20 જાન્યુઆરી, 2017ના એક સમયના અમેરિકાના પ્રેસિડન્ટ બિલ ક્લિન્ટનની પત્ની હિલેરી ક્લિન્ટનને માત આપીને ડોનાલ્ડ ટ્રમ્પ પહેલીવાર અમેરિકાના 45મા પ્રેસિડન્ટ તરીકે ચૂંટાઈ આવ્યા. હવે એમણે એમની પ્રતિસ્પર્ધી કમલા હેરિસને હરાવીને બીજી વાર પ્રેસિડન્ટ પદ પ્રાપ્ત કર્યું છે. 20મી જાન્યુઆરી, 2025ના દિવસે 14મી જૂન, 1946માં ન્યૂયોર્કના ક્વીન્સ વિસ્તારમાં જેમનો જન્મ થયો હતો
એ ડોનાલ્ડ ટ્રમ્પ બીજી વાર અમેરિકાનું પ્રેસિડન્ટ પદ સંભળાશે. પિતા ફ્રેડ ટ્રમ્પ અને માતા મેરી એન મેકલોડ ટ્રમ્પના સંતાન ડોનાલ્ડ ટ્રમ્પે `યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયા'ની વોર્ટન સ્કૂલમાંથી ઈકોનોમિક્સમાં વર્ષ 1968ના મે મહિનામાં બેચલરની ડિગ્રી પ્રાપ્ત કરી છે. એમણે ત્રણ લગ્ન કર્યાં છે. ઝેક મોડેલ ઈવાના ઝેલનિકોવા સાથે એમણે વર્ષ 1977માં પ્રથમ લગ્ન કર્યાં હતાં. એમનાથી એમને ત્રણ બાળકો પ્રાપ્ત થયાં છે. વર્ષ 1990માં એમણે ઈવાના ઝેલનિકોવાથી છૂટાછેડા મેળવ્યા અને 1993માં એક્ટ્રેસ માર્લા મેપલ્સ સાથે બીજી વાર લગ્ન કર્યાં. એ લગ્નથી એમણે એક સંતાન છે. ટ્રમ્પે એક્ટ્રેસ માર્લા મેપલ્સને પણ 1999માં છૂટાછેડા આપ્યા અને વર્ષ 2005માં એક સ્લોવેનિયન મોડેલ મિલાનિયા સાથે તૃતીય લગ્ન કર્યાં. એમનાથી પણ એમને એક સંતાન છે. ટ્રમ્પ એમ કહે છે કે ગોલ્ફની રમત એમના માટે કસરત કરવાની પ્રક્રિયા છે. કસરત કરવા માટે એમને કોઈ જિમમાં જવાની જરૂર નથી. ગોલ્ફ કોર્સ જ એમનું જિમ છે. એમનું એવું પણ કહેવું છે કે એમણે જિંદગીમાં કદીયે દારૂ પીધો નથી. સિગારેટનો એક કસ પણ લીધો નથી અને ડ્રગ્સનું સેવન તો કર્યું જ નથી. પ્રેસિડન્ટ પદ સંભાળ્યું એ પહેલાં એમણે લગભગ 11 વર્ષ સુધી `ધ એપ્રેન્ટિસ' અને `ધ સેલિબ્રિટી એપ્રેન્ટિસ' આ શીર્ષકો ધરાવતા બે રિઆલિટી ટીવી શો પ્રોડ્યુસ કર્યા હતા અને એના હોસ્ટ પણ બન્યા હતા. ટ્રમ્પ વિશે અનેક જાણીતા લેખકો અને પ્રખ્યાત જર્નાલિસ્ટોએ અસંખ્ય પુસ્તકો લખ્યાં છે.
પ્રથમ વાર ડોનાલ્ડ ટ્રમ્પે જ્યારે અમેરિકાનું પ્રેસિડન્ટ પદ સંભાળ્યું ત્યારે કોઈએ ધાર્યું નહોતું એવું પગલું એમણે વર્ષ 2020માં એક એક્ઝિક્યુટિવ ઓર્ડર બહાર પાડીને ભર્યું. 13 મુસ્લિમ દેશના વતનીઓને એમણે અમેરિકામાં પ્રવેશવા ઉપર પાબંદી લાદી. ઈમિગ્રન્ટ તરીકે તો શું, પણ નોન-ઈમિગ્રન્ટ તરીકે પણ, થોડા સમય માટે પણ આ 13 દેશના મુસ્લિમ નાગરિકોને અમેરિકામાં પ્રવેશ ન આપવો એવો એક્ઝિક્યુટિવ ઓર્ડર બહાર પાડીને ટ્રમ્પે જાહેર કર્યું કે આ દેશના વતનીઓને રેફ્યુજી સ્ટેટ્સ પણ ન આપવો. અમેરિકાના ઈમિગ્રેશનના ઓફિસરોને એમણે `જીરો ટોલરન્સ' વ્યવહાર અપનાવવાનું જણાવ્યું. અમેરિકાના 44મા પ્રેસિડન્ટ બરાક ઓબામાએ પરદેશી બાળકો માટે જે `ડિફર્ડ એક્શન ઓફ ચાઈલ્ડહૂડ અરાઈવલ્સ' પ્રોગ્રામ ઘડ્યો હતો એને ટ્રમ્પે અટકાવ્યો.
`અમેરિકા ફોર અમેરિકન્સ' આ કથનના સપોર્ટમાં એમણે `એચ-1બી'વિઝા, જેની ઉપર દર વર્ષે 85,000 સ્પેશિયાલિટી ઓક્યુપેશન ગ્રેજ્યુએટ પરદેશી વર્કરો અમેરિકામાં કામ કરવા આવતા હતા એ `એચ-1બી' વિઝાની લાયકાતોમાં એમણે વધારાઓ કરીને એ વિઝા મેળવવાનું મુશ્કેલ બનાવ્યું.
ડોનાલ્ડ ટ્રમ્પે એવું જાહેર કર્યું કે ઈમિગ્રન્ટોએ અમેરિકાને `કચરાનો ડબ્બો' (ગાર્બેજ કેન) બનાવી નાખ્યો છે. ઈમિગ્રન્ટો `ક્રિમિનલ' હોય છે. અમેરિકામાં વસતા પચાસ લાખથી વધુ ઈલ્લિગલ ઈમિગ્રન્ટોને હું જેવું પ્રેસિડન્ટ પદ સંભાળીશ કે તરત જ અમેરિકા બહાર મોકલી આપીશ.
ટ્રમ્પનાં આવાં વચનોથી સમગ્ર વિશ્વમાં ખળભળાટ મચી ગયો છે. અનેકોનાં અમેરિકન સ્વપ્નાં અધ્ધર થઈ ગયાં છે.
અમેરિકામાં ગેરકાયદેસર પ્રવેશવું, ત્યાં ગેરકાયદેસર કામ કરવું, કાયદેસર પ્રવેશીને પછી ત્યાં રહેવા માટે જેટલો સમય આપવામાં આવ્યો હોય એ પૂરો થતાં સ્વદેશ પાછા ન જવું, એક પ્રકારના નોન-ઈમિગ્રન્ટ વિઝા મેળવીને અમેરિકામાં પ્રવેશ્યા બાદ બીજા પ્રકારના નોન-ઈમિગ્રન્ટ વિઝા ઉપર જે સ્ટેટ્સ પ્રાપ્ત થાય એ મેળવવા. ખોટાં કારણો આપીને અરજી કરવાની તેમજ ખોટાં કારણો આપીને અમેરિકામાં રહેવા માટે આપવામાં આવેલો સમય લંબાવવો, નોન-ઈમિગ્રન્ટ સ્ટેટ્સમાંથી પૂર્વનિયોજિત ઈરાદાઓ ધરાવીને અમેરિકામાં પ્રવેશ્યા બાદ ઈમિગ્રન્ટ સ્ટેટ્સ મેળવવાની અરજી કરી, અમેરિકાનું નાગરિકત્વ મળે એ માટે પોતે ગર્ભવતી છે એ વાત છુપાવીને અમેરિકામાં પ્રવેશીને બાળકને અમેરિકાની ધરતી ઉપર જન્મ આપવો, સગાંવહાલાંનાં બાળકોને અમેરિકાનું નાગરિકત્વ અપાવવા માટે દત્તક લેવાં, અમેરિકન સિટીઝનો જોડે ફક્ત ગ્રીનકાર્ડ મેળવવા માટેના ઈરાદાઓથી લગ્ન કરવાં, આ સઘળું ગેરકાયદેસર છે. આ અટકાવવા માટે જે જરૂરી પગલાં લેવાં જોઈએ એ લેવડાવવાનો અમેરિકાના દરેક પ્રેસિડન્ટે પ્રયાસ કર્યો છે, પણ ડોનાલ્ડ ટ્રમ્પ જે રીતે, જાણે કે તેઓ વેર વાળતા હોય એ રીતે ઈમિગ્રન્ટો પ્રત્યે ઘૃણા સેવે છે અને ઈલ્લિગલ ઈમિગ્રન્ટોને બચાવની તક આપ્યા સિવાય અમેરિકા બહાર મોકલી આપવા માગે છે એ વાત અનેકોને અજુગતી લાગે છે.
આમ જુઓ તો અમેરિકાને ઈમિગ્રન્ટોની ખૂબ જ જરૂર છે. કોલંબસે શોધેલ આ દેશ કંઈ અમસ્તો ઈમિગ્રન્ટોનો દેશ નથી કહેવાતો. આજે અમેરિકાના દરેકેદરેક કાર્યક્ષેત્રમાં ઈમિગ્રન્ટો કામ કરી રહ્યા છે અને એમાંના ખૂબ મોટી સંખ્યામાંના પરદેશીઓ ઈલ્લિગલી પણ કામ કરી રહ્યા છે, પણ અમેરિકાને એ કામ કરનારાઓની જરૂર છે. આથી જ તેઓ ઈલ્લિગલ ઈમિગ્રન્ટોને પણ પોતાને ત્યાં નોકરીમાં રાખે છે. આમ, ઈલ્લિગલ ઈમિગ્રન્ટોને અમેરિકામાં પ્રવેશ માટે, ત્યાં ગેરકાયદેસર રહેવા માટે, ગેરકાયદેસર કામ કરવા માટે ઘણા મોટા પાયે અમેરિકનો ખુદ પણ જવાબદાર છે.
ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના આ ઈલ્લિગલ ઈમિગ્રન્ટોના શાશ્વત પ્રશ્નનો કેવો ઉકેલ આણે છે એ તો ટ્રમ્પ જ્યારે 20મી જાન્યુઆરી, 2025ના અમેરિકાનું પ્રેસિડન્ટ પદ બીજી વાર સંભાળશે અને ત્યારબાદ જે જે પગલાં લેશે એ પછી જ જાણવા મળશે.