મૂળ વાત ડિપ્રેશનની છે.

ટોલ્સ્ટોય કઈ રીતે ડિપ્રેશનમાં પટકાયા અને પછી કઈ રીતે એમાંથી બહાર આવીને વિશ્વના આ મહાન લેખક છેવટે વિશ્વના મહાન ધર્મસુધારક બન્યા એની આ કથા છે.

આ યાત્રા શરૂ થઈ સત્યની શોધથી. એ યાત્રામાં એક તબક્કે ટોલ્સ્ટોયને સમજાયું કે એકલા તર્કની મદદથી, એદીની જેમ બેસી રહીને વિચાર્યા કરવાથી સત્યનું જ્ઞાન ન થઈ શકે. સત્ય જાણવું હોય તો માત્ર ખાઈ-પીને જલસા કરવાને બદલે અસલી જીવન જીવવું પડે અને અસલી જીવન તો સામાન્ય માણસ જ જીવે છે.

તો જીવનના એક તબક્કે (પચાસેકની ઉંમરે) મારી હાલત આવી હતી (આશા-નિરાશા અને ઉમંગ-થાક વચ્ચે હું આવી રીતે ફંગોળાયો).

એક આખું વર્ષ હું મારી જાતને એવું પૂછતો રહ્યો કે ગળેફાંસો ખાવો સારો કે લમણામાં ગોળી મારી દેવી સારી. મારું મગજ પીંખાઈ રહ્યું હતું. અસલમાં એ હૃદયની વેદના હતી. એ વેદના વાસ્તવમાં ઇશ્વર માટેનો તલસાટ હતો.

આ તલસાટના પાયામાં તર્ક-દિમાગ નહોતાં. મામલો લાગણીનો હતો. એ ભયની લાગણી હતી. અનાથ હોવાની લાગણી હતી. મારા સિવાયની દુનિયાની તમામ ચીજોથી વિખૂટા પડી જવાની લાગણી હતી. હું મદદ માટે તરસી રહ્યો હતો અને મદદ ક્યાંથી મળશે એની મને જાણ નહોતી.

એક વાતની મને ખાતરી થઈ ચૂકેલી કે ઇશ્વરના હોવાની કોઈ સાબિતી ન મળી શકે. (મહાન જર્મન ફિલોસોફર) કાન્ટનો એ તર્ક પૂરેપૂરો મારા ગળે ઊતરી ચૂક્યો હતો કે ઇશ્વરની તર્કપૂર્ણ સાબિતી શક્ય નથી અને છતાં હું જૂની (નાનપણની) આદતના જોરે ઇશ્વરને પ્રાર્થના કરતો રહ્યો. અલબત્ત, એવું કરવાથી મને ઇશ્વર ન મળ્યો.

એક તરફ ઇશ્વરનું અસ્તિત્વ સાબિત કરી શકાય નહીં એવું પૂરવાર કરતી કાન્ટ અને (અન્ય જર્મન ફિલસૂફ) શોપનહોઅરની દલીલો મને સાચી લાગતી, તો બીજી તરફ ક્યારેક ક્યારેક હું એમના તર્કનો વિરોધ કરતો રહ્યો. મેં એવું વિચાર્યું કે વિચારો, સ્થળ, કાળ (વગેરે સાપેક્ષ બાબતો) જુદી છે અને અસ્તિત્વનું મૂળ કારણ (નિરપેક્ષ ઇશ્વર) આખી જુદી જ બાબત છે. મારી તલાશ હતી આ મૂળ કારણની. હું પૂરું જોર લગાવીને સૃષ્ટિના મૂળ આધારની અનુભૂતિ માટે મથતો રહ્યો.

જ્યારે પણ હું મારાથી ઉપરની કોઈ ગૂઢ શક્તિ હોવા વિશે સભાન બનતો ત્યારે મને જીવતા રહેવું શક્ય છે એવું લાગતું. હું વિચારતોઃ `આ મૂળ કારણ શું છે? આ ગૂઢ શક્તિ શું છે? હું જેને ઇશ્વર ગણું છું એની સાથે મારો સંબંધ કેવો છે?' આ બધા સવાલોનો મારી અંદર એ જ ચીલાચાલુ જવાબ ઊગતો કે એ તો સમગ્ર સૃષ્ટિનો સર્જક છે. આ જવાબથી મને સંતોષ ન થતો અને મારો ભય ઊલટાનો વધુ પ્રગાઢ બનતો. પછી ભયથી પ્રેરાઈને હું ઇશ્વરને વધુ તીવ્રતાથી પ્રાર્થના કરતો કે `હે ઇશ્વર, હે મારા ભગવાન, મારા પર દયા કર, મને બચાવ. મને જ્ઞાન આપ.' જેમ જેમ હું વધુ ને વધુ પ્રાર્થના કરતો ગયો તેમ તેમ મને વધુ ને વધુ ખાતરી થતી ગઈ કે ઉપર સાંભળનારું કોઈ નથી, કોઈ મારા પર દયા કરનારું નથી. આવી હતાશાની પળોમાં મારી અંદરનું જીવન જાણે ઠીંગરાઈ જતું હતું અને જીવન મને દગો દઈ રહ્યું હોય એવું મને લાગતું.

અને છતાં મારામાં એ ખાતરી ફરી ફરી ઊગતી રહી કે આ પૃથ્વી પર મને કોઈ કારણ વિના ધકેલી દેવામાં આવ્યો હોય એવું તો ન બની શકે. પક્ષીનું એક બચ્ચું માળામાંથી ફંગોળાઈને નીચેના ઘાસ પર પટકાયું હોય એવું મને મારા વિશે લાગતું હતું, પરંતુ સાથોસાથ મને એ પણ સમજાતું હતું કે હું જો આવી રીતે ઘાસ પર ચત્તુંપાટ પડેલું એ બચ્ચું હોઉં તો હું ચીં ચીં કરું જ, કારણ કે હું જાણું છું કે મારી એક માતા છે, જેણે મને જન્મ આપ્યો છે, જેણે મને પોષ્યો છે, ઉછેર્યો છે, જે મને ચાહે છે. ક્યાં છે એ માતા? મને જો ફંગોળી દેવામાં આવ્યો હોય તો એ ફંગોળનાર કોણ છે?

એ વાતની મને ખાતરી થઈ રહી હતી કે મને અહીં (પૃથ્વી પર) મોકલનાર જે કોઈ છે એ મને ચાહે છે. એ કોણ હોઈ શકે? જવાબ એક હતોઃ ઇશ્વર. એ મારી તલાશને, મારા તલસાટને જાણે છે. `એ છે જ,' આવું હું જ્યારે મારી જાતને કહેતો ત્યારે મારી અંદર જીવનનો દીવડો જાણે પ્રગટી ઊઠતો, હું આનંદિત થઈ ઊઠતો, પણ પછી તરત આ અનુભૂતિ પરથી હું ધ ફાધર, ધ સન (ક્રાઈસ્ટ) અને ધ હોલી સ્પિરિટના પરંપરાગત વિચાર પર સરી જતો અને આ ત્રિપુટી મને મારાથી અને જગતથી વિખૂટી હોવાની લાગણી થતી અને એ લાગણી સાથે જ મારી નજર સામેનો ઇશ્વર જાણે બરફ પીગળતો હોય એમ પીગળીને અદૃશ્ય થઈ જતો. પછી મારી આંખ સામે કશું જ ન બચતું અને ફરી મારી અંદરનો જીવનનો સ્રોત જાણે સુકાઈ જતો. હું ફરી હતાશામાં ધકેલાઈ જતો અને ફરી મને એવું લાગતું કે મરી જવા સિવાય મારે બીજું કરવાનું રહેતું નથી.

(આપઘાતના) આ વિચારની સૌથી ત્રાસજનક બાબત એ હતી કે મારી જ અંદરથી પાછો બીજો એક અવાજ એવો પણ આવતો કે આપઘાત તો કરાય જ નહીં.

આવી રીતે હું શ્રદ્ધા-શંકા વચ્ચે અને ઉમંગ-થાક વચ્ચે ફંગોળાતો રહ્યો. એક વાર નહીં, બે વાર નહીં, સેંકડો વાર. ઘડીકમાં આનંદ અને ઉત્તેજના તો ઘડીકમાં જીવવું શક્ય જ નથી એવી ખાતરીમાંથી જન્મતી હતાશા.

પછી એક દિવસ ઊગ્યો. વસંતની શરૂઆત થઈ રહી હતી. હું જંગલમાંના અવાજો સાંભળી રહ્યો હતો.

(ક્રમશ:)

***

એ દિવસે ટોલ્સ્ટોયને ઇશ્વરનું `સરનામું' જડ્યું. એ દિવસે એમને સાચો પ્રકાશ દેખાયો. એની વાત આવતા અંકે.