રાજસ્થાનમાં માઉન્ટ આબુ હિલસ્ટેશન આવેલું છે એ આપણે સૌ જાણીએ છીએ, પરંતુ માઉન્ટ આબુ અભયારણ્ય વિશે બહુ ઓછા લોકો જાણે છે. આ અભયારણ્ય એકદમ અનોખું છે. માઉન્ટ આબુમાં આવતા પ્રવાસીઓ દ્વારા વનસ્પતિ અને અહીં વસવાટ કરતાં પ્રાણીઓને નુકસાન ન થાય એટલા માટે માઉન્ટ આબુ સેન્ક્ચ્યૂઅરીની સ્થાપના કરવામાં આવી હતી.


સરકાર દ્વારા 1960માં માઉન્ટ આબુ અભયારણ્ય એવું નામ આપવામાં આવ્યું હતું. આ અભયારણ્ય આશરે 300 કિલોમીટર સુધી વિસ્તરેલું છે, જે ગુરુ શિખરથી લઇને અનેક ઊંચા શિખરને પાર કરે છે. આ અભયારણ્યમાં પર્વતોને કારણે કુદરતી રીતે જ અનેક ગુફાઓ બનેલી જોવા મળે છે. આ ઉપરાંત મનને ખુશ કરી દે એવાં ખળખળ વહેતાં પાણીનાં ઝરણાં પણ સરસ છે. પર્વતો અને ગીચ વૃક્ષોથી ઘેરાયેલાં આ અભયારણ્યમાં લુપ્ત થઇ રહેલાં અનેક પ્રાણીઓની પ્રજાતિઓ જોવા મળે છે. એમાં શિયાળ, ઝરખ વગેરે જેવાં પ્રાણીઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત જંગલી બિલાડી, વરુ, શિયાળ, જંગલી સૂવર, ગેંડા, હરણ, હાથી, સાબર, નીલ ગાય, સસલાં, સ્લોથબિયર અને જંગલી મરઘાં વગેરે જોવા મળે છે. આ અભયારણ્ય રીંછ માટે આદર્શ વાતાવરણ પૂરું પાડે છે, તેથી રીંછ પણ આ અભયારણ્યમાં વસવાટ કરે છે. ઘણી વખત રાતના સમયે રીંછ જંગલમાંથી બહાર નીકળીને ગુરુ શિખર સુધી પહોંચી જાય છે.

આ અભયારણ્ય પક્ષીપ્રેમીઓ માટે ખાસ છે, કારણ કે અહીં પક્ષીઓની આશરે 250 કરતાં પણ વધારે પ્રજાતિઓ જોવા મળે છે, જે આ અભયારણ્યને વધારે સુંદર બનાવે છે. માઉન્ટ આબુ અભયારણ્યમાં ગીચ વૃક્ષો આવેલાં છે. નવાઇની વાત તો એ છે કે આ જંગલમાં એવાં ઘણાં ઝાડ છે, જેનો ઉપયોગ ઔષધીઓમાં કરી શકાય તેમ છે. આ અભયારણ્યમાં વૃક્ષોની આશરે 81 પ્રકારની પ્રજાતિઓ, 89 પ્રકારના વેલા અને 17 પ્રકારના જાતજાતના છોડ જોવા મળે છે. આ જંગલમાં જંગલી ગુબાલની ત્રણ પ્રજાતિઓ અને ફોસ્ફોરસ તથા બ્રાયોફાઇટ્સ અને શેવાળની 16 પ્રજાતિઓ જોવા મળે છે. માઉન્ટ આબુ અભયારણ્યના દક્ષિણ પશ્ચિમી ભાગમાં વાસનાં જંગલ વિપુલ પ્રમાણમાં આવેલાં છે.

માઉન્ટ આબુ અભયારણ્યમાં તમે જીપ સફારીની મદદથી આખા અભયારણ્યમાં સારી રીતે ફરી શકો છો. આ અભયારણ્ય 365 દિવસ એટલે કે બારેમાસ પ્રવાસીઓ માટે ખુલ્લું હોય છે. એનો સમય સવારે નવથી સાંજે સાડા પાંચ વાગ્યા સુધીનો છે. આ અભયારણ્યમાં જવાનો સૌથી ઉત્તમ સમય ઠંડીની ઋતુ છે. આ ઋતુ દરમિયાન ટ્રેકિંગની ભરપૂર મજા માણી શકો છો. ઓક્ટોબરથી લઇને માર્ચ મહિના વચ્ચેનો સમયગાળો માઉન્ટ આબુ અભયારણ્યની મુલાકાત માટેનો આદર્શ સમય માનવામાં આવે છે. આ સમય દરમિયાન વાતાવરણ પણ બહુ સરસ હોય છે, જેથી અભયારણ્યની મજા બેવડાઇ જાય છે, પરંતુ ગરમીની સીઝનમાં આ અભયારણ્યની મુલાકાત લેવી અયોગ્ય છે, કારણ કે આ સમયમાં રાજસ્થાનમાં વધારે પડતી ગરમી પડે છે. એની અસર અભયારણ્યમાં પણ જોવા મળે છે, તેથી ગરમીમાં માઉન્ટ આબુ અભયારણ્યની મુલાકાત લેવાનું ટાળવું જોઇએ.

  • Follow us on: