શેખાવતી, રાજસ્થાનના ઉત્તરીય ભાગમાં આવેલું એક ઐતિહાસિક ક્ષેત્ર છે, જે તેના ભવ્ય કિલ્લાઓ, મહેલો અને ખાસ કરીને તેની `ઓપન આર્ટ ગેલેરી' તરીકે ઓળખાતાં ભીંતચિત્રો (ફ્રેસ્કોઝ) માટે પ્રખ્યાત છે.
આ પ્રદેશ ચુરુ, સિકર અને ઝુંઝુનુ જિલ્લાઓને આવરી લે છે. આ જગ્યા અઢળક ઐતિહાસિક વારસાને પોતાની અંદર સમાવીને બેઠી છે. જે પર્યટકોને ઐતિહાસિક જગ્યાઓ જોવાનો શોખ હોય, એમણે રાજસ્થાનના શેખાવતીની મુલાકાત ચોક્કસ લેવી જોઇએ. આ જગ્યા રાજસ્થાનની ઓફબીટ જગ્યાઓમાંની એક છે. રાજસ્થાનનું નામ આવે એટલે જયપુર, ઉદયપુરનું નામ પહેલાં આવે પણ હવે અત્યંત કોમન થઇ ગઇ છે ત્યારે હવે રાજસ્થાનની જ બહુ કોમન ન હોય એવી જગ્યાએ જવાનું મન થાય તો શેખાવતી ચોક્કસ જવું જોઇએ.
શેખાવતીનો ઇતિહાસ: શેખાવતીનું નામ રાવ શેખાજી પરથી પડ્યું છે, જેઓ 15મી સદીમાં અંબર (આજનું જયપુર) ના કચ્છવાહ રાજાના પૌત્ર હતા. રાવ શેખાજીએ આ પ્રદેશને સ્વતંત્ર બનાવ્યો અને શેખાવત વંશની સ્થાપના કરી. 18મી અને 19મી સદીમાં મારવાડી વેપારીઓએ આ પ્રદેશમાં રહીને ખૂબ કમાણી કરી અને ત્યાં ઇન્વેસ્ટ પણ કર્યું. આ વેપારીઓએ પોતાના ધનનો ઉપયોગ ભવ્ય હવેલીઓ બનાવવા માટે કર્યો. તેઓ પોતાના માટે અને આવનારી પેઢી માટે અહીં સુંદર હવેલીઓ અને મહેલો બનાવીને જવા માંગતા હતા. આ દરેક મહેલોની દીવાલો પર સુંદર ચિત્રો દોરવામાં આવ્યાં છે. આ ચિત્રોમાં લોકકથાઓ, પૌરાણિક કથાઓ, ધાર્મિક દૃશ્યો અને દૈનિક જીવનનાં દૃશ્યોનું નિરૂપણ કરવામાં આવ્યું છે. એ સમયના લોકોની અંદર કળાની કેટલી સૂઝ હતી, એ આ દીવાલો ઉપર દોરેલાં ચિત્રો ઉપરથી ખબર પડે છે.
શેખાવતીમાં જોવાલાયક સ્થળો
શેખાવતી પ્રદેશ તેના અનન્ય સ્થાપત્ય અને કલા માટે જાણીતો છે. અહીંનાં મુખ્ય જોવાલાયક સ્થળોમાં નીચેનાં સ્થળોનો સમાવેશ થાય છે:
નવલગઢ : નવલગઢ એ શેખાવતીનું હેરિટેજ સિટી છે. એની સ્થાપના ઠાકોર નવલસિંહજી બહાદુરે કરાવી હતી. અહીં ડાંગી હાઉસ, બાલકિયા હવામહેલ અને પોદ્દાર હવેલી જેવી ઘણી સુંદર હવેલીઓ આવેલી છે. આ હવેલીઓ તમને રાજવી ઠાઠમાઠનો અનુભવ કરાવશે. આ જગ્યા રહેવા માટે પણ બેસ્ટ માનવામાં આવે છે.
મંડાવા : આ શહેર તેની શાનદાર હવેલીઓ અને કિલ્લા માટે પ્રખ્યાત છે, જેમાં મુરલીધર ભેદીવાલા હવેલી, ગોવિંદરામ શરફ હવેલી અને સરાફ હવેલીનો સમાવેશ થાય છે. અહીંનાં ભીંતચિત્રો કલાપ્રેમીઓ માટે એક અદ્ભુત અનુભવ બની રહે છે. આ જગ્યાને ઓપન આર્ટ ગેલેરી તરીકે પણ ઓળખવામાં આવે છે જે ગેલેરીમાં ફરવાની કોઇ ફીઝ નથી.
ફતેહપુર : અહીં પણ ઘણી હવેલીઓ છે, જેમાં દેઓરા હવેલી અને સિંગાણિયા હવેલી ખાસ ઉલ્લેખનીય છે. આ જગ્યાને 1449માં ફતેખાન કાયામખાનીએ બનાવડાવી હતી.
લક્ષ્મણગઢ : અહીં એક ભવ્ય કિલ્લો છે જે શહેરના ઊંચા ટેકરા પર આવેલો છે, જેની આસપાસની હવેલીઓ પણ જોવાલાયક છે.
સિકર : શેખાવતીનું એક મહત્ત્વપૂર્ણ શહેર, જ્યાં જીણ માતા મંદિર અને ખાટુ શ્યામજી મંદિર જેવાં ધાર્મિક સ્થળો પણ આવેલાં છે.