`અમેરિકા તો મારે કોઈ પણ હિસાબે જવું જ છે.' 40ની આસપાસ વય ધરાવતા બે સંતાનોના પિતા નડિયાદના જગદીશકુમાર શંકરલાલ અડોદિયાએ એમનો દૃઢ નિશ્ચય એમના વિઝા કન્સલ્ટન્ટને જણાવ્યો.

`જુઓ સાહેબ, તમે ખાસ કંઈ ભણેલા નથી. ગ્રેજ્યુએટ નથી. એટલે `એચ-1બી' વિઝા માટે લાયક નથી. નડિયાદમાં બિઝનેસ પણ કરતા નથી એટલે આંતરકંપની ટ્રાન્સફરી મેનેજરો, એક્ઝિક્યુટિવો કે ખાસ જાણકારીવાળી વ્યક્તિઓ માટેના `એલ-1' વિઝાને પણ તમે લાયક નથી. તમે નથી ન્યૂઝપેપરના રિપોર્ટર કે તમને `આઈ' વિઝા મળી શકે. નાચતાં-ગાતાં કે એક્ટિંગ કરતાં પણ નથી આવડતું એટલે તમે `પી-3' વિઝા માટે પણ ગેરલાયક ઠરો. સાધુ-સંત નથી અને નથી કોઈ ધાર્મિક સંસ્થામાં કામ કરતા એટલે `આર-1' વિઝા માટે પણ તમે લાયક નથી. અમેરિકામાં તમારું કોઈ સગું નથી રહેતું એટલે તમને જે ચાર જુદી જુદી `ફેમિલી પ્રેફરન્સ કેટેગરી'ઓ છે એની હેઠળ પણ ત્યાં કાયમ રહેવા માટેના ઈમિગ્રન્ટ વિઝા મળી શકે એમ નથી. `એમ્પ્લોયમેન્ટ બેઝ્ડ પ્રેફરન્સ કેટેગરી' હેઠળ પણ જો તમારી પિટિશન દાખલ કરીએ તો પણ ફોર્થ પ્રેફરન્સ કેટેગરી હેઠળ જ કરી શકાય. એ માટે તમારે ઓછામાં ઓછાં પંદર વર્ષની વાટ તો જોવી જ પડે. નથી તમારી પાસે કરોડો રૂપિયા કે જેથી તમે `ઈબી-5 પ્રોગ્રામ' હેઠળ અમેરિકાની સરકારે માન્ય કરેલ કોઈ રિજનલ સેન્ટરમાં આઠ લાખ ડોલરનું રોકાણ કરો અને એકાદ લાખ ડોલર જેટલો ખર્ચો કરો અને ગ્રીનકાર્ડ મેળવી શકો. તમે રાજકીય આશરો માગી શકો કે રેફ્યુજી સ્ટેટસ પ્રાપ્ત કરી શકો એવી આપણા ભારત દેશમાં પરિસ્થિતિ નથી. વિઝા લોટરીમાં પણ ભારતીયો ભાગ લઈ નથી શકતા અને અમેરિકાની મિલિટરીમાં તો તમે જોડાવવા નહીં માગો. આમેય તમારી ઉંમર ચાલીસની છે અને તબિયત નાદુરસ્ત રહે છે એટલે તમને અમેરિકા એમની મિલિટરીમાં જોડાવા દેવાની ના પાડશે. જગદીશભાઈ, તમે ફરી પાછી `બી-1/બી-2' વિઝાની અરજી કરો. એ મળી જાય તો પછી અમેરિકામાં પ્રવેશીને પછી ત્યાં ગેરકાયદેસર રહી જજો.'

`નો નો, અમેરિકામાં ગેરકાયદેસર રહેવાનો કંઈ જ અર્થ નથી. એ દેશની પ્રગતિનો લાભ જો હું ત્યાં ગેરકાયદેસર રહેતો હોઉં તો મને મળી ન શકે.'

`તો સાહેબ, અમેરિકા જવાનો વિચાર માંડી વાળો. જુઓ `બી-1/બી-2' વિઝા મેળવીને ત્યાં ફરી આવો.'

`અરે! ફરવા માટે પણ જ્યારે `બી-1/બી-2' વિઝાની અરજી કરી હતી ત્યારે બબ્બે વાર એ નકારવામાં આવી હતી. પહેલી વાર વાઈફ અને બંને સંતાનો અમે ચારે જણાએ કરી હતી. ઓફિસરે કહ્યું, `તમે આખું ફેમિલી જાવ છો એટલે પાછા નહીં આવો.' બીજી વાર મેં એકલાએ અરજી કરી તો કહે, `ફરવા જાવ છો અને સાવ એકલા જાવ છો. નક્કી વાઈફ જોડે ઝઘડા થયા હશે. એને છોડીને અમેરિકા ચાલી જવા માગો છો. `બોલો સાહેબ, આ કોન્સ્યુલેટના ઓફિસરોનું એવું છે કે ચટ ભી મેરી ઔર પટ ભી મેરી. પણ હા, પેલા ઈમિજિયેટ રિલેટિવ કેટેગરી હેઠળની પિટિશનો છે એનું શું?'

`અરે! એ તો અમેરિકન સિટીઝનો એમનાં મા-બાપ માટે અથવા તો એમની પત્ની યા પતિ માટે દાખલ કરી શકે.'

`હેં સાહેબ, જો હું અમેરિકન સિટીઝન જોડે લગ્ન કરું તો એ મારા માટે ઈમિજિયેટ રિલેટિવ કેટેગરી હેઠળ ગ્રીનકાર્ડની પિટિશન દાખલ કરી શકે, ખરુંને?'

`જગદીશભાઈ, તમે પરણેલા છો, બે બાળકોના પિતા છો. તમે અમેરિકન સિટીઝન સ્ત્રી જોડે લગ્ન કેવી રીતે કરી શકો?'

`જુઓ, હું મારી પત્નીથી છૂટાછેડા લઉં. પછી તો હું લગ્ન કરવાને લાયક કહેવાવું ને? તમે મારા માટે કોઈ અમેરિકન સિટીઝન સ્ત્રી શોધી કાઢો, જે મારી જોડે લગ્ન કરવા અને ઈમિજિયેટ રિલેટિવ કેટેગરી હેઠળ પિટિશન દાખલ કરવા રાજી હોય.'

`અરે! એમ કોઈ સ્ત્રી રાજી થતી હોય?'

`કેમ ન થાય? બધું ખોટું હોય. લગ્ન કરીએ પણ અમે કંઈ પતિ-પત્નીની જેમ ન રહીએ. ભલે મારી પાસે ઈબી-5 પ્રોગ્રામ હેઠળ રોકાણ કરવા માટેના આઠ લાખ ડોલર ન હોય, પણ આવાં લગ્ન કરવાં જે અમેરિકન સિટીઝન સ્ત્રી તૈયાર હોય એને પચ્ચીસ-પચાસ હજાર ડોલર આપવા જેટલા પૈસા મારી પાસે છે.'

`ઓહ! એટલે તમે તમારી પત્નીથી છૂટાછેડા લઈને અમેરિકન સિટીઝન સ્ત્રી જોડે બનાવટી લગ્ન એને પૈસા આપીને કરો. પછી એ તમારા માટે ઈમિજિયેટ રિલેટિવ કેટેગરી હેઠળ ગ્રીનકાર્ડની પિટિશન દાખલ કરે, તમને વિઝા મળે, તમે અમેરિકામાં દાખલ થાવ, પછી ગ્રીનકાર્ડ મળે, એ કાયમનું થાય એટલે પછી તમે એ સ્ત્રીથી છૂટા થઈ જાવ.'

`યસ, તો મિસ્ટર વિઝા કન્સલ્ટન્ટ, તમે આજથી એવી કોઈ અમેરિકન સિટીઝન સ્ત્રીની શોધમાં લાગી જાવ, જે પૈસા લઈને બનાવટી લગ્ન કરવા રાજી હોય. એ પણ મારી જેમ ડિવોર્સી હશે તો ચાલશે.'

અનેક ભારતીયો આવાં બનાવટી લગ્નો કરીને અમેરિકાનું ગ્રીનકાર્ડ પ્રાપ્ત કરવાના પ્રયત્નો કરે છે. અનેકો એમાં સફળ પણ થાય છે. આવાં બનાવટી લગ્નોની સંખ્યા ખૂબ જ વધી જવાથી અમેરિકન સરકારના ધ્યાનમાં એ આવ્યું. આથી એમણે `ધ મેરેજ ફ્રોડ એમેન્ડમેન્ટ એક્ટ' ઘડ્યો છે. જો તમે આવાં બનાવટી લગ્નો કરીને પકડાવ તો તમને દંડ અને જેલની સજા કરવામાં આવે છે.

`સંદેશ'ના વાચકો, અમેરિકા ખરેખર વિશ્વનો સૌથી આગળ પડતો દેશ છે. ત્યાં કમાવાની ઉત્તમ તકો છે, પણ જો તમે આવી રીતે બનાવટી લગ્ન કરીને અમેરિકાનું ગ્રીનકાર્ડ મેળવવાનો પ્રયત્ન કરશો અને પકડાશો તો જેલમાં જવું પડશે. અમેરિકા જેટલો સુંદર અને સારો દેશ છે એટલી જ એની જેલો ન જોવા જેવી અને કષ્ટદાયક છે.