- જ્યાં અનૈતિકતા તથા અયોગ્ય વ્યવહાર હોય ત્યાં લક્ષ્મીજી કદાચ જાય તોપણ થોડા જ દિવસ ત્યાં રહેશે
આજે આપણે ભાગવત મહાપુરાણના 10મા સ્કંધના પમા અધ્યાયના શ્લોક ક્ર. 18ના આધારે વાત કરવાના છીએ. એ શ્લોક છેઃ
ततआरभ्यनन्दस्यव्रज: सर्वसमृद्धिमान्।
हरेर्निवासात्मगुणैरमाक्रीडमभून्नृप॥
અર્થાત્ "હે પરીક્ષિત રાજા, નંદ મહારાજનું ઘર પૂર્ણ પુરુષોત્તમ ભગવાન તથા એમના દિવ્ય ગુણોનું શાશ્વત ધામ છે. આથી સ્વાભાવિક રીતે તમામ ઐશ્વર્ય એમાં સ્થિર રહે છે. આમ છતાં કૃષ્ણના આવિર્ભાવના દિવસથી એ ઘર દેવી લક્ષ્મીજીની લીલાઓનું સ્થાન બની ગયું.''
મને ઘણા જ પ્રિય એવા શ્લોકોમાં ઉક્ત શ્લોક સામેલ છે. ધનસંપત્તિ તો ઘણી જગ્યાએ અને ઘણા મોટા પ્રમાણમાં હોઈ શકે છે, પરંતુ જ્યાં ભગવાનનો (શ્રીવિષ્ણુનો)વાસ હશે ત્યાં જ લક્ષ્મીજી કાયમ વાસ કરશે.
આપણે દુન્યવી દૃષ્ટિએ જોઈએ તો માતા લક્ષ્મી પરિણીત સ્ત્રી છે. પરિણીત સ્ત્રી પતિ વગર ક્યાંય જતી નથી અને ક્યાંક જાય તોપણ મહેમાન તરીકે જ રહે છે. થોડા જ સમયમાં એ પતિના ઘરે આવી જાય છે. ભગવાન વિષ્ણુ લક્ષ્મીજીના પતિ છે અને નૈતિકતાના સ્વામી છે. જો માતા લક્ષ્મી પતિની સાથે ક્યાંક જાય તો ત્યાં કાયમી વસવાટ કરે એવી શક્યતા રહે છે અર્થાત્ લક્ષ્મીની સાથે નૈતિકતા જરૂરી છે. ઉક્ત શ્લોકમાં એ જ કહેવામાં આવ્યું છે કે જ્યાં નૈતિકતા હશે ત્યાં લક્ષ્મીજી સ્થાયી થઈ જશે. બીજી બધી જગ્યાએ તેઓ મહેમાન તરીકે થોડા દહાડા રોકાશે.
આપણે ત્યાં `લક્ષ્મી ચંચળ છે' એ શબ્દપ્રયોગ ઘણો જ પ્રચલિત છે. એનો ખરો અર્થ એ છે કે જ્યાં અનૈતિકતા તથા અયોગ્ય વ્યવહાર હોય ત્યાં લક્ષ્મીજી કદાચ જાય તોપણ થોડા જ દિવસ ત્યાં રહેશે. વધારે સમય તે ટકશે નહીં. અનુચિત પ્રવૃત્તિઓ થતી હોય ત્યાં લક્ષ્મીજી થોડો જ સમય ટકે છે. આપણે એવી અનેક વ્યક્તિઓ વિશે વાંચ્યું-સાંભળ્યું છે, જેમણે દેશના કાયદાઓનો ભંગ કરીને સંપત્તિ ભેગી કરી હોય, પરંતુ આપણે એ પણ જાણીએ છીએ કે એમણે ચોરીછૂપીથી દેશ છોડીને ભાગી જવું પડ્યું છે.
ઘણા ધનવાન લોકો પોતાના અંગરક્ષકો રાખે છે. એમને જોઉં ત્યારે મને ગુનેગારોને જોતો હોઉં એવું લાગે, કારણ કે ગુનેગારો પણ હંમેશાં પોલીસની વચ્ચે જ દેખાતા હોય છે. જો આપણે સ્વતંત્ર રીતે હરીફરી શકીએ નહીં, તો એવી સંપત્તિનો શું ઉપયોગ?
આપણને પ્રસન્નતા અને શાંતિ પ્રાપ્ત થાય એવી કઈ જગ્યા હોય છે? શું મંદિરમાં એ મળી શકે કે પછી કેસિનો જેવી જુગાર રમવાની જગ્યાએ? આ બન્ને સ્થળોએ ધન તો ઘણું હોઈ શકે છે, પરંતુ સ્વસ્થતા તો ફક્ત મંદિરમાં જ મળે. કેસિનોની તુલનાએ મંદિરમાં ઓછું ધન હોય તોપણ પ્રસન્નતા તો માત્ર ને માત્ર મંદિરમાં જ મળતી હોય છે.
યોગિક વેલ્થ પ્રસન્નતા-પરમાનંદ માટે જ હોય છે. જે સંપત્તિ નૈતિકતાથી જન્મી હોય એ જ ફક્ત આનંદ અને શાંતિ આપી શકે. આથી આ જીવનમાં નૈતિક સંપત્તિની ખેવના રાખવી જોઈએ.
ગ્રાહકો, કર્મચારીઓ, સરકાર વગેરેની સાથે ગરબડ-ગોટાળા કરીને ધનવાન બની શકાશે, પરંતુ એ ધન લાંબું ટકશે નહીં. આને જ નૈતિકતા વગરની સંપત્તિ કહેવાય છે. આપણા ઘરમાં ધનનો પ્રવેશ દરવાજેથી, ગૌરવપૂર્ણ રીતે થવો જોઈએ, પાછલા બારણેથી-ચોરીછૂપીથી નહીં. પાછલા બારણેથી આવેલી સંપત્તિ ત્યાંથી જ ક્યારે રવાના થઈ જશે એની ખબર પણ નહીં પડે.
ઋગ્વેદના `શ્રી સૂક્તમ'માં નૈતિકતાપૂર્ણ સંપત્તિની વિશદ્ છણાવટ કરવામાં આવી છે. પૂજ્ય પાંડુરંગશાસ્ત્રી આઠવલેએ એના પર ભાષ્ય પણ કર્યું હતું. `યોગિક વેલ્થ' પુસ્તકમાં એ જ ભાષ્યની થોડી અસર ચોક્કસપણે દેખાય છે.










