ફરી એકવાર રયાન રેનોલ્ડ્સ અને હ્યૂ જેકમેન સાથે સ્ક્રીન શેર કરશે
આ વર્ષના જુલાઇ મહિનામાં જ એમસીયુની બેમિસાલ ફિલ્મ `ડેડપૂલ એન્ડ વુલ્વરિન' આવી હતી. શોન લેવીના નિર્દેશનમાં બનેલી ફિલ્મમાં રયાન રેનોલ્ડ્સ અને હ્યૂ જેકમેન જોવા મળ્યા હતા. આ ફિલ્મ બાદ બંને જણા ફરીથી સ્ક્રીન સાથે શેર કરવાના છે. આ બંને સ્ટારને ફરીથી સ્ક્રીન પર જોવા માટે તેમના ફેન્સ આતુર જણાઇ રહ્યા છે.
એક મીડિયા રિપોર્ટ પ્રમાણે રયાન રેનોલ્ડ્સ એક ફિલ્મ પર કામ કરી રહ્યા છે, જેમાં પોતાના `ડેડપૂલ એન્ડ વુલ્વરિન' ફિલ્મના સહઅભિનેતા હ્યૂ જેકમેન અને નિર્દેશક શોન લેવી સાથે કામ કરવાના છે. જોકે, આ માર્વેલ્સની ફિલ્મ નથી. જે બાબતે ખુદ રેનોલ્ડ્સે કહ્યું છે કે, એમસીયુને આ ફિલ્મથી કંઇ લેવાદેવા નથી. થોડા દિવસ પહેલાં જ રયાન રેનોલ્ડ્સે એક ઈન્ટરવ્યૂમાં પોતાની આગામી ફિલ્મી પ્રોજેક્ટ્સ વિશે વાત કરી હતી. જેમાં તેમણે ઉત્સાહભેર જણાવ્યું હતું કે, તેઓ છેલ્લા એક વર્ષથી ફિલ્મ લખી રહ્યા છે અને તે ફિલ્મ તે હ્યૂ જેકમેન અને શોન લેવી માટે લખી રહ્યા છે. ખેર, હવે જોવું રહ્યું કે આ ફિલ્મ કયા વિષય ઉપર હશે અને તેને દર્શકો આવકારશે કે કેમ?
ડ્વેન જોન્સન (રોક)ની જુમાંજી 3 માટે હજી થોડીક રાહ જોવી પડશે
હોલિવૂડમાં ગેમ આધારિત ફિલ્મમાં જુમાંજી ફ્રેન્ચાઇઝી બ્લોકબસ્ટર સાબિત થઇ છે. નજીકના ભવિષ્યમાં જ ડ્વેન જોન્સન, કેવિન હાર્ટ, જેત બ્લેક અને કરેન ગિલન ફિલ્મ જુમાંજી 3 લઇને આવી રહ્યા છે. નિર્દેશક જેક કાસડન કે જેમણે વર્ષ 2017માં `જુમાંજી : વેલકમ ટુ ધ જંગલ' અને વર્ષ 2019માં `જુમાંજી : ધ નેક્સ્ટ લેવલ'નું નિર્દેશન કર્યું હતું. તેઓ ફરીથી આ ફિલ્મનું નિર્દેશન કરી રહ્યા છે. મૂળ આ જુમાંજી 3 હવે 11 ડિસેમ્બર, 2026ના રોજ દુનિયાભરનાં સિનેમાઘરોમાં રિલીઝ થવા જઇ રહી છે. ફિલ્મ નિર્માતા હિરામ ગાર્સિયાએ વર્ષ 2021માં જ જુમાંજી 3 માટેના સંકેતો આપ્યા હતા. તેમણે આ પ્રોજેક્ટ વિશે ઉત્સાહ પણ વ્યક્ત કર્યો હતો. તેમણે તે સમયે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, `અમારી પાસે આગામી જુમાંજી માટે મોટું વિઝન છે, તેથી જ અમે તે માટે વિશેષ ઉત્સાહી છીએ. ટૂંક સમયમાં જ અમે જુમાંજી 3 પર કામ કરીશું.' અલબત્ત, જુમાંજી ફ્રેન્ચાઇઝીના ફેન્સે હજી 2026 સુધી રાહ જોવી પડશે!
હોલિવૂડની સુપર હીરોની ફિલ્મમાં હવે નેક્સ્ટ શું હશે? : ટોમ હેન્ક્સ
હોલિવૂડમાં ટોમ હેન્ક્સનું નામ ખૂબ જ આદરથી લેવામાં આવે છે. તેઓ માત્ર હોલિવૂડ સુપરસ્ટાર જ નહીં, પરંતુ નિર્માતા, લેખકની સાથે સાથે નિર્દેશક પણ છે. થોડા દિવસ પહેલાં તેમણે સુપર હીરોની ફિલ્મો વિશે પોતાનો મત રજૂ કર્યો હતો, જે ટોક ઓફ ધ ફિલ્મ ઈન્ડસ્ટ્રી છે. ટોમ હેન્ક્સના જણાવ્યા પ્રમાણે લોકો હવે સુપર હીરો અને વીએફએક્સનો તમાશો જોવા કરતાં તેમાં રહેલી સારી સ્ટોરી પર વધુ ધ્યાન કેન્દ્રિત કરે છે. દર્શકો હવે એ સ્પષ્ટપણે જાણવા માંગે છે કે, ફિલ્મની સ્ટોરીમાં શું ખાસ છે? અને થીમ શું છે? તેમણે વધુમાં જણાવ્યું હતું કે, `આપણી પાસે સુપર હીરોને એક્સ્પ્લોર કરવા માટે 20 વર્ષ હતાં, હવે આપણે એવી જગ્યા પર છીએ જેમાં દર્શકો સવાલ કરે છે કે આખરે ફિલ્મની સ્ટોરી શું છે અને ફિલ્મ બનાવવા પાછળનો તમારો મૂળ ઉદ્દેશ શું છે?' નોંધનીય છે કે, ટોમ હેન્ક્સે એન્ડ્ર્યૂ બેકેટની ફિલાડેલ્ફિયા, ફોરેસ્ટ ગંપમાં ભજવેલી મુખ્ય ભૂમિકાથી ખૂબ જ પ્રસિદ્ધિ મળી હતી. અલબત્ત, તેમને આ બે ફિલ્મો માટે બેસ્ટ એક્ટર તરીકેનો અકાદમી પુરસ્કાર પણ મળ્યો હતો.










