મહાભારતના શાંતિપર્વમાં પિતામહ ભીષ્મ લીડરશિપની નૈતિકતા વિશે એવું ગહન દર્શન રજૂ કરે છે, જે આજના આધુનિક યુગમાં પણ નેતાઓ માટે માર્ગદર્શક છે.

ભીષ્મના મતે સાચો લીડર એ જ છે, જે પોતાના `હું'ની ભાવનાને ત્યજી, સાંખ્યધારાને અપનાવી, પોતાના જીવન અને કર્મોને નિષ્પક્ષ દૃષ્ટિએ નિહાળે. સાંખ્યજ્ઞાન, જેને ભીષ્મ જગતનું સર્વશ્રેષ્ઠ જ્ઞાન ગણાવે છે, એ માત્ર શાસ્ત્રોનું જ્ઞાન કે આચારસંહિતા નથી, પરંતુ એક સંપૂર્ણ જીવનધારા છે, જે લીડરને નૈતિકતાના ઉચ્ચ શિખરો સુધી લઈ જાય છે. ભીષ્મ માને છે કે જો લીડર પાસે સાંખ્યજ્ઞાન નહીં હોય તો તેને માટે રાજ્યશાસન કરવું અત્યંત મુશ્કેલ તો થઈ જ પડશે, પરંતુ તે લીડર તરીકે ઝાઝો સમય ટકી પણ નહીં શકે અને તે વિધ્વંશની દિશામાં ગતિ કરવા માંડે છે.

ભીષ્મ શાંતિપર્વમાં કહે છે કે નૈતિક લીડર બનવા માટે સૌથી પહેલાં પોતાના અહમને, એટલે કે `હું'ની ભાવનાને નાથવી જરૂરી છે. આ `હું'ની ભાવના વિશે તેઓ વારંવાર જુદાં જુદાં ઉદાહરણો દ્વારા સમજાવી ગયા છે. તેઓ કહે છે કે, `હું'પણું લીડરને સ્વકેન્દ્રી બનાવે છે, જેનાથી તે પોતાની સફળતા, નિષ્ફળતા કે નિર્ણયોને વ્યક્તિગત રીતે જોવા લાગે છે. આવા લીડર પોતાની જાતમાં જ એટલા બધા મશગૂલ થઈ જતા હોય છે કે તેઓ પાછળથી બીજાની જરૂરિયાતો, લાગણીઓ કે સમસ્યાઓને સમજવામાં અસમર્થ બને છે. સાંખ્યધારા લીડરને શીખવે છે કે પોતાના જીવનને થર્ડ પર્સનની દૃષ્ટિએ નિહાળવું, જાણે તે એક સાક્ષી હોય. આ દૃષ્ટિકોણ લીડરને સ્વાર્થ, લોભ કે વાસનાથી મુક્ત કરે છે, જેનાથી તેના નિર્ણયો ન્યાયી અને નૈતિક બને છે. ભીષ્મ કહે છે કે જે લીડર સાંખ્યવૃત્તિ વિના શાસ્ત્રોનું જ્ઞાન પ્રાપ્ત કરે છે, તેનું જ્ઞાન અધૂરું રહે છે, કારણ કે સાંખ્યજ્ઞાન વિના તે જ્ઞાન ખપમાં નથી આવતું.

નૈતિક લીડરશિપનો આધાર એ છે કે લીડર પોતાના દોષોને ઓળખી, તેના પર વિજય મેળવે. શાંતિપર્વમાં ભીષ્મ પાંચ મુખ્ય દોષો - કામ, ક્રોધ, ભય, નિદ્રા અને શ્વાસને લીડરની નૈતિકતા માટે સૌથી મોટા અવરોધો ગણાવે છે. આ દોષો પર કાબૂ મેળવવો એ નૈતિક લીડર બનવાની પ્રથમ શરત છે. કામ એટલે કે વાસના લીડરના મનને વિચલિત કરે છે. ભીષ્મ કહે છે કે ત્યાગ અને સંકલ્પ દ્વારા કામ પર નિયંત્રણ મેળવી શકાય. નૈતિક લીડર ભૌતિક લાલસાઓથી દૂર રહી, પોતાના નિર્ણયોને નિષ્પક્ષ રાખે છે. ક્રોધ લીડરની નૈતિક દૃષ્ટિને આંધળી બનાવે છે. ભીષ્મ ક્ષમાશીલતાને ક્રોધનો ઉપાય ગણાવે છે, જે લીડરના હૃદયમાં કરુણા જન્માવે છે. ભય લીડરના નિર્ણયોને ડગમગાવે છે. ભીષ્મના મતે પ્રમાદનો ત્યાગ અને સતત પરિશ્રમ દ્વારા ભયને દૂર કરી શકાય. નિદ્રા જો અનિયંત્રિત હોય, તો લીડરની ઉત્પાદકતા અને ચેતનાને નબળી પાડે છે. સત્ત્વ ગુણ અને નિયમિત પરિશ્રમ દ્વારા નિદ્રાને સંયમમાં રાખી શકાય. અંતે શ્વાસનો દોષ, એટલે કે અતિ આહાર, લીડરની શારીરિક અને માનસિક ઊર્જાને ઘટાડે છે. ભીષ્મ અલ્પાહારને શ્વાસના દોષનો ઉપાય ગણાવે છે, જે લીડરને તાજગી અને ઊર્જાથી ભરપૂર રાખે છે. વળી, આપણે આ શ્વાસના દોષને મદિરાપાન કે વધુ પડતી થતી પાર્ટીઝ સાથે પણ સરખાવી શકીએ છીએ.

શાંતિપર્વમાં ભીષ્મ ઉદાહરણો દ્વારા સમજાવે છે કે નૈતિક લીડર પોતાની ટીમ, સમાજ અને સંસ્થાના હિતને પોતાનાથી ઉપર રાખે છે. આવો લીડર બીજાની જરૂરિયાતો અને લાગણીઓને સમજે છે, જેનાથી તેની આસપાસના લોકોમાં વિશ્વાસ અને આદર જન્મે છે. નૈતિક લીડર હંમેશાં પોતાના કર્તવ્યને પ્રાથમિકતા આપે છે અને તેના નિર્ણયો સત્ય, ન્યાય અને કરુણાના આધારે લે છે. સાંખ્યધારા આવા લીડરને પોતાના `હું'થી મુક્ત કરી એક વિશાળ દૃષ્ટિકોણ આપે છે. આ દૃષ્ટિકોણ લીડરને શીખવે છે કે તેની સફળતા કે નિષ્ફળતા એ માત્ર તેના વ્યક્તિગત પ્રયાસોનું પરિણામ નથી, પરંતુ અનેક પરિબળોનું સંયોજન છે. આ ભાવના લીડરને નમ્ર અને જમીન સાથે જોડાયેલો રાખે છે, જે તેની નૈતિકતાને અકબંધ રાખે છે.

નૈતિક લીડરશિપ એ માત્ર વ્યક્તિગત સફળતા નથી, પરંતુ સમાજની ઉન્નતિ માટે પણ આવશ્યક છે. ભીષ્મનું દર્શન દર્શાવે છે કે જે લીડર પોતાના દોષો પર વિજય મેળવે છે અને સાંખ્યવૃત્તિને અપનાવે છે, તે ન માત્ર પોતાનું જીવન સમૃદ્ધ બનાવે છે, પરંતુ પોતાની આસપાસના લોકોના જીવનને પણ ઉજાળે છે. શાંતિપર્વનો સંદેશ સ્પષ્ટ છે, નૈતિકતા વિનાનું નેતૃત્વ એક ખોખલો ઢાંચો છે, જે વહેલો કે મોડો નષ્ટ થઈ જાય છે. ઈનશોર્ટ, સાચા લીડર બનવું હોય તો સાંખ્યધારાને અપનાવો, પોતાના `હું'ને ત્યજો, દોષો પર વિજય મેળવો અને નૈતિકતાને તમારી માર્ગદર્શક બનાવો. આવો લીડર ન માત્ર પોતાની સફળતા હાંસલ કરે છે, પરંતુ સમાજ માટે પણ એક આદર્શ બની રહે છે.