કહેવાય છે કે દુનિયા ગોળ છે અને આ ગોળ કહેવાતી દુનિયામાં એવી અનેક જગ્યા છે જે આપણને વિચારતા કરી મૂકે. એવી જ એક જગ્યા ફેશનનગરી પેરિસમાં છે, જ્યાં 60 લાખથી વધારે લોકોની ખોપરીઓ અને હાડકાં મૂકવામાં આવ્યાં છે.

એકસાથે આટલી બધી ખોપરીઓ અને હાડકાંઓ જોઇને કોઇને પણ ડર લાગી જાય. આ જગ્યાને કેટાકોમ્બ ઓફ પેરિસ અથવા તો ફ્રેન્ચ કેટાકોમ્બ પણ કહેવામાં આવે છે. અહીં જમીનની અંદર 20 મીટર નીચે એક ભોંયરું છે. જેમાં મૃત્યુ પામેલા લાખો લોકોની ખોપરીઓ અને હાડકાં છે.

ફ્રેન્ચ કેટાકોમ્બનો ઇતિહાસ

17મી સદીમાં પેરિસમાં આબાદી ઝડપથી વધી રહી હતી, સાથે મૃત્યુનો દર પણ વધી રહ્યો હતો. કબ્રસ્તાનની ઊણપને કારણે ડેડબોડીને દફનાવવા માટે જગ્યા નહોતી, પરિણામે ડેડબોડી સડવા લાગી. એકસાથે એક કરતાં વધારે લાસો સડવાને કારણે બીમારી ફેલાઇ શકવાનું જોખમ વધવા લાગ્યું હતું. એ વખતે શહેરના સૌથી મોટાં કબ્રસ્તાનો પણ ઓવરફ્લો થઇ ગયાં હતાં. આવી સ્થિતિ સર્જાતાં એ સમયના ઓફિસરો કબ્રસ્તાનને ખાલી કરવાનો ઉપાય વિચારવા લાગ્યા, જેથી મૃત્યુ પામેલા લોકોના અંતિમ સંસ્કાર કરી શકાય. એ દરમિયાન પેરિસના સૌથી મોટા કબ્રસ્તાનની દીવાલ પડી ગઇ, તેથી ઓફિસરોએ શહેરના એક ભાગમાં જમીનનું ઊંડાણપૂર્વક ખોદકામ કરીને નવું કબ્રસ્તાન બનાવ્યું. એ પછી જૂના કબ્રસ્તાનની તમામ લાશોને કાઢીને તેને આ નવી જગ્યાએ પહોંચાડવામાં આવી, જ્યાં ભોંયરું તૈયાર થઇ ગયું હતું. પછી આ અડધી ગળેલી લાશોને ભોંયરામાં એકસાથે દફનાવી દેવામાં આવી. આ ભોંયરું આમ જોવા જઇએ તો સુરંગ જેવું હતું. કહેવાય છે કે, લોશોને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવાનું કામ 1780થી 1814 સુધી ચાલ્યું હતું. આ સુરંગ સમાન ભોંયરું આશરે 320 કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલું છે.

રહસ્યમય ભોંયરું

રહસ્યોની દુનિયામાં જવાની ઇચ્છા ધરાવતા પેરિસના અનેક સ્થાનિક લોકો સુરંગ સુધી પહોંચવાનો પ્રયત્ન કરે છે. કબરથી ભરેલું ફ્રેન્ચ કેટાકોમ્બ ભલે ડરાવે એવું હોય, પરંતુ તેને જોવા માટે દૂર દૂરથી લોકો આવે છે. પહેલી વખત 1874માં અસ્તિત્વમાં આવ્યું. એ પછી તેના ઉપર સંશોધનો થયાં બાદ લોકો માટે ખોલવામાં આવ્યું. અત્યાર સુધી કરોડો લોકો કેટાકોમ્બની મુલાકાત લઇ ચૂક્યા છે. દરેક વ્યક્તિ આ ભોંયરામાં જઇ શકતી નથી. એમાં જનાર લોકોને સૂચના આપવામાં આવે છે કે, જેમને ગંધ સહન ન થતી હોય અને હાડપિંજરથી ડર લાગતો હોય તેમણે અહીં આવવું નહીં. ઘણી વખત એવું પણ બને છે કે અમુક એડવેન્ચરપ્રેમી યુવાનો અંદર પ્રવેશ નિષેધવાળા ભાગમાં જતા રહે છે અને પછી પરત ફરી શકતા નથી.

સુરંગમાં સિનેમાહોલ અને રેસ્ટોરાં ક્યાંથી?

આ ભોંયરામાં વિચિત્ર ઘટના ઘટતી રહે છે. પોલીસ સુરંગના ખાલી ભાગમાં કોઇ ટ્રેનિંગ માટે ગઇ હતી. સુરંગમાં થોડા કિલોમીટર અંદર ચાલ્યા બાદ, પોલીસને એક સિનેમાહોલ, રેસ્ટોરાં અને બાર મળ્યું. અહીં ફોન અને પાવર લાઇન્સ પણ હતી. એક સિક્રેટ કેમરો પોલીસને જોઇ રહ્યો હોય એમ, પોલીસ આ બધું જોઇને જ્યારે આસપાસના ભાગની તપાસ કરવા લાગી ત્યારે એમને એક નોટ મળી. જેમાં લખ્યું હતું, અમને શોધવાનો પ્રયત્ન ન કરતા. પોલીસને તરત ત્યાંથી બહાર નીકળવું પડ્યું. સુરંગની અંદર સિનેમાહોલ, રેસ્ટોરાં અને બાર કોણે બનાવ્યું એ આજ સુધી જાણી શકાયું નથી.

આજકાલ પેરિસમાં નવો ટ્રેન્ડ જોવા મળ્યો. સંશોધનમાં રસ દાખવતા લોકો કેટાકોમ્બ ઓફ પેરિસમાં જાય છે, ત્યાં સમય પસાર કરે છે અને બહાર નીકળી જાય છે. તેઓ લાશના ઢગલાથી દૂર રહે છે. જતા પહેલાં મેપ તૈયાર કરે છે, જેથી હાડકાંઓની વચ્ચે ખોવાઇ ન જવાય. ભોંયરામાં જઇને સંશોધન કરનારા લોકોની સંખ્યા બહુ ઓછી છે. ઘણા લોકોએ સુરંગની અંદર જઇને ત્યાંની તસવીરો પણ સાર્વજનિક રીતે શેર કરી છે.

60 લાખ ડેડ બોડી

કેટાકોમ્બમાં પાંચ-દસ નહીં, પરંતુ 60 લાખ ડેડ બોડીનો સમાવેશ કરવામાં આવ્યો છે. ડેડબોડીનાં હડકાં અને ખોપરીઓની આશરે બે-બે કિલોમીટર લાંબી દીવાલ બનાવવામાં આવી છે. કહેવાય છે કે ભોંયરાની શોધ પછી અહીંનાં હડકાંને વ્યવસ્થિત રીતે ગોઠવવામાં 10 વર્ષ લાગ્યાં હતાં. તમને જાણીને નવાઇ લાગશે કે કેટાકોમ્બનો ઉપયોગ હોલિવૂડ ફિલ્મ અને ફેશન શો માટે પણ કરવામાં આવ્યો છે.

આ પ્રકારનું કબ્રસ્તાન ઇટલીમાં પણ છે, જેને કાપૂચિન કેટાકોમ્બ કહે છે. એમાં 8000 વર્ષ જૂની ડેડબોડી મૂકવામાં આવી છે.