કોઇ પણ દેશના ઈતિહાસને વધુ સારી રીતે જાણવા અને સમજવા માટે જો તે સમયની વસ્તુઓ મળી જાય તો તે સમયના ઈતિહાસને વધુ સારી રીતે જાણી શકાય છે. થોડા દિવસ પહેલાં જ ઈંગ્લેન્ડમાં જ્યારે ખોદકામ કરવામાં આવ્યું હતું ત્યારે જે પગરખાં મળ્યાં તેની નોંધ આખું વિશ્વ લઇ રહ્યું છે. ઈંગ્લેન્ડમાં મેગ્ના નામનો એક રોમન કિલ્લો આવેલો છે. હાલમાં ત્યાં ખોદકામ કરતાં જે પગરખાં મળ્યાં છે તે 2000 વર્ષ કરતાં જૂનાં હોવાનું માલૂમ પડ્યું છે. આ કિલ્લો અંદાજિત ઈ.સ 112ની આસપાસ બનાવવામાં આવ્યો હતો. પુરાતત્ત્વવિદોના જણાવ્યા પ્રમાણે મળેલા પગરખાં ખાઈમાં પડ્યાં હતાં. આ પગરખાં રોમન સૈનિકનાં હોવાનું તારણ મળ્યું છે અને તે ખૂબ જ મોટાં છે. પગરખાંની સાઇઝ 12.6 ઈંચ છે. આ પગરખાંથી તે સમયના ઈતિહાસને વધુ સારી રીતે જાણી શકાશે. મળેલ પગરખાંના સોલ (તળિયું) હજુ પણ સહી સલામત છે. નોંધનીય છે કે તે સમયે પગરખાંના તળિયામાં ચામડાની ઘણી પરત લગાડવામાં આવતી હતી. હજી પણ અહીં ખોદકામ ચાલુ છે અને અહીંથી પ્રાચીન વાસણો, લાકડાના કાંસકાઓ અને માર્બલની કેટલીક વસ્તુઓ મળી રહી છે. મૂળ આ વસ્તુથી ઈતિહાસને નવો વળાંક મળવાની શક્યતા છે.
આ નોકરીમાં તમારે તમારું જંગલીપણું બતાવવાનું છે
આજના કેટલાક યુવાનોની સમસ્યા હોય છે કે, તેમને નોકરી નથી મળતી અને જો તેમને નોકરી મળે છે તે તેમને ગમતી નથી, પરંતુ ચીનમાં એક એવી નોકરી મળી રહી છે જે માટે યુવાનો રીતસરની લાઇન લગાવી રહ્યા છે. આ નોકરીમાં પ્રતિ એક દિવસ તમને 500 યુઆન (અંદાજિત 5000થી 6000 રૂપિયા) આપવામાં આવે છે. બસ, આ નોકરીમાં તમારે જંગલી બનવાનું છે અને કાચું ખાવાનું છે. વધુમાં તમારે એક શબ્દ પણ બોલવાનો નથી, માત્ર જંગલી પ્રાણીઓની જેમ ઘૂરકિયાં કરવાનાં છે. મધ્ય ચીનના હુબેઇ પ્રાંતમાં આવેલા શેનનોન્ગજિયા નેશનલ નેચર રિઝર્વ પોતાના વિશાળ જંગલ માટે પ્રખ્યાત છે. નોકરીવાંછુએ અહીં જંગલમાં આવતા પર્યટકો સાથે જંગલીઓની જેમ કપડાં પહેરીને જંગલીઓની જેમ વર્તવાનું છે. સાથે સાથે જંગલી ડાન્સ કે પાગલપન જેવી હરકતો કરીને પર્યટકોનું મનોરંજન કરીને તેમની સાથે ફરવાનું છે. જે પર્યટકો તમને ખાવા માટે જે કંઇ પણ કાચું-પાકું આપે તે ખાઇ લેવાનું છે. બસ, તમારે બોલવાનું કંઇ નથી. તમને જાણીને નવાઈ લાગશે કે આ નોકરી મેળવવા માટે 10 હજારથી પણ વધુ લોકોએ આવેદન આપ્યું છે અને તેમાં હજી પણ ક્રમશઃ વધારો થઇ રહ્યો છે. તો તમે આવી જંગલી નોકરી કરવા તૈયાર છોને?
બાળકને ફેમસ કરવા કરોડોનાં પોસ્ટર બનાવ્યાં!
દ રેક મા-બાપને પોતાનાં બાળકો ખૂબ જ વહાલાં લાગતાં હોય છે. મા-બાપ પોતાના બાળકને હંમેશાં ખુશ રાખવા માંગતાં હોય છે અને તેની તમામ જીદ પૂરી કરવા માટે તત્પર હોય છે. જોકે, જાપાનમાં એક પિતાએ તેના બાળકને આખું શહેર ઓળખી શકે તે માટે શહેરભરમાં પાંચ કરોડ રૂપિયા કરતાં પણ વધુનાં પોસ્ટરો લગાવડાવ્યાં છે. આ પોસ્ટર ન માત્ર હોર્ડિંગ્સ પર લગાવ્યાં છે, પરંતુ આ પોસ્ટરને દુકાનો અને બસમાં પણ લગાવડાવ્યાં છે. આ પોસ્ટર બાળકનું નામ યૂ કુન છે અને તેનાં અધધ પોસ્ટર્સના કારણે તેને લોકો `ધ લેન્ડમાર્ક કિડ' કહીને બોલાવે છે. જોકે, આ પોસ્ટર્સમાં ટિ્વસ્ટ એ છે કે, આ બાળક હવે 16 વર્ષનો થઇ ગયો છે અને હવે તેને પોતાના જ બાળપણનાં પોસ્ટર્સ જોઇને શરમ આવે છે. તો કુનના પિતાનું કહેવું છે કે કુન જ્યારે નાનો હતો ત્યારે ખૂબ જ ક્યૂટ લાગતો હતો અને મેં વિચાર્યું કે મારા દીકરાને આખું ટોક્યો શહેર જુએ! બસ, કુનના બાળપણથી અત્યાર સુધી આખા સિટીમાં કુનના બાળપણનાં જ પોસ્ટર્સ દેખાઈ રહ્યાં છે. છેને ગજબ બાપ?