• શ્રીરામે રાવણ સામે યુદ્ધ કરતા પહેલાં શક્તિની આરાધના કરી હતી અને આસુરી શક્તિ સામે વિજય મેળવ્યો હતો

નવરાત્રિ ઊજવવા પાછળ એક પૌરાણિક કથા જોડાયેલી છે. મહિષાસુર નામનો એક રાક્ષસ દેવો અને મનુષ્યોને ખૂબ જ કષ્ટ આપતો હતો. તેણે પોતાના સામર્થ્યના જોરે દેવતાનું બધું જ છીનવી લીધું હતું. દેવતાઓ આવી સ્થિતિમાં નિ:સહાય અને ભયભીત બની ગયા હતા. દેવો બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની પાસે ગયા. તેમની વાત જાણીને દેવો મહિષાસુર પર કોપાયમાન થયા અને તેમના પુણ્યપ્રકોપમાંથી એક દૈવીશક્તિનું નિર્માણ કર્યું. સૌ દેવતાઓએ પોતાની શક્તિઓ અને શસ્ત્રો તે દેવીને આપ્યાં. આમ, આ દેવી મહાશક્તિ બની ગયાં. તેમણે નવ દિવસ સુધી મહિષાસુર સાથે યુદ્ધ કર્યું અને તેણે હણી નાખ્યો. આ રીતે આસુરી વૃત્તિઓને ડામીને દૈવીશક્તિનો મહિમા પ્રસ્થાપિત કરવામાં આવ્યો, ત્યારબાદ દેવો નિર્ભય બન્યા.

એવું પણ કહેવાય છે કે શ્રીરામે રાવણ સામે યુદ્ધ કરતા પહેલાં શક્તિની આરાધના કરી હતી અને આસુરી શક્તિ સામે વિજય મેળવ્યો હતો. માર્કંડેય પુરાણમાં દુર્ગાસપ્તશતીમાં શક્તિનાં ત્રણ સ્વરૂપો દર્શાવવામાં આવ્યાં છે. જેમાં પ્રથમ ચરિત્રમાં મહાકાળી છે જે શક્તિનું રૌદ્ર સ્વરૂપ છે, તેમનો રંગ શ્યામ છે અને તમો ગુણની અધિષ્ઠાત્રી છે. બીજામાં મહાલક્ષ્મી છે જે ઈચ્છાશક્તિ અને રાજસી શક્તિ તથા રજોગુણની અધિષ્ઠાત્રી છે. ત્રીજામાં મહાસરસ્વતીનો ઉલ્લેખ જોવા મળે છે, જે શ્વેત રંગનાં અને સૌમ્યસ્વરૂપા છે. જ્ઞાનશક્તિ છે અને સત્ત્વ ગુણની અધિષ્ઠાત્રી છે.

ઋષિ વિશ્વામિત્રે પણ શક્તિ મેળવવા તપ કર્યું હતું અને ઈન્દ્રએ જેના સ્વર્ગ પ્રવેશનો ઈન્કાર કર્યો હતો તેવા રાજા ત્રિશંકુ માટે નવા સ્વર્ગની રચના કરવાની શક્તિ મેળવી હતી. આપણા ઋષિમુનિઓ પણ સતત તપમાં લીન રહેતા હતા. વાસ્તવમાં આ બધાં દૈવીશક્તિ પ્રાપ્ત કરવા માટે જ શક્તિની આરાધના કરતા હતા.

નવરાત્રિ અને અંક 9

ભારતીય સંસ્કૃતિમાં અંક 9 છેલ્લો હોવાથી તે પૂર્ણ ગણાય છે. સાથે આ અંક નિર્ગુણનું પ્રતીક પણ છે. આપણા બ્રહ્માંડનું સંચાલન કરનારા ગ્રહો પણ નવ છે. પ્રજાને ઉત્પન્ન કરનાર નવ મનુઓ, નવ દીપો, નવ નિધિઓ, નવ રત્નો, નવ નાગ, મનુષ્યદેહમાં રહેલી નવ નાડીઓ અને જીવનના નવ રસ આ બધામાં નવના આંકનું મહત્ત્વ છે, જેથી નવની સંખ્યાને પૂર્ણાંક અથવા મૂળ સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે. આવાં જ કારણોથી હિંદુ પરંપરામાં નવરાત્રિમાં આદ્યશક્તિની ઉપાસનાનો નવરાત સુધી મહિમા ગવાયો છે.

નવરાત્રિનું સામાજિક પાસું

નવરાત્રિ એ ચોમાસા પછી આવતો તહેવાર છે. પ્રાચીન ખેતીપ્રધાન ભારતમાં આ સમયગાળા દરમિયાન ખેતરની ઊપજ પાકવાની તૈયારીમાં હોય ત્યારે સર્જન અને વિસર્જનનાં પ્રતીક તરીકે દેવીનું અનુષ્ઠાન કરીને તેમનાં ચરણોમાં ખેતઊપજ ધરવાની પ્રથા હતી.

માટીના ગરબાનો ગોળ આકાર, તેનાં છિદ્રો અને અંદર મૂકવામાં આવતો દીવડો એ જીવનનું પ્રતીક છે. ગરબો એ માનવ ખોળિયાને મળેલી ઉપમા છે અને તેની અંદરનો ઉજાસ એ આત્મા છે.

ગરબે ઘૂમવા માટે પણ ગોળાકાર જ પસંદ થાય છે. તેની પાછળ ખગોળીય કારણો રહેલાં છે. પૃથ્વી પોતાની ધરી પર ગોળ ફરે છે. સમગ્ર સૂર્યમાળા સૂર્યને ફરતે ગોળ ફરે છે. સૂર્ય અને સૂર્યમાળા સહિતનું સમગ્ર બ્રહ્માંડ ગોળ ઘૂમે છે. ગોળાકારમાં ગતિથી ચોક્કસ ઊર્જા ઉત્પન્ન થાય છે અને એ ઊર્જાશક્તિ ગોળાકારની અંદર જ સંગ્રહાયેલી રહે છે, માટે જ નવરાત્રિનું પર્વ શક્તિ અને ભક્તિના પર્વ તરીકે ઓળખાય છે.

માનતાના ગરબા

ગરબો કે ગરબા શબ્દ સંસ્કૃત શબ્દ ગર્ભદીપ કે ગરબદીપ પરથી આવ્યો છે. જેનો અર્થ થાય છે ગોળાકાર માટલું, જેમાં છિદ્રો હોય છે. કોઈની માનતા કે બાધા પૂરી થાય ત્યારે ગરબો કાઢવામાં આવતો. ગરબા માટીના, તાંબાના કે ચાંદીના હોય છે. જેમાં દીવો મૂકવામાં આવે છે અને સ્ત્રીઓ દ્વારા માથે ઉપાડીને માતાજીને ગોળ ફરતાં-ફરતાં ગરબા રમવામાં આવે છે. કેટલીક જગ્યાએ ફૂલના ગરબા પણ નીકળે છે. તે સ્ત્રી અને પુરુષ બંને માથે લઈને ફરતાં હોય છે.

ગરબાના પ્રકાર

વરાત્રિમાં ગરબા રમવા માટેના ઘણા પ્રકાર છે. કેટલાક પ્રકાર પ્રાચીન છે તો કેટલાક અર્વાચીન. આ ગરબામાં એક તાળી, બે તાળી, ત્રણ તાળી, દોઢિયું, પોપટિયું, હીંચ-હુંડો, ટિપણી, સાદી પાંચ, સાદી સાત વગેરેનો સમાવેશ થાય છે. ગરબાની સાથે દાંડિયા પણ ખૂબ રમાય છે. જોકે, આધુનિક ગરબાના સ્વરૂપમાં આ બધું જ વિસરાતું જાય છે અને ઘોંઘાટિયા સંગીતની ધૂનમાં કોઈ પણ પ્રકાર વિનાના ગરબા ગાવાનું ચલણ વધતું જાય છે.

દુર્ગાપૂજા

બંગાળમાં પણ ગુજરાતની જેમ જ શક્તિપૂજાનું વિશેષ મહત્ત્વ છે. અહીં એક મોટો પંડાલ બનાવવામાં આવે છે. તેમાં દુર્ગામાતાની વિશાળ મૂર્તિ મૂકવામાં આવે છે અને દરરોજ તેની પૂજા કરવામાં આવે છે. બંગાળમાં શક્તિપૂજાનું પ્રચલન આદિકાળથી ચાલતું આવે છે. શક્તિપૂજાનાં પ્રતીક દેવી પોતાના ખડશસ્ત્રથી મહિષાસુરનો સંહાર કરીને મહિષાસુરમર્દિની કહેવાઈ. ત્રિમંગ દેવી દુર્ગાશક્તિની અધિષ્ઠાત્રી છે. તેમની સાથે પદ્મહસ્તા લક્ષ્મી, દેવી સરસ્વતી, ગણેશ અને કાર્તિકેય બિરાજમાન હોય છે. દુર્ગાના સાંનિધ્યમાં આસન ગ્રહણ કરતી દેવી લક્ષ્મી ધન અને સરસ્વતી વિદ્યાની પ્રતીક છે. ગણેશજી હંમેશાં વિઘ્નનો વિનાશ કરનારા શુભ દેવતા છે, જ્યારે કાર્તિકેય જીવનમાં વિનયના પ્રતીક છે. આ જેટલી પણ મૂર્તિઓ છે તે આપણા જ્ઞાનનું પ્રતીક છે. જો મહિષાસુર અન્યાય, અત્યાચાર અને અધર્મનો પ્રતીક છે તો દુર્ગાશક્તિ ન્યાય અને અધર્મનો પ્રતિકાર કરે છે. દુર્ગાપૂજાના ઇતિહાસમાં ડોકિયું કરીએ તો જાણવા મળે છે કે બંગાળમાં દુર્ગાપૂજા ક્યારથી શરૂ થઈ. જોકે, આ અંગે વિદ્વાનોમાં જુદાજુદા મત પ્રવર્તે છે. એક મત મુજબ 1970ની સાલમાં પહેલી વાર કલકત્તાની પાસે હુગલીના બાર બ્રાહ્મણોએ દુર્ગાપૂજાના સામૂહિક અનુષ્ઠાનની શરૂઆત કરી હતી. ઇતિહાસકારોનું માનવું છે કે બંગાળમાં દુર્ગોત્સવ માટે મૂર્તિનિર્માણની પરંપરાની શરૂઆત અગિયારમી શતાબ્દીમાં થઈ હતી. આજે બંગાળ સહિત સમગ્ર દેશમાં સાંસ્કૃતિક વૈભવના આ પર્વને જનજીવનમાં વ્યાપ્ત કરવાનું શ્રેય 158૩ની સાલમાં તાહિરપુરના મહારાજા કંસનારાયણને આપવામાં આવે છે. એવું પણ કહેવામાં આવે છે કે તે દુર્ગાપૂજાના ઇતિહાસની પ્રથમ વિશાળ પૂજા હતી.


  • Follow us on: