એક સ્વૈચ્છિક સંસ્થાની બહાર ચોકીદારી કરી રહેલા રવિકુમાર તે જ સંસ્થાના સૌથી મોટા ડોનર પણ છે. કોઇ આવું કહે તો કદી માન્યામાં ના આવે, પણ આ હકીકત છે.
રવિકુમારે પોતાની બચતના તમામ રૂ. 85 લાખ એનજીઓને દાન કર્યા અને ત્યાં જ સિક્યુરિટી ગાર્ડ તરીકે કામ કરવા લાગ્યા. તે પણ એક પણ રૂપિયાના વેતન વગર. 2017માં બેંગલુરુના એનજીઓ ન્યૂ આર્ક મિશન ઓફ ઈન્ડિયાએ માનસિક રીતે અસ્થિર થઈને ભટકતા રવિકુમારની સારવાર કરાવી હતી. ભાઈભાંડુઓએ તેમને ત્યજી દીધા હતા. એનજીઓની સારવારથી તેઓ સાજાસારા તો થઈ ગયા, પણ સાંસારિક જીવનની વરવી વાસ્તવિકતા જોઇને તેમનું દિલ તૂટી ગયું હતું. તેઓ ઘરે પરત ગયા જ નહીં, પરંતુ તેમના ભાગે જે પૈતૃક સંપત્તિ હતી તે તમામ એનજીઓને દાનમાં આપી દીધી. રવિકુમારની ઉદારતાની સંસ્થાએ પણ નોંધ લીધી છે. સંસ્થાએ ઓફિસની બહાર પોતાના સૌથી મોટા ડોનર રવિકુમારના નામ અને ફોટા સાથેની તકતી લગાવી છે. ન્યૂ આર્ક મિશન ઓફ ઈન્ડિયાના સંસ્થાપક થોમસ રજા કહે છે, `રવિએ આપેલા દાનનાં નાણાંમાંથી સંસ્થાએ જમીન ખરીદી છે, જ્યાં નિરાધાર લોકો માટે આવાસની સગવડ ઊભી કરાશે.'
અંતરીક્ષયાત્રી શુભાંશુ શુક્લાને તેના પિતા સનદી અધિકારી બનાવવા માંગતા હતા
ઉત્તર પ્રદેશના લખનૌના વતની એવા અંતરીક્ષયાત્રી શુભાંશુ શુક્લા પોતાને અજ્ઞેયવાદી માને છે, એટલે કે તેઓ માને છે કે માનવજ્ઞાનની મર્યાદાઓ છે. આપણે બધું જ જાણી શકતા નથી. વર્ષ 2000ની આસપાસની વાત છે. શુભાંશુના પિતા શંભુ દયાલ ઘરે બેઠા હતા, ત્યારે તેમનો લેન્ડલાઇન ફોન રણક્યો. સામેથી અવાજ આવ્યો, અભિનંદન, તું એનડીએમાં પસંદ થઈ ગયો છે. ફોન કરનારો વ્યક્તિ શુભાંશુનો મિત્ર હતો, જે તેને અભિનંદન આપવા માગતો હતો. આમાં ચોંકાવનારી વાત એ હતી કે, તે ફોન કોલ પછી જ શુભાંશુ શુક્લાના પિતાને ખબર પડી કે શુભાંશુએ એનડીએનું ફોર્મ ભર્યું હતું અને તે ભારતીય સેનામાં જોડાવા માગે છે. ખરેખર શંભુ દયાલ શુક્લા તેમના દીકરાને આઈએએસ બનાવવા માગતા હતા, પરંતુ શુભાંશુના મનમાં કંઈક બીજું જ હતું. એક મુલાકાતમાં શંભુ દયાલ કહે છે કે, તે ક્યારેય પોતાની યોજના અગાઉથી કહેતો નથી. તેને જ્યારે આ મિશન માટે પસંદ કરાયો ત્યારે પણ અમને ચાર દિવસ પછી કહ્યું હતું.
અમિતાભની સંપત્તિ 1600 કરોડ :ભાઈ-બહેન બંનેનો સમાન અધિકાર રહેશે
`હાઉસફુલ-5' આવી પછી અભિષેક બચ્ચન ચર્ચામાં છે. દરમિયાનમાં અભિષેક બચ્ચન માટેનું અમિતાભ બચ્ચનનું એક જૂનું ઇન્ટરવ્યૂ વાઈરલ થઈ રહ્યું છે. અમિતાભ બચ્ચન અને જયા બચ્ચન ઘણી વાર કહે છે કે તેમણે પોતાનાં બંને બાળકો અભિષેક અને શ્વેતાનો સમાન રીતે ઉછેર કર્યો છે. એને ધ્યાનમાં રાખતાં અમિતાભ બચ્ચને જણાવ્યું કે તેમના પછી તેમની સંપત્તિના ખરા હકદાર કોણ હશે. 2011માં એક ઈન્ટરવ્યૂમાં અમિતાભ બચ્ચને કહેલું કે જ્યારે મારું નિધન થઈ જશે ત્યારે જે કંઈ મારી પાસે બચ્યું હશે તેમાંથી અડધું-અડધું મારા પુત્ર અને પુત્રીમાં વહેંચાશે. તેમની વચ્ચે કશો ભેદભાવ નહીં થાય. જયા અને મેં ખૂબ પહેલાં આ બાબત પર નિર્ણય કરી લીધો હતો. બધા કહેતા હોય છે કે પુત્રી પરાયું ધન હોય છે. તે પતિના ઘરે જાય છે, પરંતુ મારી દૃષ્ટિએ તે મારી પુત્રી છે. તેના પણ એ હક છે, જે અભિષેકના છે. ઈન્ડિયા રિચ લિસ્ટ અનુસાર અમિતાભ બચ્ચન અને તેમના પરિવાર પાસે લગભગ 1600 કરોડ રૂપિયાની સંપત્તિ છે. એક અન્ય રિપોર્ટ અનુસાર અમિતાભ બચ્ચને પોતાનું જૂનું ઘર પ્રતીક્ષા પોતાની પુત્રી શ્વેતા બચ્ચનને આપી દીધું છે. તેની કિંમત લગભગ 50 કરોડ હતી. તેમની પાસે મુંબઈ ઉપરાંત અયોધ્યા, પાવના અને પૂણેમાં બીજી ઘણી પ્રોપર્ટી છે.
લંડનમાં સમડીનો આતંક :4 વર્ષમાં 2.31 લાખ મોબાઈલની તફડંચી
લંડનમાં મોબાઇલ ફોનની ચોરી માઝા મૂકી રહી છે. વેસ્ટ એન્ડમાં રોજના સરેરાશ 37 લોકો તેમના મોબાઇલ ફોન ગુમાવી રહ્યા છે. મેટ્રોપોલિટન પોલીસના આંકડા અનુસાર છેલ્લાં 4 વર્ષમાં લંડનમાં મોબાઇલ ફોનની ચોરી અને લૂટની 2,31,000 ઘટનાઓ નોંધાઇ છે. પ્રવાસીઓમાં આકર્ષણ સમાન વેસ્ટ એન્ડમાં આ જ સમયગાળામાં 40,000 ફોન ચોરાયા હતા. સ્કોટલેન્ડ યાર્ડના આંકડા દર્શાવે છે કે લંડનમાં ગયા વર્ષે 81,256 મોબાઇલ ફોન ચોરાયા હતા. ઘણા લોકો ફરિયાદ ન કરતા હોવાના કારણે આ આંકડો ઘણો ઊંચો હોઇ શકે છે. લંડનના 217 પરા વિસ્તારોમાં મોબાઇલ ફોન ચોરી અથવા લુંટની ઘટનાઓમાં તોતિંગ વધારો જોવા મળી રહ્યો છે. લંડનમાં મોબાઇલ ફોનની ચોરીમાં ક્યાં તો ઇલેક્ટ્રિક બાઇક પર સવાર થઇ હાથમાંથી ઝૂંટવી લેવામાં આવે છે અથવા તો ખિસ્સામાંથી તફડંચી કરાતી હોય છે. પોલીસ કહે છે કે સ્થિતિ ગંભીર બની છે, કારણ કે ઓર્ગેનાઇઝ્ડ ગેંગો દ્વારા ચોરાયેલા મોબાઇલ ફોન વિદેશી બ્લેક માર્કેટમાં વેચી દેવાય છે અથવા તો તેના પાર્ટ છૂટા કરીને વેચવામાં આવે છે. વર્ષે 50 મિલિયન પાઉન્ડ કરતાં વધુ મૂલ્યના મોબાઇલ ફોન ચોરાય છે.