આપણા ગુજરાતમાં તો ચોમાસુ વહેલું બેસે એવી આગાહી થઈ હતી, પરંતુ પવનને કારણે ચોમાસુ મુંબઈમાં જ અટકી ગયું છે, ત્યારે દક્ષિણ ગુજરાતમાં ભારે ગરમી પડી રહી છે.

હવે બધા વરસાદ પડે એની ચાતક નજરે રાહ જોઈ રહ્યા છે. ચોમાસાની સીઝન શરૂ થવામાં જ છે, ત્યારે વાત તો વરસાદની જ કરવાની છે, પણ એ વરસાદ સામાન્ય નથી. એક દેશ એવો છે જ્યાં છેલ્લાં 100 વર્ષથી સીઝનમાં એક કે બે વખત માછલાંનો વરસાદ પડે છે!

વરસાદ એટલે આકાશમાંથી પડતું પાણી એવી સાદી વ્યાખ્યા થઈ શકે, પરંતુ વરસાદ એટલે હંમેશાં પાણી જ પડે એમ માની ન લેવું. માછલાં કે દેડકાં કે એસિડનો વરસાદ પડ્યાનું પણ નોંધાયું છે. ક્યાંક કાળો વરસાદ પડ્યાનું પણ નોંધાયું છે, તો ક્યાંક લાલ પાણીનો પણ વરસાદ પડ્યો છે. લાલ કે કાળો કે એસિડ વરસાદ એ પ્રદૂષણનું પાપ છે. એટલે એવા વરસાદથી ધરતીની ચિંતા અવશ્ય કરવી પડે. પ્રદૂષણને કારણે હવે વરસાદ પણ પ્રદૂષિત જ પડશે, તો પીવાના પાણીની સ્થિતિ કેવી સર્જાશે એની કલ્પના પણ ધ્રુજાવી દે એવી છે. જોકે, એવો વરસાદ ક્યારેક જ પડતો હોય છે. છતાં દુનિયામાં એક દેશ એવો છે, જ્યાં સો વર્ષથી માછલાંનો વરસાદ પડે છે. એ દેશ એટલે આજકાલ ટ્રમ્પ સરકારની સત્તામાં આવ્યો છે. એ બાદ બહુ સંભળાતું નામ મેક્સિકોની બાજુમાં આવેલો હોન્ડુરાસ છે.

સામાન્ય રીતે એશિયાની વાત કરીએ તો લગભગ બધા જ દેશોમાં ત્રણ ઋતુઓ જોવા મળે છે. દુનિયામાં કેટલાય દેશો એવા છે, જ્યાં ચોમાસુ અલગ ઋતુ નથી, પરંતુ આખા વર્ષમાં ગમે ત્યારે વરસાદ પડી જતો હોય છે. હોન્ડુરાસ પણ એવો જ દેશ છે. આખા વર્ષમાં હોન્ડુરાસમાં વરસાદ ગમે ત્યારે હાજરી પુરાવી જતો હોય છે, પરંતુ વસંતઋતુ પૂરી થવાની હોય કે ઉનાળાની શરૂઆત થવાની હોય એ સમય દરમિયાન અહીં અનોખો વરસાદ પડતો હોય છે. કમ સે કમ આખા વર્ષમાં એક બે વખત તો અલગ પ્રકારનો વરસાદ પડતો જ હોય છે. જીવતાં માછલાંનો વરસાદ પડતો હોય છે. સવાલ એ થાય કે માછલાંનો તો વળી વરસાદ દર વર્ષે થોડો પડે?

એવી માન્યતા છે કે 19મી શતાબ્દીમાં હોન્ડુરાસના લોકોની આર્થિક હાલત બેહદ ખરાબ હતી. લોકો પાસે પૈસા ન હોવાને કારણે ઘણા ભૂખે મરતા હતા. લોકો ભૂખથી મરતા હોય એ કોણ જોઈ શકે? એ સમયે ત્યાં રહેતા એક સ્પેનિશ પાદરી પણ લોકોને ભૂખથી ટળવળતા જોઈ શકતા ન હતા. તેમણે લોકોનું આ દુઃખ દૂર કરવા માટે ત્રણ દિવસ અને ત્રણ રાત સતત પ્રાર્થના કરી કે ચમત્કાર કરી લોકો માટે ભોજન પહોંચાડે. પાદરીની પ્રાર્થનાને કારણે હોન્ડુરાસમાં અંધારું થઈ ગયું. એ પછી તરત જ આકાશમાંથી માછલાંનો વરસાદ થયો હતો. એ સમયથી દર વર્ષે એક બે વખત માછલાંનો વરસાદ પડે છે.

માછલાંનો વરસાદ પડે એ પહેલાં ત્યાં મૂશળધાર વરસાદ પડે છે. કડાકાભડાકા એટલા થાય કે લોકો ઘરમાંથી બહાર નીકળવાની હિંમત પણ કરી શકે નહીં. જ્યારે વરસાદ થંભી જાય અને વાતાવરણ સ્વચ્છ થઈ જાય ત્યારે લોકો ઘરમાંથી બાલદી અને વાસણો લઈને નીકળે અને રસ્તા પરથી પડેલી હજારો માછલીઓ ઘરે લઈ જાય છે ને ટેસથી આરોગી પણ લે. કોઈ પણ જાતની મહેનત વિના ઘરબેઠાં ભોજન મળતું હોય તો કોને ન ભાવે?

જોકે, એ તો માન્યતા થઈ, પણ માછલાંનો વરસાદ ફક્ત હોન્ડુરાસમાં જ પડતો નથી. બીજા દેશોમાં પણ એ પ્રકારના વરસાદ પડ્યાના દાખલા નોંધાયા છે, ત્યારે તેની પાછળનું રહસ્ય પણ જાણવા જેવું છે.

હોન્ડુરાસ એ એટલાન્ટિક સમુદ્રથી માંડ 200 કિલોમીટર દૂર આવેલો છે. સામાન્ય રીતે સમુદ્રનું પાણી ગરમ થઈ તેની વરાળ બનીને તે આકાશમાં જાય. ત્યાં તેના રજકણ સાથે મળીને વાદળ રચાય છે. એ વાદળ ઠંડા વાતાવરણમાં વરસી પડતાં હોય છે, પરંતુ ક્યારેક એવું બને છે કે સમુદ્રમાંથી જાણે એક પાઈપલાઈન જેવી કુદરતી રચના પેદા થતી હોય છે. એ પાઈપલાઈન થઈને સમુદ્રનાં માછલાં આકાશમાં પહોંચે અને ત્યાંથી વરસાદરૂપે ધરતી પર પડતાં હોય છે. એ માછલાં જમીન પર મોટી સંખ્યામાં સળવળે ત્યારે અચરજ જ થાય.