હમણાં થોડા દિવસ પહેલાં ગંભીરતાપૂર્વક ખૂબ જ વિચારતાં કરી મૂકે એવો સિરિયસ જોક આવ્યો હતો.

(સિરિયસ જોક?) એ જોક એવો હતો કે એક જગ્યાએ છોકરા-છોકરીનાં લગ્નની વાત ચાલી રહી હતી ત્યારે છોકરીવાળાએ પૂછ્યું કે, `છોકરો શું કરે છે?' ત્યારે છોકરાવાળાએ કહ્યું, `અમારો દીકરો આઠ જગ્યાએ મેનેજમેન્ટના ટોપ લેવલ પર છે.' છોકરીવાળાએ કન્ફ્યૂઝ થઈને પૂછ્યું, `એમ? એટલે એ કરે છે શું?' તો છોકરાવાળાએ કહ્યું, `એ વોટ્સએપના આઠ ગ્રૂપમાં એડમિન છે.' (સિરિયસ જોક પૂરો થયો. ગંભીરતાપૂર્વક હસો.)

આજકાલ લોકો વોટ્સએપ અને ફેસબુક પર જાતજાતનાં ગ્રૂપ બનાવી, એમાં મેસેજોનો મારો ચલાવી `એન્ડ્રોઇડનો આતંકવાદ' ફેલાવી રહ્યા છે. વોટ્સએપ કે ફેસબુક 52 મેસેજ મોકલવા, બીજાએ મોકલેલા મેસેજ વાંચવા, એના ઉપર કમેન્ટ કરવી, રિએક્શન આપવાં આ બધાંયે ખૂબ અગત્યનાં કામ હોય એમ બધાંય સતત આ પ્રવૃત્તિમાં `રચ્યાપચ્યા' રહેતા હોય છે. સોશિયલ નેટવર્કે સોશિયલ લાઇફનું ઉલાળિયું કરી નાખ્યું છે. લોકો વોટ્સએપ કે ફેસબુકના ગ્રૂપને પોતાના કુટુંબ કરતાં વધારે મહત્ત્વ આપી રહ્યા છે અને એમાંય આવાં ગ્રૂપ બનાવનારા `એડમિન' તો પોતાને `સર્વેસર્વા' માનવા માંડ્યા છે. દેશમાં જેમ રાષ્ટ્રપતિને પ્રથમ નાગરિક ગણવામાં આવે છે એમ જ એડમિનને ગ્રૂપનો પ્રથમ મેમ્બર માનવામાં આવે છે. પોતાના ઘરમાં જેને `કયું શાક બનાવવું છે?' એ પણ પૂછવામાં ન આવતું હોય એવી વ્યક્તિ ગ્રૂપ એડમિન બને ત્યારે બધા મેમ્બર્સ એનું કહ્યું માને એવો એ આગ્રહ રાખે છે અને મેમ્બર્સ પણ એને એડમિનજી, એડમિન સર એવું બધું કહી એને `ચણાના ઝાડ પર' ચડાવે છે. આવા વોટ્સેપિયા અને ફેસબુકિયા ગ્રૂપના એડમિનની લાયકાતો, હક અને ફરજ વિશે ક્યાંય કોઈ જગ્યાએ સ્પષ્ટ રીતે ફોડ પાડવામાં આવ્યો નથી. તો પછી ચાલો આજે આ મુદ્દાઓને `ચર્ચાના એરણ પર' ચડાવીએ.

ગ્રૂપ એડમિનની લાયકાતો

વોટ્સએપ કે ફેસબુક 52 આડેધડ ગ્રૂપો બનેલાં છે, એટલે એના એડમિન બનવા માટે આડેધડ લાયકાતો જ જરૂરી છે. એડમિન બનવા માટેની સૌથી મોટી લાયકાતોમાં ઇન્ટરનેટ કનેક્શન અનલિમિટેડ ડેટા પેક આવે છે. જો આ ન હોય તો કશુંયે ન થાય. આ હોય પણ સ્માર્ટ ફોન અથવા તો ટેબ્લેટ કે પછી ડેસ્કટોપ કે લેપટોપ હોવું જરૂરી છે. ધાબું-અગાશી હોય પણ ત્યાં ચડાવવા માટે પતંગ-દોરી તો જોઈએ ને? એવી વાત છે. આ બધું હોય તો પછી ગ્રૂપ બનાવવા માટે સગાંવહાલાં, ઇષ્ટ મિત્રો કે પછી મિત્રવર્તુળ જોઈએ. એકલા એકલા એક જણનું ગ્રૂપ ન બને મારા વા'લા. થોડા ઘણા નવરા ધૂપ લોકો મળી જાય એટલે ગ્રૂપ બની જાય.

એડમિનના હક

આવાં બધાં ગ્રૂપોમાં એડમિન એવું માનતા હોય છે કે `સર્વ હક એડમિનને સ્વાધીન' છે, પણ એ કશું હોતું નથી. બધા મેમ્બર્સ મન ફાવે એવું `દે ઠોક' વર્તન કરતા હોય છે. તોફાનીઓના ક્લાસના નબળા શિક્ષક જેવી એડમિનની હાલત હોય છે. આમ તો એડમિન ધારે એ મેમ્બરને કાઢી મૂકી શકે છે, રિમૂવ કરી શકે છે, પણ એવું કરવા જાય તો એને ખૂબ `બબાલો' થઈ જતી હોય છે. આવાં બધાં ગ્રૂપોમાં એડમિન નિયમો બનાવવાનો પ્રયત્ન કરતા હોય છે, પણ એ નિયમો કોઈ ગાંઠતું નથી અને એમાં નિયમ ભંગ કરનારને પોલીસ પકડી નથી જતી કે એની સામે કાયદેસ2ની કાર્યવાહી પણ થઈ શકતી નથી. ટૂંકમાં, `મહેતો મારેય નહીં અને ભણાવેય નહીં' એવી વ્યક્તિ એટલે એડમિન

એડમિનની ફરજો

અલ્યા ભઈ નવરા માણસોના ગ્રૂપમાં એડમિનની ફરજો તો હોતી હશે? તોયે એડમિનની ફરજો શોધવાનો `ટ્રાય' કરીએ. આમ તો મોટાભાગે કોઈ કોમન સબ્જેક્ટમાં ઈન્ટરેસ્ટ ધરાવતા, સરખા શોખવાળા `મહાનુભાવો' ભેગા થઈ આવા બધા ગ્રૂપ બનાવતા હોય છે. આવા ગ્રૂપમાં એડમિનની ફરજ બનતી હોય છે કે જે ગ્રૂપ જે `પર્પઝ' માટે `ક્રિએટ' કરવામાં આવ્યું હોય તેને લગતી પોસ્ટ જ એમાં મુકાય. ગ્રૂપના કોમન સબ્જેક્ટને લગતા ફોટા, વીડિયો કે મેસેજ મુકાય એ જોવાની એડમિનની ફરજ છે. વાઇલ્ડ લાઇફની વાતો અને ફોટા-વીડિયોના શોખીનોના ગ્રૂપમાં `જિંદગી જીવવા જડીબુટ્ટી' જેવા ઉપદેશાત્મક મેસેજ મૂકો તો મેમ્બર્સ વાઇલ્ડ થઈ જાય. આવા સમયે એ વાયડા મેમ્બરને લાઇન પર લાવવા એ એડમિનની ફરજ છે, પણ આવું કશું થતું નથી. એડમિને બધું લોલમલોલ ચાલવા દેવું પડે છે, કેમ કે એડમિન માટે કાયદા દ્વારા જણાવાયેલ કોઈ હકો કે ફરજો છે જ નહીં.

ટૂંકમાં, સોશિયલ નેટવર્કના ગ્રૂપનો એડમિન એટલે,

`જાનમાં કોઈ જાણે નહીં ને હું વરની ફોઈ.'