશ સિધવાનીએ પ્રોડ્યુસ કરી હતી. 22 માર્ચ, 2024ના રોજ થિયેટરોમાં રિલીઝ થયા પછી ફિલ્મને વિવેચકો તરફથી સકારાત્મક સમીક્ષાઓ મળી છે, અને હવે તે Disney + Hotstar પર 17 મેએ રિલીઝ થવાની છે. તેમાં દિવ્યેન્દુ, પ્રતીક ગાંધી, અવિનાશ તિવારી, નોરા ફતેહી, ઉપેન્દ્ર લિમયે અને છાયા કદમ મુખ્ય ભૂમિકામાં છે. બાળપણના ત્રણ મિત્રો આયોજન કરીને તેમનું લાંબું પેન્ડિંગ બકેટ લિસ્ટ પૂર્ણ કરવા ગોવાની સફર પર નીકળે છે જે સંપૂર્ણ રીતે ઓફ ટ્રેક થઈ જાય છે, મડગાંવ એક્સપ્રેસ મુશ્કેલીમાં ફસાયેલા ત્રણ મિત્રોની વાર્તા છે. ત્રણેયનું નાનપણથી જ ગોવા જવાનું સપનું હતું. દરેક વખતે કોઈ ને કોઈ કારણસર તેઓ ગોવા ન જઈ શક્યા. દિવ્યેન્દુ શર્મા અને પ્રતીક ગાંધીનો કોમિક ટાઈમિંગ જબરદસ્ત છે.
યોધા : આતંકવાદીઓએ પેસેન્જર પ્લેનને હાઇજેક કર્યા પછી!
યોધા 2024ની જ હિન્દી એક્શન થ્રિલર મૂવી છે. આ ફિલ્મનું નિર્દેશન સાગર આમરે અને પુષ્કર ઓઝાએ કર્યું હતું. ધર્મા પ્રોડક્શનના બેનર હેઠળ આ ફિલ્મનું નિર્માણ કરવામાં આવ્યું હતું. તેમાં સિદ્ધાર્થ મલ્હોત્રા, રાશિ ખન્ના અને દિશા પટણી મુખ્ય ભૂમિકામાં છે. તે 15 માર્ચ, 2024ના રોજ સિનેમાઘરોમાં રજૂ કરવામાં આવી હતી. ટાસ્ક ફોર્સના અધિકારીને જ્યારે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ હાઇજેક કરવામાં આવે છે ત્યારે તે એક ઉચ્ચ દાવ પડકારનો સામનો કરે છે. જેમ જેમ તે મુસાફરોને બચાવવા અને તેની પ્રતિષ્ઠાને બચાવવા માટે સમય સામે દોડે છે, ત્યારે તેણે છેતરપિંડી અને ભયના જાળામાં ખેડાણ કરવું પડે છે. એક ઑફ-ડ્યૂટી સૈનિક હાઇજેકર્સને હરાવવા, મુસાફરોના અસ્તિત્વની ખાતરી કરવા માટે વ્યૂહરચના ઘડે છે. જોકે, બોક્સઓફિસ પર ખાસ કાંઈ ઉકાળ્યું નથી. ફિલ્મ જોવી હોય તો 15 મેના રોજ Amazon Prime Video પર પહોંચી જવું.
ફ્રીડમ એટ મિડનાઈટમાં ચિરાગ ગાંધીજીની ભૂમિકા ભજવશે
ચિરાગ વોહરા મહાત્મા ગાંધીની ભૂમિકામાં જોવા મળશે. SonyLIVની સીરિઝ `ફ્રીડમ એટ મિડનાઈટ'ની પહેલી ઝલક સામે આવી છે. આ શ્રેણીમાં, સિદ્ધાંત ગુપ્તા, ચિરાગ વોહરા અને રાજેન્દ્ર ચાવલા જેવા તેજસ્વી કલાકારો જવાહરલાલ નહેરુ, મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલ જેવી પ્રતિષ્ઠિત હસ્તીઓની ભૂમિકામાં જોવા મળશે. આઝાદીની લડાઈ સાથે જોડાયેલી વાર્તા આ પોલિટિકલ ડ્રામા સીરિઝમાં જોવા મળશે.
આ પહેલાં પણ આ વિષયમાં ઘણી ફિલ્મો બની ચૂકી છે, પરંતુ આ વખતે નિર્દેશક નિખિલ અડવાણી એક વેબ સીરિઝ આપવા જઈ રહ્યા છે. ફ્રીડમ એટ મિડનાઈટ એ ભારતના સ્વતંત્રતા સંગ્રામની વિદ્યુતજનક વાર્તા છે. આ જ નામના બેસ્ટ સેલિંગ પુસ્તકના આધારે, આ શ્રેણીમાં ઊંડાણ અને પ્રામાણિકતા સાથે સામાજિક-આર્થિક ગતિશીલતા, વ્યક્તિત્વ અને ભારતના વિભાજન સહિતની ઘટનાઓનું વર્ણન કરવામાં આવશે જે ભારતની સ્વતંત્રતા તરફ દોરી ગયું. SonyLIV Studio Next, Emmay Entertainment ના સહયોગથી આ મહાકાવ્ય ગાથા લાવે છે. જોકે તેની રિલીઝ ડેટ અંગે હજુ સુધી કોઈ માહિતી આપવામાં આવી નથી. ચિરાગ વોહરા સ્કેમ 1992ને કારણે ચર્ચામાં રહ્યા છે.