- આપણે બીજાને બતાવી દેવા આપણું વર્ચસ્વ કે પ્રભાવ ઊભો કરીશું તો આપણોય કોઈ વારો લેવાનું જ છે
પોતાના શત્રુઓ કે વિરોધીઓનો સામનો કઈ રીતે કરવો એ વિશે ભીષ્મે શાંતિપર્વમાં અનેક વાર જુદી જુદી ટિપ્સ આપી છે. ભીષ્મ યુધિષ્ઠિરને જ્ઞાન આપે છે કે એક લીડર તરીકે તેના માટે તેના શત્રુઓ કે વિરોધીઓ સામે જીતી જવા કરતાં ટકી જવું વધુ મહત્ત્વનું છે, કારણ કે કોઈ પણ સ્પર્ધા કે સંઘર્ષમાં જીત કે હાર એ તો બે અંતિમો છે. એટલે આવાં અંતિમો પર જીવનમાં એકાદ-બે વાર જ પહોંચવાનું આવે, પરંતુ દ્વંદ્વો તો આપણી આસપાસ સતત ચાલુ જ હોય છે અને એ દ્વંદ્બોમાં ટકી રહેવું એ પણ લીડર માટે એટલું જ મહત્ત્વનું છે.
એવા સમયે ભીષ્મ કહે છે કે આપણા વિરોધીઓ, શત્રુ કે સ્પર્ધક સાથે સીધી રીતે કોઈ લડાઈમાં ઊતરી પડવું એ વેસ્ટ ઑફ ટાઈમ તો ખરો જ, પરંતુ આવા દ્વંદ્વોમાં આપણી ઊર્જા પણ ઘણી વેડફાઈ જતી હોય છે. જેને કારણે આખરે આપણે બીજી નોન પ્રોડક્ટિવ બાબતો તરફ ફંટાઈ જઈએ છીએ અને સાવ મીડિયોકર લોકો સાથેની એવી જ મીડિયોકર લડાઈમાં ઊતરીને મીડિયોકર બની જતાં હોઈએ છીએ. એના કરતાં આવી લડાઈઓ કે સંઘર્ષો સીધી રીતે કરવા કરતાં આડકતરી રીતે કરવા અને પોતાના વિરોધીઓ, સ્પર્ધકો કે શત્રુઓને સાવ નાંખી દેવા જેવી બાબતોમાં વ્યસ્ત રાખવા અને ગેરમાર્ગે દોરવા.
આ માટે ભીષ્મે બે ટિપ્સ આપી છે. તેઓ કહે છે કે દર વખતે કંઈ તમારો સ્પર્ધક કે શત્રુ કે વિરોધી એ બહારનો માણસ નથી હોતો કે તેને એક વાર કટ ટુ સાઈઝ કરીને તમે આગળ વધી શકો. મોટાભાગે તો આવા લોકો તમારી આસપાસના, તમારા સંબંધી-કુટુંબીજનો કે તમારા ઓળખીતા-પાળખીતા જ હોવાના. પણ એમની ન્યૂસન્સ વેલ્યૂ ઘણી હોય છે. એમના માટે ભીષ્મ કહે છે કે તેઓ હંમેશાં તમારી વાતો અને તમારા આચરણ પર બાજનજર રાખીને બેઠા હોય છે. તમે શું બોલો છો, કેવી વાતો કરો છો કે તમે કયા પ્રકારનું જીવન જીવો છો એના પરથી તેઓ કેટલાંક જજમેન્ટ લેતા હોય છે અને તમારા જીવનમાં તરંગો અને કેટલાક કિસ્સામાં વમળો સર્જતાં હોય છે. આવા લોકોના માટે ભીષ્મ કહે છે કે તમારા અમુક મૂવ્સ વિશે તેમને ગંધ જ ન આવવા દો. અને આ માટે તમારે હંમેશાં ગેરમાર્ગે દોરવા. જેને માટે તેમની સાથે કોઈ ભળતા જ મુદ્દા ચર્ચા અથવા તેમના સુધી સાવ ખોટી માહિતી જાય એ પ્રકારની વાતો કરો.
આવા કિસ્સામાં તો ભીષ્મ કોમ્યુનિકેશન જ ઓછું કે નહીંવત્ કરી દેવાની સલાહ આપે છે, પરંતુ સાથે તેઓ એમ પણ કહે છે અનેક કિસ્સામાં લીડરે જાણ્યે કે અજાણ્યે પ્રત્યક્ષ કે પરોક્ષ કોમ્યુનિકેશન્સ કરવાનાં થાય જ તો હંમેશાં તમારા સ્પર્ધકો ગેરમાર્ગે દોરાયેલા રહે એવી માહિતી પ્લાન્ટ કરતા રહો. જેથી તમારા સ્પર્ધકો કે વિરોધીઓનું લશ્કર ભળતે જ મોરચે લડતું રહે.
તો આ સિવાય તેઓ એક સલાહ એમ આપે છે કે તમારા વિરોધીઓ કે સ્પર્ધકોની આસપાસના કે તેમની નજીકના માણસો સાથે એક જુદા સ્તરનો સંબંધ બનાવેલો રાખો. એમાં જો પછી એ લોકોની કોઈ નાની-મોટી રિક્વાર્યમેન્ટ્સ પૂરી પણ કરવાની હોય તો સ્ટ્રેટેજીના ભાગરૂપે એ રિક્વાર્યમેન્ટ્સ પૂરી કરી દો, પરંતુ તમે જ્યારે આવું કરો છો ત્યારે તમારા વિરોધી કે સ્પર્ધકની કથની અને કરની વચ્ચેના ભેદ વિશે તમે હંમેશાં માહિતગાર રહો, કારણ કે તમારો સ્પર્ધક પણ સ્માર્ટ હોવાનો જ. દરેક કિસ્સામાં કંઈ એ નિખાલસ કે નાદાન નહીં હોય કે એ પણ તમને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન નહીં કરતો હોય.
જો એ પણ તમને ગેરમાર્ગે દોરતો રહેતો હોય તમે હંમેશાં અમુક પ્રકારની માથાકૂટોમાં વ્યસ્ત રહેશો અને તમારા સ્પર્ધકો તમારી એ વ્યસ્તતાનો કે તમારા ગેરમાર્ગે દોરાયેલા રહેવાનો લાભ ઉઠાવતા રહેશે. એના કરતાં પંચાતના કે કોન્સ્પિરસીના ભાગરૂપે ભલે નહીં, પરંતુ સહજ રીતે પણ તમને તમારા સ્પર્ધક કે વિરોધીના સમાચાર મળતા રહે છે તો તમને અમુક ગણતરીઓ કરવામાં કે અમુક મૂવ્સ લેવામાં મદદ રહેશે અને તમે હંમેશાં તમારું એક આગવું પ્રભુત્વ કે આગવો પ્રભાવ જાળવી શકશો.
આફ્ટરઑલ તમારો પ્રભાવ જ તમારી કિંમત નક્કી કરતો હોય છે અને મોટાભાગની લડાઈઓ પોતાનું વર્ચસ્વ કે પ્રભાવ જાળવી રાખવા માટેની જ હોય છે. બાકી, જીવનના એક તબક્કે કોઈ પદ પર આરૂઢ થઈ ગયા પછી કે બિઝનેસમાં કે કામમાં અમુક અનુભવો મેળવી લીધા પછી બીજી કોઈ ઝાઝી લડાઈ તો રહેતી જ નથી.
અલબત્ત, વર્ચસ્વવાદને કઈ રીતે લેવો એ પણ આપણા પર છે, કારણ કે આપણે જો બીજાને બતાવી દેવા કે બીજાને પાડી દેવા આપણું વર્ચસ્વ કે પ્રભાવ ઊભો કરવાનો પ્રયત્ન કરીશું તો આપણોય કોઈ વારો લેવાનું જ છે. આખરે કર્મનો સિદ્ધાંત અહીં જ તો કામ કરતો હોય છે પરંતુ આપણે ડિઝર્વિંગ હોઈએ કે આપણું મેરિટ ઘણું ઊંચું હોય કે આપણી નીતિ યોગ્ય હોય છતાંય જો કોઈ આપણને હાંસિયામાં ધકેલવાનો પ્રયત્ન કરે કોઈ આપણા પર હાવી થવાનો પ્રયત્ન કરે ત્યારે આપણા માટે ભીષ્મે આપેલી સલાહનું અનુસરણ કરવું મહત્ત્વનું થઈ જાય છે. નહીંતર પછી આપણા અસ્તિત્વની કે આપણા કામની ક્યારેય કદર નહીં થાય.