ગુજરાતનાં અમદાવાદ ખાતેનાં કોલ સેન્ટરોમાંથી ચાલતા ટેલિફ્રોડ સ્કેમમાં અમેરિકી સત્તાવાળાઓએ 21 ભારતીયોને 4થી 20 વર્ષની કેદ ફટકારી છે. ભારતસ્થિત કોલ સેન્ટરોમાંથી ચાલતા આ કૌભાંડના ભાગરૂપે આ કોલ સેન્ટરો દ્વારા અમેરિકન નાગરિકો અને લીગલ ઇમિગ્રન્ટને સરકારને ન ચૂકવેલાં નાણાં માટે ધરપકડ, દેશનિકાલ, જેલ અને દંડ જેવી ધમકીઓ આપી નાણાં પડાવવામાં આવતાં હતાં. સજા પામેલા તમામ 21 ભારતીય કે ભારતીય મૂળના અમેરિકનો છે. તેમાંના કેટલાકને જેલની સજા પૂરી થયા પછી ભારત પરત મોકલી દેવાશે. આ તમામ અમદાવાદમાં આવેલાં કોલ સેન્ટરો સાથે સંકળાયેલા હતા. ટેક્સાસની ફેડરલ કોર્ટમાં પાંચ દોષિતોને સજાની સુનાવણી કરાઈ હતી. આ રીતે આ કૌભાંડમાં સજા મેળવનાર દોષિતોની સંખ્યા 24 પર પહોંચી છે. અમેરિકામાં પહેલી વાર એકસાથે એક જ કેસમાં આટલી સંખ્યામાં ભારતીયો કે ભારતીય મૂળના અમેરિકનોને સજા કરાઈ છે. સજાની સુનાવણી કરતાં યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસે જણાવ્યું હતું કે, આ કેસમાં કુલ 32 ભારતીય આરોપી છે. તેમાંના કેટલાક હજુ ભારતમાં જ હોવાથી તેમની સામે ખટલો ચલાવી શકાયો નથી.

ઇન આંખોં કી મસ્તી કે મસ્તાને હજારોં હૈ : ઉમરાવ જાનનું પુનરાગમન

જાજરમાન અભિનેત્રી રેખાના અભિનયથી ઓપતી અને હિન્દી ફિલ્મ ઉદ્યોગની ક્લાસિક ગણાતી ફિલ્મ `ઉમરાવ જાન'નું ફિલ્મી પડદે પુનરાગમન થયું છે. આ પ્રસંગે ફિલ્મના ડાયરેક્ટર મુઝફ્ફર અલી અને પાર્શ્વગાયિકા આશા ભોંસલેએ રેખા સાથે સંસ્મરણોને તાજાં કર્યાં હતાં. 91 વર્ષનાં આશા ભોંસલે અને તેમનાથી 20 વર્ષ નાનાં રેખા 44 વર્ષ બાદ જાહેર કાર્યક્રમમાં સાથે જોવા મળ્યાં હતાં. `ઉમરાવ જાન'ની આ ત્રિપુટીએ રેખાના જીવન આધારિત કોફી ટેબલ બુકને લોન્ચ કરી હતી. સદાબહાર એક્ટ્રેસ રેખાની યાદગાર `ઉમરાવ જાન' 1981માં રિલીઝ થઈ હતી. હવે આ ફિલ્મને 4K વર્ઝનમાં તૈયાર કરીને 27 જૂનથી ફરી રિલીઝ કરાઇ છે. નવા વર્ઝન સાથે જાજરમાન `ઉમરાવ જાન'ની પ્રી-રિલીઝ ઈવેન્ટનું મુંબઈ ખાતે આયોજન થયું હતું. રેખા અને ડાયરેક્ટર મુઝફ્ફર અલીએ ઈવેન્ટમાં આકર્ષણ જમાવ્યું હતું. આ પ્રસંગે એ. આર. રહેમાન, અનિલ કપૂર, હેમા માલિની, તનુજા, રાજ બબ્બર, ઈલા અરુણ સહિત અનેક સેલિબ્રિટીઝે હાજરી આપી હતી.

તમારી રજા, અમારી સજા : સ્પેન, ઇટલી, પોર્ટુગલમાં `ઓવર ટૂરિઝમ'નો સ્થાનિક લોકો દ્વારા વિરોધ

જે રીતે યુરોપ તરફ પ્રવાસીઓનો ધસારો વધ્યો છે ત્યારે યુરોપના સ્પેન, ઈટલી અને પોર્ટુગલે `ઓવર ટૂરિઝમ'નો વિરોધ કર્યો છે. વધતા જતા ટૂરિઝમને કારણે ત્યાં મકાનોના ભાવ ખૂબ વધી ગયા છે. જેની સીધી અસર ત્યાં રહેતા સામાન્ય લોકો પર પણ પડે છે. ખાસ ઈટલી, સ્પેન અને પોર્ટુગલના સ્થાનિકોએ વિરોધ નોંધાવતાં જણાવ્યું છે કે બહારથી આવતા લોકોના ધસારાને કારણે અહીં તમામ વસ્તુઓ મોંઘી થઈ ગઈ છે. થોડા સમય માટે આવતા પ્રવાસીઓને કારણે અહીંના માર્કેટ કાયમી ધોરણે મોંઘાં થઈ ગયાં છે. ખાસ કરીને રહેવા માટે ઘરોની કિંમત આસમાની ભાવોને સ્પર્શી રહી છે. યુરોસ્ટેટના જણાવ્યા અનુસાર એક વર્ષમાં 45 કરોડ લોકો ઈટલીમાં રોકાય છે. પોર્ટુગલમાં વર્ષે 48 કરોડ પ્રવાસીઓ આવીને રોકાય છે. જેના કારણે અહીંનાં સામાન્ય મકાનો પણ હોમસ્ટેમાં તબદીલ થઈ ગયાં છે. આટલી માત્રામાં પ્રવાસીઓને રહેવાની સગવડ આપવા માટે 8000થી વધુ મકાનો સતત ટૂરિઝમમાં તબદીલ થઈ ગયાં છે. જેની સીધી અસર ત્યાંના સ્થાનિક રહેવાસીઓ પર પડી રહી છે.

બ્રિટનમાં 18 વર્ષને બદલે 16 વર્ષના તરુણો હવેનાં વર્ષથી મતદાન કરી શકશે

બ્રિટનમાં 16 વર્ષના હવે મતદાન કરી શકશે. સરકારે મતદાનની લઘુતમ ઉંમર 18થી ઘટાડીને 16 વર્ષ કરવાની જાહેરાત કરી છે. યુકેની વર્તમાન સરકારે ગુરુવારે જાહેરાત કરી હતી કે તે 2029માં યોજાનારી આગામી સામાન્ય ચૂંટણીઓ માટે મતદાનની ઉંમર 18 થી ઘટાડીને 16 કરશે. અગાઉ જુલાઈ, 2024માં જ્યારે ચૂંટણી થઈ હતી ત્યારે પણ લેબર પાર્ટીના મેનિફેસ્ટોમાં આ બાબત સમાવવામાં આવી હતી, જેથી લોકશાહી ભાગીદારી વધારી શકાય. એવામાં હવે બ્રિટનની આ જાહેરાત બાદ મતદાતાઓની ઉંમરને લઈને દુનિયાભરમાં ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. આ નિર્ણયની સાથે જ સરકારે વોટર આઈડી સંબંધિત એક નવી વ્યવસ્થા પણ લાગુ કરી છે, જેમાં બેન્ક કાર્ડ અને વેટરન્સ કાર્ડને પણ માન્યતા આપવામાં આવશે. આનાથી વધુ લોકોને મતદાન પ્રક્રિયામાં સામેલ થવામાં સરળતા રહેશે. સ્કોટલેન્ડ અને વેલ્સ પહેલાંથી જ 16 અને 17 વર્ષનાં બાળકોને સ્થાનિક અને પ્રાદેશિક ચૂંટણીઓમાં મતદાન કરવાની મંજૂરી આપે છે. આ ઉપરાંત ઇક્વાડોર, ઑસ્ટ્રિયા અને બ્રાઝિલ બાદ હવે બ્રિટન પણ મતદાનની ઉંમરમાં ઘટાડો કરનાર દેશોની યાદીમાં જોડાશે.