આયુર્વેદમાં મૂત્રમાર્ગના રોગો સંબંધિત વિસ્તૃત વર્ણન વાંચવા મળે છે. જેમાં `મૂત્રાતિસાર' નામના એક રોગનું વર્ણન કરવામાં આવ્યું છે. આ મૂત્રાતિસાર રોગમાં મૂત્રની `પ્રવૃત્તિ' અને મૂત્રનું `પ્રમાણ' બંને સામાન્ય રીતે હોવું જોઈએ તેના કરતાં ઘણું વધી જતું જોવા મળે છે.

મૂત્રાતિસારમાં 24 કલાકની અંદર મૂત્રનું પ્રમાણ સામાન્ય કરતાં લગભગ બેથી અઢી લિટર જેટલું વધી જાય છે અને મૂત્રપ્રવૃત્તિ પણ વારંવાર થાય છે. આ મૂત્રને કોઈ પણ પાત્રમાં રાખવાથી તેના તળિયા પર થોડીવારમાં શ્વેત દ્રવ પદાર્થ જામી જતો જોવા મળે છે.

કોઈ કોઈ રોગીમાં આ વિકારને લીધે મૂત્રધારણ શક્તિ એટલી નષ્ટ થઇ જાય છે કે, કાળાંતરે કોઈ પણ પ્રકારનો આવેશ કે ગુસ્સો આવવાથી, કોઇ પણ પ્રકારના ભયથી, જોરથી હસવા કે બોલવાથી મૂત્ર પર કાબૂ રહેતો નથી અને થોડી થોડી માત્રામાં મૂત્ર નિઃસરણ થઇ જાય છે. આ કારણને લીધે જ આવી તકલીફવાળા દર્દીઓ જોરથી બોલી શકતા નથી કે જોરથી મુક્તમને હસી શકતા નથી. ઘણા દર્દીઓમાં મૂત્રપ્રવૃત્તિએ જવાનો સમય થયાનો અહેસાસ થવાની સાથે જ ટીપાં પડવા લાગે છે.

આ વિકૃતિ ઉત્પન્ન થવાનાં કારણોમાં પચવામાં ભારે આહારદ્રવ્યોનું અધિક સેવન, પરિશ્રમનો અભાવ, વિલાસિતા, અધિક મદ્યપાન, દૂષિત જળનું સેવન, ગોળની ચીજોનો અધિક ઉપયોગ, લીવરના રોગો, આઘાત(વાગવા)થી, જ્ઞાનતંતુઓના વિકારને લીધે, ભય, શોક વગેરે માનસિક ક્ષોભથી, મળમૂત્ર વગેરે વેગોને રોકવાથી, વિષાક્ત દ્રવ્યો આહારમાં આવી જવાથી આ મૂત્રાતિસાર ઉત્પન્ન થાય છે. આ ઉપરાંત વૃક્ક(કિડની)ના રોગોને લીધે મૂત્રની અધિક પ્રવૃત્તિ થાય છે કે નહીં, તેનું નિરાકરણ પણ કરી લેવું જોઈએ. મૂત્રાશય(બ્લેડર)ની આસપાસનાં અંગોના સોજાને લીધે પણ મૂત્રની અધિક પ્રવૃત્તિ થાય છે. આ સોજાનાં વિભિન્ન કારણો હોય છે. જેવાં કે પ્રોસ્ટેટ ગ્રંથિની વૃદ્ધિ, વ્રણ કે ઘા, સ્ટોન એટલે કે પથરી વગેરે.

ઉપરોક્ત કારણોને લીધે શરીરમાં રહેલા જલીય અંશની વૃદ્ધિ થાય છે અને તેને લીધે મૂત્રાશય(બ્લેડર)માં ક્ષોભ ઉત્પન્ન થાય છે, જેથી મૂત્ર અધિક માત્રામાં અને વારંવાર પ્રવૃત્ત થાય છે. કોઈ કોઈ વખત આ રોગમાં મૂત્રમાર્ગમાં નાની નાની ફોડકીઓ નીકળવાથી ખંજવાળ પણ આવે છે. રોગીને પોતાના શરીરમાં બળતરા થાય છે અને અતિ પ્રમાણમાં તરસ લાગે છે. આ ઉપરાંત મૂત્રાતિસારના દર્દીઓમાં મોઢું સુકાવું (મુખશોષ), મંદાગ્નિ, ભ્રમ, આળસ, બળની હાનિ (દૌર્બલ્ય), કળતર, મૈથુનમાં અશક્તિ તથા ગ્લાનિ વગેરે લક્ષણો ઉત્પન્ન થાય છે.

આયુર્વેદીય મતે કોઈ પણ રોગના ઉપચારમાં સૌપ્રથમ રોગોત્પાદક કારણોનો ત્યાગ કરવો (નિદાન-પરિવર્જન) એ મુખ્ય ચિકિત્સા છે. એટલે મૂત્રાતિસારને ઉત્પન્ન કરતાં ઉપરોક્ત કારણોનો ત્યાગ કરવો જોઈએ. પછી મૂત્રાશય(બ્લેડર)ના ક્ષોભને દૂર કરનારાં ઔષધોમાં શિલાજીત, રસાયન ચૂર્ણ, ધાત્રીનિશા ચૂર્ણ, હેમનાથ રસ, પંચામૃત રસ, બૃહત બંગેશ્વર રસ વગેરે ઔષધો દર્દીની ઉંમર પ્રમાણે, ઋતુ, વાયુ, પિત્ત વગેરે દોષ, પ્રકૃતિ વગેરેને ધ્યાનમાં રાખીને પ્રયોજાય તો મૂત્રાતિસાર વિકાર સરળતાથી સાધ્ય બને છે.