વર્ષો પહેલાની વાત છે. મારો એક મિત્ર, જેનું પેટનેમ `ગલો' હતું એ અને હું અમદાવાદના રૂપાલી થિયેટરમાં સોળમી ફેબ્રુઆરીએ બુધવારે બારથી ત્રણના શોમાં દેવાઆનંદનું `કાલાબાજાર' ફિલ્મ જોવા ગયાં'તા. થિયેટર પર પહોંચ્યાને જોયું તો ત્યાં ભયંકર ભીડ-ગીર્દી હતી.

પોલીસ અને પબ્લીક વચ્ચે `હુલ્લડ' જેવું વાતાવરણ સર્જાયેલું હતું. દેવઆનંદની `કાલા બાજાર' જેવી જૂની, બ્લેક એન્ડ વ્હાઈટ ફિલ્મ માટે આટલી બધી ભીડ જોઉ હું ચમક્યો. ત્યાં જ મારા મિત્ર `ગલા' એ ગુપ્ત માહિતી આપતો હોય એમ આંખ ઝીણી કરી મને બાતમી આપી `અલ્યા ઢબા' (આ `ઢબો' મારું પેટનેમ હતું/છે.) શુક્રવારે બચ્ચનની `શહેનશાહ' રીલીઝ થાય છે. એની આ ભીડ છે. અને અચાનક મને બત્તી થઈ. અમિતાભ બચ્ચનની `કમબેક ફિલ્મ' શહેનશાહ માટે લોકોમાં જબરજસ્ત `હાઈપ' ઊભો થયો'તો અને એટલે જ લોકો ટીકીટનું `એડવાન્સ બુકીંગ' કરાવવા થિયેટર પર ઊમટી પડ્યા હતા. `હૈયે-હૈયુ દબાય' એવી ભીડ પાર કરી અમે થિયેટરમાં ઘૂસ્યા અને પછી `કાલા બજાર' જોઈ ઘરે પાછા આવ્યા. પણ થયું એવું કે થિયેટરનો બધો જ સ્ટાફ એ વખતે `શહેનશાહ'ના એડવાન્સ બુકિંગવાળાને સંભળાવવામાં પડ્યો'તો. એટલે અમને માત્ર ટીકીટ જ આપી ફટાફટ અંદર મોકલી આપવામાં આવ્યાં'તાં.

 અમારી ટીકીટ ચેક કરવા કે ફાડવા કોઈ આવ્યું જ નહોતું. એટલે અમે જ્યારે ઘરે આવ્યા ત્યારે અમારી પાસે અંગ્રેજીમાં `16 FEBRUARY' એવું લખેલી, ફાડ્યા વગરની, ફર્સ્ટ શોની બે આખી ટીકીટો હતી. `કાલાબજાર' જોઈને આવ્યા પછી મને અને ગલાને `કુવિચારો' આવવાના શરૂ થયાં. `શહેનશાહ'ની ટીકીટ માટે લોકોની પડાપડી જોઈ અમને પણ `કાલાબજાર' કરવાનું મન થયું. અમારી પાસે જે બે આખી ટીકીટો હતી. તેને અમે ધારી-ધારીને જોઈ. એના પર અંગ્રેજીમાં 16મી તારીખ, ફેબ્રુઆરી મહિનો અને ફર્સ્ટ શો-સિવાય કશું લખ્યું નહોતું. એટલે અમારી `ઢબા-ગલા'ની જુગલજોડીઓ `ફોડ' કરવાનું નક્કી કર્યું. અમે લોકોએ તારીખ સાથે `ચેડાં' કરવાનું ડિસાઈડ કર્યું. ટીકીટ ઉપર જે રંગનો તારીખવાળો સિક્કો હતો તે જ રંગની `સ્કેચ પેન' અમે લીધી અને એ સ્કેચ પેનથી અમે અંગ્રેજીના 16ના આંકડામાં થોડો ફેરફાર કર્યો અને ટીકીટ પર 16ની જગ્યાએ 18 તારીખ બનાવી દીધી.

  આમ અમે `શહેનશાહ' ફિલ્મના `ફર્સ્ટ ડે-ફર્સ્ટ શો'ની જાલી ટીકીટ તૈયાર કરી. અને પછી એ ટિકિટના `કાલા બાજાર' કરવાનું એટલે કે `બ્લેક'માં વેચી દેવાનું ડિસાઈડ કર્યું. બુધ-ગુરુની બે રાત ટેન્શનમાં વીતાવી અમે શુક્રવારે થિયેટર પર પહોંચી ગયા. બેકાબૂ ભીડ પોલીસની રાડા-રાડી વચ્ચે અમારી `ઢબા-ગબા'ની ચીટર ગેંગ કોઈ બકરાની શોધ કરવા માંડી. હું ને ગબો મોઢું ઊંચું કરી `શહેનશાહ'ના પોસ્ટર જોતાં'તા. ત્યાં બચ્ચનનું આડાવાળ, દાઢી, ચામડાનું જેકેટ, દોરડું હાથ પર સાંકળોવાળું, ખૂબ જાણીતું બનેલું મોટું `કટઆઉટ' હતું અમે એને જોતાં ઊભાં'તાં. ત્યાં જ ચોકડાવાળું પેન્ટ અને કાબરચીતરું શર્ટ પહેરેલો, મોટા પેટવાળો સિંધી જેવો લાગતો એક માણસ આવ્યોને અમને પૂછ્યું- `અડે લડકો...એકસટડા ટીકીટ હૈં??' અમે તરત જ હા પાડીને કહ્યું `ટીકીટ તો હૈ પણ વીસવાળી ટીકીટ કા સો રૂપિયા હોએગા...' ફોદળાએ સહેજ પણ આનાકાની કર્યા વગર કહ્યું `ઠીક હૈ..દો ટીકીટ દો.' અમને તો લોટરી જ લાગી'તી એટલે અમે પોલીસથી બચતા ફટાફાટ બે ટીકીટ એ `ફાંદળા'ના ખિસ્સામાં સરકાવી દીધી. સિંધીએ પણ સટાસટા સો-સોની બે નોટ અમારા ખિસ્સામાં ખોસી દીધી. `અહીંયા બ્લેકને ધંધો ચાલી રહ્યો છે.' એવું કોઈને ખબર પડે એ પહેલાં અમે બધા ત્યાંથી `અંતર્ધ્યાન' થઈ ગયાં. અમે અમારી `સકસેસ'ને સેલીબ્રેટ કરવા એક મોંઘી હોટલમાં નાસ્તો કરવા ઘસી ગયાં.

  નાસ્તો કરી અમે અમારી `બ્લેક'ની કમાણી એટલે કે સો-સોની બે નોટથી બીલ ચૂકવ્યું અને થોડીવાર પછી અમને આઘાતનો આંચકો લાગ્યો. હોટલના મેનેજરે અમને કાઉન્ટર પર બોલવી. ધમકાવતાં કહ્યું. `તમે આપેલી સોની બંને નોટો નકલી છે. બનાવટી છે-જાલી છે.' અમે તો બરાબર ચલવાયા. ત્યાં જ અમને ઉગારવા અમારા ઓળખીતા બચુભાઈ હોટલમાં આવ્યાં. એમણે અમારું બિલ ચૂકવ્યું ને અમને છોડાવ્યાં. અમારી ગભરામણ દૂર કરવા અમને ઠંડું પીવડાવવા બેસાડ્યા. અમે એમનો આભાર માનતાં'તા ત્યાં જ બચુભાઈએ કહ્યું, `આજનો દિવસ જ ખરાબ હોય એવું લાગે છે. તમને કોઈ નકલી નોટો પધરાવી ગયું તો મને અને મારા મિત્ર બાબુને કોઈ શહેનશાહની નકલી ટીકીટો પધરાવી ગયું. લ્યો આ આવ્યો મારો મિત્ર બાબુ...' અમે પાછળ વળીને જોયું તો એ બાબુ બીજો કોઈ નહીં પણ પેલો ફાંદળો હતો. અમને જોઈએ ચમક્યો અને તાડક્યો. `યે હીવો લડકે હૈ. જીસને નકલી ટીકીટ દીયે થે.' તો અમે પણ સામી બૂમ પાડી. `આ એ જ છે. જેણે અમને નકલી નોટો આપી'તી...' આ સાંભળી બચુભાઈ હસી પડ્યાને બોલ્યા. `હિસાબ ચૂકતે' અને પછી ઢબો-ગબો તથા બચુ-બાબુ હસીને ઠંડુ પીવા માંડ્યા.