આલખાય છે ત્યારે અમેરિકાનું કેલિફોર્નિયા ભીષણ દાવાનળમાં બળી રહ્યું છે. લોસ એન્જેલસનાં જંગલોમાં ફાટી નીકળેલા દાવાનળને કારણે અનેક હોલિવૂડ સ્ટાર્સ પણ પોતાનાં આલિશાન મકાનો પડતાં મૂકીને સુરક્ષિત સ્થાનોએ નાસી છૂટ્યા છે. આજની તારીખે અમેરિકા નિ:શંકપણે સુપરપાવર દેશ ગણાય.


સંસાધનો તેમજ સાયન્સ એન્ડ ટેક્નોલોજિકલ અપગ્રેડેશન મામલે અમેરિકાનો મુકાબલો ભાગ્યે કોઈ બીજો દેશ કરી શકે એમ છે. તેમ છતાં જંગલની આગ કાબૂ નથી કરી શકાઈ! કુદરત આવી હોનારતો દ્વારા પોતાની સર્વોપરિતા સિદ્ધ કરતી રહે છે. ભવિષ્યની ખબર નથી, પણ હાલના તબક્કે માનવી પાસે એક જ રસ્તો છે, કુદરતી આપદાઓ અંગે બને એટલો ડેટા ભેગો કરવો. આ માટે સૌથી અસરકારક માર્ગ છે અવકાશની ભ્રમણકક્ષાઓમાં ફરતા સેટેલાઈટ્સ દ્વારા ડેટા એકત્રિત કરવાનો. એટલે જ નાસાથી માંડીને આપણી ઇસરો જેવી અવકાશી સંસ્થાઓ આ દિશામાં સતત કામ કરતી રહે છે. ઇસરોના આવા જ એક પ્રોજેક્ટ `NISAR' વિશે વાત કરતાં પહેલાં ગગનયાન પ્રોજેક્ટના અપડેટ વિશે થોડું જાણી લઈએ.

 ગગનયાન પ્રોજેક્ટ સ્વદેશી અવકાશી સંસ્થા ઇસરોનો અત્યંત મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે. આ વર્ષના પ્રથમ છ મહિના દરમિયાન જ આ પ્રોજેક્ટમાં મહત્ત્વપૂર્ણ પ્રગતિ નોંધાવાની છે. શ્રીહરિકોટામાં ગગનયાન પ્રોજેક્ટના પ્રક્ષેપણની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ગગનયાન એક સ-માનવ સ્પેસ પ્રોજેક્ટ છે. અર્થાત્ આ પ્રોજેક્ટ હેઠળ સ્પેસ યાત્રાએ જનારા યાનમાં માનવો પણ હાજર હશે. ગગનયાનની ક્ષમતા મુજબ એમાં ત્રણ અવકાશયાત્રીઓ સ્પેસ જર્ની કરી શકશે, પરંતુ આવી પ્રથમ ફ્લાઈટ ઉપડવાને હજી વાર છે. હાલના અંદાજ મુજબ 2026માં ગગનયાન પ્રોજેક્ટ પોતાની પ્રથમ સમાનવ અવકાશયાત્રા માટે ફ્લાઈટ ઉડાડશે, પરંતુ એ પહેલાં ટેસ્ટિંગ અને રિસર્ચના હેતુસર અનેક સ્પેસ લોન્ચિંગ કરવામાં આવશે. આવું જ એક માનવ રહિત ઓર્બિટલ મિશન આ વર્ષના શરૂઆતી મહિનાઓ દરમિયાન સાકાર થશે. આ મિશન માટે શ્રીહરિકોટા ખાતે પ્રક્ષેપણ વાહન અને ઓર્બિટલ મોડ્યુલ તૈયારીના અંતિમ તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. આશા રાખીએ કે બધું સુખરૂપ પાર પડે અને આપણી ઇસરોના મુગટમાં એક ઓર યશકલગી ઉમેરાય. હવે વાત બીજા એક અત્યંત મહત્ત્વના પ્રોજેક્ટ `NISAR'ની.

NISAR સેટેલાઈટ પ્રોજેક્ટ ભારત અને અમેરિકા એમ બંને માટે અત્યંત મહત્ત્વનો છે. ભારતની ઇસરો અને અમેરિકાની નાસા આ પ્રોજેક્ટ પર સંયુક્ત રીતે કામ કરી રહી છે. આથી જ તો એનું નામ `NISAR - NASA-ISRO સિન્થેટિક એપરચર રડાર' રાખવામાં આવ્યું છે. સિન્થેટિક એપરચર રડાર (SAR) એટલે એવું રડાર, જેના દ્વારા પૃથ્વીના કોઈ ચોક્કસ વિસ્તારની ટુ ડાયમેન્શનલ ઇમેજીસ મેળવી શકાય. એટલું જ નહિ પણ એ સ્થળના લેન્ડસ્કેપનું થ્રી ડાયમેન્શનલ રી-કન્સ્ટ્રક્શન પણ થઇ શકે, જેના દ્વારા જે તે સ્થળની ભૌગોલિક પરિસ્થિતિને આબેહૂબ સમજી શકાય. બંને સંસ્થાઓએ સંયુક્તપણે વિકસાવેલો NISAR સેટેલાઈટ પૃથ્વીના નિરીક્ષણ (earth observation)નું કામ કરશે. ખાસ કરીને તે પૃથ્વીના વિવિધ પ્રદેશોમાં આવેલાં જંગલો, વેટ લેન્ડ ઇકોસિસ્ટમ્સ, કાર્બન સાઈકલ વગેરે બાબતો અંગે ડેટા ભેગો કરશે. આ સિવાય ગ્લેશિયર્સ એટલે કે હિમનદીઓ પીગળવાનું પ્રમાણ, દરિયાઈ સપાટીમાં થતો વધારો કે પછી જ્વાળામુખી અંગેની તમામ માહિતી NISAR પાસેથી મળશે.

GSLV-F16 મિશન ISRO-NASA સંયુક્ત મિશન, NISAR (NASA-ISRO સિન્થેટિક એપરચર રડાર) લોન્ચ કરશે. NISAR એ એક અદ્યતન માઇક્રોવેવ રિમોટ સેન્સિંગ ઉપગ્રહ છે, જે માત્ર 12 દિવસમાં સમગ્ર વિશ્વનો નકશો તૈયાર કરવાની ક્ષમતા ધરાવે છે. આ નકશા દ્વારા કૃષિ, ભૂકંપ, ભૂસ્ખલન વગેરે સંબંધિત ડેટા પ્રાપ્ત કરાશે. શ્રીહરિકોટા ખાતે GSLV વ્હિકલ સિસ્ટમ ફાઈનલ ઇન્ટિગ્રેશન માટે તૈયાર કરવામાં આવી રહી છે. આ સાથે જ NISAR ઉપગ્રહ પરીક્ષણના અંતિમ તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે.

લોન્ચિંગ પછી આ સેટેલાઈટ પોતાની નિયત અવકાશીય કક્ષામાં પહોંચશે. ત્યારબાદ દર 12 દિવસે પૃથ્વીની સમગ્ર જમીન અને બર્ફીલી સપાટીને સ્કેન કરશે. ઉપગ્રહ જે ડેટા એકત્રિત કરશે તેમાંથી વૈજ્ઞાનિકો જે તે સ્થળના કાર્બન ઉત્સર્જન અને શોષણને એટલે કે કાર્બન સાઇકલને સમજશે. કાર્બન ચક્રમાં આવતા બદલાવ ઉપરથી ઘણી ઉપયોગી માહિતીઓ તારવી શકાશે. વૈજ્ઞાનિકોના કહેવા મુજબ NISAR દ્વારા બહુ ઝડપી માહિતી મેળવી શકશે.

સામાન્ય સંજોગોમાં કોઈ એક સ્થળ વિશેની સંપૂર્ણ માહિતી માત્ર એક-બે દિવસમાં જ મળી જશે અને જો કોઈ દુર્ઘટના ત્રાટકી હોય (દાખલા તરીકે હાલ કેલિફોર્નિયાનાં જંગલોમાં લાગેલી આગ) તો ગણતરીના કલાકોમાં જ NISAR તમામ સેટેલાઈટ ઇમેજીસ સહિતનો ડેટા ઉપલબ્ધ કરાવી દેશે.

આમ તો NISARનું લોન્ચિંગ ભારત ખાતે 30 માર્ચ, 2024ના દિવસે થવાનું હતું, પરંતુ ત્યાર પછી અમુક હાર્ડવેર અપડેટ્સને કારણે લોન્ચિંગ રી-શિડ્યુલ કરવામાં આવ્યું. તાજી માહિતી મુજબ આ વર્ષના માર્ચ મહિનામાં NISARનું લોન્ચિંગ થશે. આ મિશનની આવરદા ત્રણ વર્ષની રહેશે. અત્યાર સુધીમાં અનેક પરીક્ષણો કરીને નાસા અને ઇસરોના વૈજ્ઞાનિકોએ NISARનું સંપૂર્ણ સફળ ટેસ્ટિંગ કરી લીધું છે. હવે બસ લોન્ચ થાય એટલી વાર. નાસા અને ઇસરો બંનેની ગણના સ્પેસ સાયન્સની ટોચની સંસ્થાઓ તરીકે થાય છે અને બંનેનો, ખાસ કરીને આપણી ઇસરોનો સક્સેસ રેશિયો ખૂબ ઊંચો છે, ત્યારે આ બંને સંસ્થાઓના સંયુક્ત સાહસ તરફ આખી દુનિયાની નજર છે. આ દરમિયાન અને ઇસરોવાળાઓ હળવા મૂડમાં હિન્દી ફિલ્મ `નમકહલાલ'નું પેલું ફેમસ ગીત ગણગણતા હશે. `મિલે જો દિલ જવાં, NISAR હો ગયા

  • Follow us on: