ભારતની ક્રિકેટટીમ જ્યારે માદરે વતનમાં રમતી હોય ત્યારે તેનું પર્ફોર્મન્સ કંઇક જુદું જ હોય છે અને એ જ ટીમ જ્યારે વિદેશ પ્રવાસે જાય છે ત્યારે એનું પર્ફોર્મન્સ સાવ કંગાળ-ભંગાર-થર્ડ ક્લાસ-વાહિયાત કક્ષાનું હોય છે. અપવાદરૂપ અમુક સીરિઝને બાદ કરતાં ભારતીય ક્રિકેટટીમ પરદેશની ભૂમિ પર એવું હોરીબલ પર્ફોર્મ કરતી હોય છે કે એના ચાહકો અહીં ન લખી શકાય એવા એવા શબ્દોથી એને નવાજતા હોય છે.
બાંગ્લાદેશને બાદ કરતાં ભારતની ક્રિકેટટીમ કોઇ પણ વિદેશની ધરતી પર કશું જ ઉકાળી નથી શકતી. મોટાભાગે બધી જગ્યાએ એ ધોળકું ધોળીને જ આવે છે. ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, શ્રીલંકા, વેસ્ટ ઇન્ડીઝ, સાઉથ આફ્રિકા, ન્યૂઝીલેન્ડ, પાકિસ્તાન બધી જ જગ્યાએ આપણે નામોશીના ઝંડા લહેરાવી, મોઢું કાળું કરીને પાછા આવ્યા છીએ. ઘરઆંગણે ભડભાદર ભાયડા થઇને, કોલર ઊંચા કરી ફરનારા આપણા ક્રિકેટરો પરદેશમાં સાવ ઓલવાઇ જાય છે, શિયાવિયા થઇ જાય છે. એમનાં ધોતિયાં ઢીલાં થઇ જાય છે, પોતિયાં પીળાં પડી જાય છે.
આપણે ત્યાં ક્રિકેટની રમત ધર્મ ગણાય છે અને ક્રિકેટરો દેવની જેમ પૂજાય છે, પરંતુ આ જ સુપરસ્ટાર ક્રિકેટરો પરદેશમાં પગ મૂકે કે તરત જ એમની ટેક્નિકની ખામીઓ, ક્રિકેટિંગ નોનસેન્સ છતી થઇ જાય છે અને પછી ભવાડા શરૂ થાય છે.
ભારતમાં ક્રિકેટની પિચો સાવ ધીમી-ઓછા બાઉન્સવાળી હોય છે, મોટાભાગની તો સ્પિનિંગ વિકેટ્સ હોય છે. જ્યાં બોલ ટપ્પો પડી કમર કે છાતી સુધી ક્યારેક જ ઊછળીને આવે છે. વળી, આપણી પાસે જેન્યુઇન ફાસ્ટ બોલર તો ક્યારેક જ હોય છે. મોટાભાગના `છુક છુક ગાડી'ની સ્પીડવાળા મીડિયમ પેસર અથવા તો સ્લો-સ્પિન બોલર્સ હોય છે. વિદેશી ટીમો પણ જ્યારે ભારત આવે છે ત્યારે આપણા સ્પિન બોલર એ વિદેશી ટીમના બેટ્સમેનોને ગરબા ગાતા કરી મૂકે છે. એમના ફાસ્ટ બોલર અહીંની ધીમી-ઓછા બાઉન્સવાળી વિકેટ્સ પિચ પર બોલિંગ કરી કરીને તૂટી જાય છે. આવા સંજોગોમાં આપણા બેટ્સમેન સોલ્લિડ રીતે ફાવી જાય છે. ઓછું કે પછી નહીંવત્ ફૂટવર્ક હોય તો પણ માત્ર કાંડાં ઘુમાવીને કે પછી ઊભા ઊભા જ બેટ ફેરવી આપણા બેટ્સમેન અહીં રનના ઢગલેઢગલા ખડકી દે છે. જે જોઇ આપણી અહીંની પબ્લિક `ખુસ્સ-ખુસ્સ' થઇ જાય છે. બધા ક્રિકેટરોને માથે ચડાવી દે છે, સુપરડુપર સ્ટાર બનાવી દે છે. હીરોની જેમ પૂજવા માંડે છે. ક્રિકેટરો પણ આનો લાભ લઇને છકી જાય છે. પોતાને મહાનતમ માનવા માંડે છે. એ બધા રમવા કરતાં રળવામાં મહેનત કરવા માંડે છે. જાહેરાતો, ટીવી પ્રોગ્રામો, ફિલ્મો, આઇપીએલ જેવી ટૂર્નામેન્ટોમાં કૂદી કૂદીને ભાગ લેવા માંડે છે અને તગડી નોટો કમાવા માંડે છે, પરંતુ...
પરંતુ જેવા એ ફોરેન ટૂર પર જાય છે કે તરત જ એમનું પોત પ્રકાશવાનું શરૂ થાય છે. ફાસ્ટ, બાઉન્સી વિકેટ્સ પર સણસણતી ફાસ્ટ બોલિંગ સામે આપણા ભઇલાઓ ભવાઇ કરવા માંડે છે. જેન્યુઇન સ્પીડ અને સ્વિંગવાળા બોલર્સ આપણા શૂરવીરોને ત્રણ તાળીના ગરબા, હીંચ અને ઘુમ્મર નૃત્ય કરાવવા માંડે છે. ગોફણિયા ગેંદબાજી સામે એમની દાંડીઓ ખેરવાઇ જાય છે, લાકડીઓ છૂટી પડી જાય છે. સદીના શહેનશાહો ગરીબ-રાંક બની ટપોટપ આઉટ થવા માંડે છે અને ભૂંડે હાલ હારવાનો સિલસિલો શરૂ થઇ જાય છે.
જોરદાર કરિયર રેકોર્ડ ધરાવતા ધુરંધરો ધરાશાયી થઇને ધૂળ ચાટવા માંડે છે. ટીવી ચેનલોવાળા, ગોકીરો મચાવે છે કે, `કાગઝ કે શેર, હો ગયે ઢેર'. દેશની ધરતી પર વિકેટોનો ખડકલો કરનારા આપણા બડકમદાર બોલરોની પરદેશમાં કચ્ચી કચ્ચીને ધોલાઇ થાય છે. ફુલણશી દેડકા બની છાતી કાઢી ફરનારા આપણા ક્રિકેટરો પરદેશમાં સાવ તુચ્છ, પામર, ગરીબડા, લાચાર બની જાય છે. મજાક મશ્કરીના ટાર્ગેટ બની જાય છે. આટઆટલી દયાજનક સ્થિતિમાં મુકાયા પછી, અપમાનો થયા પછી પણ આપણા સુપરસ્ટારોની શેખી ઓછી નથી થતી. મારા બેટાઓ નફ્ફટ બની પાર્ટીઓમાં નાચેકૂદે છે, લફરાં-તાયફા કરે છે, બેજવાબદાર સ્ટેટમેન્ટ અને વર્તન કરે છે. એ લોકો દેશ વતી રમવા ગયા છે એ ભૂલીને ફરવા-જલસા કરવામાં, મોજ મસ્તીમાં ટાઇમ પાસ કરે છે. એ બધા ત્યાં રમવા ગયા છે કે ખેલ કરવા એ જ સમજાતું નથી. એમની રાસલીલાના ફોટા છપાય તોયે એમને લાજશરમ આવતી નથી.
આટઆટલી બબાલો પછી પાછા એકાદ મેચમાં આપણા ભઇલાઓ જીતી બતાડે છે એટલે આપણે બધું ભૂલી જઇ એમને માફ કરીને ફરીથી માથે ચડાવી દઇએ છીએ. ચાલો, ટીવી ચાલુ કરીને મેચ જોવા બેસી જઇએ!