દુનિયામાં એક-બે નહીં, પરંતુ અનેક પ્રાચીન ઇમારતો આવેલી છે. અમુક તો એવી છે જે સમયની સાથે ખંડેર જેવી બની ગઇ છે. જેને જોતાં જ ડર લાગે. આવી ઇમારતની અંદર જવાનું તો વિચારી જ ન શકાય અને જો કુતૂહલવશ અંદર જવાનું થાય તો પણ ભર શિયાળે પરસેવો છૂટી જાય. આ ઇમારત કોઇ રાજાનો મહેલ નહીં પરંતુ મંદિર છે.
મંદિરનું નામ પડતાં નવાઇ લાગે કે કોઇ મંદિરમાં જતાં ડર લાગે એવું ભાગ્યે જ બનતું હોય છે. હા, અમુક મંદિર સૂમસામ સ્થળે હોય અથવા જંગલની અંદર થઇને તેનો રસ્તો જતો હોય એવું બને, પણ ડર લાગે એવું તો ન જ હોય, પરંતુ તમને જાણીને નવાઇ લાગશે કે, ઇન્ડોનેશિયાના બાલીમાં એક મંદિર એવું છે જ્યાં જવામાં ખરેખર ડર લાગે, કારણ કે આ મંદિર જંગલની વચ્ચે હોવા ઉપરાંત તેની આસપાસની જગ્યા ખતરનાક છે. આ મંદિરનું નામ ગોવા ગિરી પુત્રી મંદિર છે, જે નુસા પેનિડા દ્વીપ પર આવેલ એક ગુફા મંદિર છે. જે બાલીના ભક્તો માટે મહત્ત્વ ધરાવે છે. આ મંદિર એક મોટી ગુફાની અંદર આવેલું છે. તેને નુસા પેનિડામાં આવેલ મુખ્ય સ્થળ માનવામાં આવે છે.
મંદિરની વિશેષતા
મંદિરની નજીક એક ભયાનક નદી વહે છે. આ નદીની અંદર પ્રાચીન પથ્થરની મૂર્તિઓ છે. અમુક મૂર્તિઓ તો સાપ અને અજગર આકારની છે. જાણે સાપ અને અજગર હકીકતમાં પથ્થર બની ગયા હોય એવું જ લાગે છે. ત્યાં પથ્થરની ગુફા આવેલી છે, જેમાંથી ફક્ત એક જ વ્યક્તિ અંદર જઇ શકે એટલી નાની જગ્યા છે. મંદિરની આસપાસની જગ્યા ડર લાગે એવી બિહામણી છે. ગુફામાં પ્રવેશ કર્યા બાદ અંદરની જગ્યા અદ્ભુત અને ભુલભુલૈયા જેવી છે. મંદિર સુધી પહોંચવા માટે ભક્તોએ 100 કરતાં પણ વધારે સીડીઓ ચડવી પડે છે. ગુફાની અંદર એક ઝરણું છે. એમાં કુદરતી ગુણો હોવાથી અનેક શારીરિક તકલીફો દૂર થાય છે એવું કહેવાય છે. આ ઉપરાંત મોટી મોટી શિલ્પકૃતિ ધરાવતી શિલાઓ જાણે કઇંક કહેતી હોય એવો અહેસાસ થાય છે. મંદિરમાં જવું હોય તો આપણાં સામાન્ય વસ્ત્રોમાં પ્રવેશ કરી શકાતો નથી. એ માટે ત્યાંનો પહેરવેશ પહેરવો અનિવાર્ય છે.
લોકપ્રિયતા અને ધાર્મિક મહત્ત્વ
આ મંદિર હિન્દુ ધર્મના અનુયાયીઓ માટે અત્યંત પવિત્ર સ્થળ માનવામાં આવે છે.
મંદિર અંદરથી ખૂબ જ શાંત, ભવ્ય અને આધ્યાત્મિક ઊર્જાથી ભરેલું હોય છે.
ઘણા લોકો અહીં પોતાના દૈવી કલ્યાણ અને આરોગ્ય માટે પૂજા કરવા આવે છે. એવું કહેવાય છે કે, અહીં માંગવામાં આવેલી દરેક ઇચ્છા પૂર્ણ થાય છે. વિશાળ ગુફાની અંદર સતત ચાલતી ધૂપ-દીપની સુગંધ વ્યક્તિને એક આધ્યાત્મિક અનુભવ આપે છે. ત્યાં તમે ભગવાન સાથેનું અદ્ભુત જોડાણ અનુભવી શકો છો. અહીંનો અંધકારમય પ્રવેશ અને પ્રકાશિત અંતરાળ જીવનના અનુભવોનું પ્રતીક બને છે. આ મંદિર હિન્દુ અને બૌદ્ધ ધર્મનાં તત્ત્વોને જોડે છે. ભગવાન શિવનાં અલગ અલગ સ્વરૂપો અને બૌદ્ધ દયાની દેવીનું પૂજન થાય છે.
મંદિરનો ઇતિહાસ
ગોવા ગિરી પુત્રી મંદિરના કોઇ ચોક્કસ માનવ નિર્માતા નથી. એવું કહેવાય છે કે, આજથી અનેક શતાબ્દી પહેલાં કોઇ સંતપુરુષે આ ગુફાને ધાર્મિક સ્થળ તરીકે ઓળખ આપી હતી. તેને લોકો માટે ઇ.સ. 1990 દરમિયાન ખુલ્લું મૂકાયું.
મંદિર અને દંતકથા
આ મંદિર સાથે અનેક દંતકથાઓ જોડાયેલી છે. એવું કહેવાય છે કે, દેવતાઓએ અહીં અવતરણ કર્યું હતું. અહીં પ્રથમ દેવી ક્વાન ઇન જે બૌદ્ધ ધર્મમાં દયાની દેવી છે એ આવ્યાં હતાં. એ પછી ભગવાન શિવ અને દેવી પાર્વતી અહીં ઊતર્યાં હતાં. દેવી પાર્વતી પછી હ્રાંગ ગિરી પુત્રી રૂપ ધારણ કર્યું અને આ ગુફાની રક્ષા કરવાનું સ્વીકાર્યું. તેથી આ મંદિરને શિવ તથા પાર્વતીનું સ્થાન માનવામાં આવે છે.
ગોવા ગિરી પુત્રિ મંદિર બાલીનું એક અનોખું, ગુફામય અને આધ્યાત્મિક દૃષ્ટિએ મહત્ત્વપૂર્ણ મંદિર છે, જ્યાં માતૃશક્તિની ઉપાસના થાય છે અને આંતરિક શાંતિનો અનુભવ થાય છે.