કોઈ અજાણી કે ત્રાહિત વ્યક્તિને નજરના સોયા વડે ત્રોફતો હોય એમ અવિનાશ સંગીતા સામે જોતો રહ્યો. આ બાબતે સંગીતા જરાય અજાણ નહોતી, તેથી તેણીએ નજર વડે જ સવાલ કર્યો: `બોલો પ્રભુ, શું કહેવા માગો છો?'

સંગીતાનો સાંકેતિક સવાલ જોઈ, સમજી અવિનાશને હૈયામાં ઘુમરાતી વાત મૂકવા પર વિશ્વાસ બેઠો. છતાંય થોડો હિચકિચાટ અનુભવ્યો, પણ કહ્યા વગર છૂટકો નહોતો. તેણે ગંભીર થઇ વાત છેડી: `હું સમજું ને સ્વીકારું પણ છું, માતૃત્વ પ્રાપ્ત કરવું એ સ્ત્રીનો જન્મજાત એવો વણલખ્યો અધિકાર છે, પણ....' ત્યાં સંગીતાએ પૂછ્યું: `પણ શું, કહી દો.' અવિનાશ એકશ્વાસે ને વિશ્વાસે બોલી ગયો: `પણ હું સંતાન ઇચ્છતો નથી.' પછી મનમાં હતું તે ઝડપથી કહી દીધું: `આ શરત કબૂલ હોય તો આપણે આગળ વધીએ.'

બે ક્ષણ વાતાવરણમાં સન્નાટો છવાઈ ગયો. બગીચાના સુગંધી માહોલમાં દુર્ગંધ પ્રવેશી ગઈ. સંગીતા તન-મનથી વિચલિત થઇ ગઈ. જાણે કિનારે પહોંચવા આવેલી નાવ એકાએક હાલકડોલક થવા લાગી. તેને હસવું કે પછી રડવું તે કંઈ સૂઝ્યું નહીં. આ બધું તેના માટે કલ્પના બહારનું હતું, પણ હકીકત હતી.

જીવનના અનુભવોથી ઘડાયેલી સંગીતાને સ્વસ્થ થતાં સમય ન લાગ્યો. જીવનભર સાથે રહેવાની સમજૂતી કરવા બેઠાં છીએ તો સામે કહેવું પડે: `તમે જ કહ્યું છે, જીવનસાથી થવા માટે કોઈ શરત ન હોય. તેમાં સ્નેહ, સમજણનો વણલખ્યો વ્યવહાર હોય.' આવું યાદ કરાવવામાં સંગીતા તદ્દન સાચી હતી. અવિનાશને સંકોચ સાથે શરમ જેવું લાગ્યું. સોરી કહી વાત વાળી કે ટાળી દે, પણ એમ ચાલે એવું નહોતું. પાછળથી બખેડા થાય તે હવે પોષાય કે પરવડે નહીં. દૂધનો દાઝ્યો છાશ ફૂંકી ફૂંકીને પીવે એવું હતું.

એક સાર્વજનિક હોસ્પિટલમાં બેઉ ઈન્ડોર પેશન્ટ તરીકે સારવાર લઇ રહ્યાં હતાં. ત્યાં દરરોજની મુલાકાતથી એક લાગણીનો તંતુ સંધાઇને સેતુ સમાન થઈ ગયો હતો. બંને ઘર ને સમાજથી તરછોડાયેલાં હતાં. બીમારીના ઇલાજમાં હૂંફ ને અરસપરસના સહવાસને પણ ઝંખતાં હતાં. તેમાં સંગીતાએ પેટ છૂટી વાત કરી દીધી હતી: `મારે ઘર છે પણ વર નથી.' સામે અવિનાશનો જવાબ હતો: `મેં તો છૂટાછેડામાં પત્નીને જ ઘર આપી દીધું.' પછી લાંબો નિસાસો નાખી સ્વગત બોલી ગયો હતો: `ઘરસંસાર ચાલવાનો જ ન હોય પછી ખોટું ખેંચ્યે રાખવાનો શું અર્થ છે.' આ વાત સંગીતાને શીરાના કોળિયા માફક ગળે ઊતરી હતી, કારણ કે ખુદનો પણ અનુભવ હતો. તેણીએ પૂછ્યું હતું: `આપણે સમજપૂર્વક સાથે રહીએ તો કેવું?' અવિનાશે સુધારો કર્યો હતો: `આપણે સાથે રહેવામાં સમજ દાખવીએ.' લગલગાટ બોલી જ ગયો હતો: `ને છતાંય અનુકૂળ ન આવે તો છુટ્ટા, બીજું શું?' આ સંગીતાને સારું લાગ્યું નહોતું. ગોળાકાર મોં બગડીને ત્રિકોણ જેવું થઇ ગયું હતું. તે ખિન્ન સ્વરે બોલી હતી: `પુરુષ આવું બોલી શકે, સ્ત્રી નહિ.' પછી કહી ઊઠી હતી: `સ્ત્રી આપવા બેસે ત્યારે પોતાનું સર્વસ્વ સમર્પિત કરી દેતી હોય છે.' સામે અવિનાશની જીભે આવી ગયું હતું: `ને લેવા બેસે ત્યારે પાછું વળીને જુએ પણ નહીં, ખરું ને!'

`સ્ત્રી-પુરુષ લગ્નસંબંધથી જોડાય એટલે સંતાન પેદા કરવું જરૂરી ને ફરજિયાત છે ખરું?' આવું કહેવું અવિનાશ માંડ રોકી શક્યો. સાચું કહેવામાં ક્યારેક સારું થવું અટકી ને છટકી જતું હોય છે, પણ સંગીતાથી સહેવાયું નહીં. તેની જીભે ચઢી ગયું હતું, સાથે રહેવું ન હોય તો વાંધો નથી. મગ-ચોખા ભળીને કંઈ ખીચડી રંધાઈ ગઇ નથી, પણ આવી શરત મૂકી કોઈ મારા સ્ત્રીત્વની અવગણના કરે તે મને પાલવે એવું નથી.

વાતાવરણમાં બફારો થયા પછી ઝરફરાટ શરૂ થયો હતો. વરસાદનાં ઝીણાં ઝીણાં ફોરાં તનને રોમાંચિત કરી રહ્યાં હતાં. બેઉના અંદરનો ધખારો ઠરવા ને ધીરજ ધરવા લાગ્યો હતો. `તમે હોસ્પિટલની જનરલ ઓપીડીમાં જોયું હશે, ઘણાં બાળકો વિચિત્ર રોગથી પીડાઇ રહ્યાં હતાં. તેમાં તેની જનેતાનો દેહનું ભાન ભૂલી જીવ રેડી દેવાનો બળકટ પ્રયાસ: મારું સંતાન કોઇ પણ ભોગે સાજું થવું જોઈએ.' પછી ઉમેર્યું હતું: `એવાં દિવ્યાંગ બાળકોની માતાની પીડાનો વિચાર કર્યો છે ખરો?'

જાણીતી છતાં અજાણી વાતને લઇ સંગીતા શાંતિથી સાંભળતી રહી. `આપણા ઘરસંસાર તૂટવા કે છૂટવામાં ક્યાંક આપણી ઊણપ કે અધૂરપ પણ કારણભૂત હશે, એ સ્વીકારવું પડે!' સંગીતા આવું સાંભળી સ્તબ્ધ થઇ ગઈ. ત્યાં અવિનાશે કહ્યું: `હવે ખુદની ખરાઇ કરવા બેસવું નથી, એ સમય ચાલ્યો ગયો.' સંગીતા મૂક સાક્ષી થઇ રહી.

`દરેક મા-બાપ ઇચ્છતાં હોય છે, ઉત્તમ સંતાન પેદા થાય, પણ દરેક માટે આ સાચું ઠરતું નથી.'

સંગીતાએ સામે જોઈ સંમતિ આપી. અવિનાશે કહ્યું: `આપણું બાળક પણ કેવું જન્મશે તેની ક્યાં ખબર છે?' સામે સંગીતાને હા પાડ્યા સિવાયનો કોઈ વિકલ્પ નહોતો. `કોઈ દિવ્યાંગને દત્તક લઈ નવજીવન શરૂ કરીએ તો કેવું!'

સંગીતાએ છાતીમાં શ્વાસ ભરીને જણાવ્યું: `મને વિચારવા સમય આપો.' સામે મઘમઘતું સ્મિત ફરકાવી અવિનાશે સંમતિ દર્શાવી.