જ્યારે કોઈ હળવા નાસ્તાની વાત આવે ત્યારે સૌથી પહેલાં પૌંઆ (પોહા)ની યાદ આવે.

ખૂબ જ પૌષ્ટિક એવા પૌંઆની સારી બાબત એ છે કે તેને અલગ-અલગ ઘણી રેસિપીથી બનાવી શકાય છે. પૌંઆ આખા ભારતમાં ખવાય છે, પરંતુ તે મહારાષ્ટ્ર અને ઇન્દોરની ઓળખ કઈ રીતે બન્યા તે જાણવા જેવું છે. આ સ્વાદિષ્ટ નાસ્તાનો એક સમૃદ્ધ ઈતિહાસ અને સાંસ્કૃતિક મહત્ત્વ પણ છે. તે અમીર-ગરીબ એમ સૌની પસંદ છે, કારણ કે તે ખૂબ જ પૌષ્ટિક છે.

એકતા અને વિરાસતના પ્રતીક

પૌંઆ ખાસ કરીને ભારતના પશ્ચિમ તથા મધ્યના વિસ્તારોમાં મહત્ત્વપૂર્ણ સાંસ્કૃતિક મહત્ત્વ સમજાવે છે. મહારાષ્ટ્રમાં તે ગણેશ ચતુર્થી અને દિવાળી જેવા ઉત્સવોમાં પીરસવામાં આવતું મુખ્ય વ્યંજન છે. આ પારંપરિક મહારાષ્ટ્રીયન નાસ્તાનું એક અભિન્ન અંગ છે, જેને `કાંદા પોહા'ના નામથી ઓળખવામાં આવ્યું. જેમાં સ્વાદ વધારવા માટે કાંદા અને મસાલા મેળવવામાં આવે છે. તહેવાર દરમિયાન પૌંઆ બનાવવા અને એકબીજાને વહેંચવા એ એકતા અને પરંપરાઓનું પ્રતીક છે.

મધ્યપ્રદેશમાં પૌંઆ રાજ્યની પાક વિરાસતનો એક ભાગ છે. તેને હંમેશાં જલેબી સાથે જોડવામાં આવે છે. જેનાથી મીઠાશ અને નમકીન એમ બંને સ્વાદનું સામંજસ્યપૂર્ણ મિશ્રણ બને છે. પૌંઆ-જલેબી મધ્યપ્રદેશનો લોકપ્રિય નાસ્તો છે, જેનો લુત્ફ દરેક ઉંમરના લોકો ઉઠાવે છે. નરમ અને ફૂલેલા પૌંઆની સાથે કુરકુરી જબેલીનો અનોખો સ્વાદ સાસ્કૃતિક મિશ્રણનું પ્રતિનિધિત્વ કરે છે.

રાજસ્થાનમાં પૌંઆને `પોહા ચિવડા'ના નામથી ઓળખવામાં આવે છે અને તે એક લોકપ્રિય નાસ્તો છે, જેનો આનંદ ચાની સાથે લેવામાં આવે છે. અહીં પૌંઆ હંમેશાં હળદર, સરસવનાં બીજ અને મીઠા લીમડાનાં પત્તાં સહિત પ્રચુર માત્રામાં મસાલાઓ સાથે બનાવવામાં આવે છે જે એકદમ અલગ જ સ્વાદ આપે છે. પૌંઆ પ્રાચીન ભારતનું વ્યંજન છે

પૌંઆની ઉત્પત્તિનો અંદાજ પ્રાચીન ભારતના સમયથી લગાવી શકાય છે જ્યારે ચોખા સૌનું મુખ્ય ભોજન હતા. ચોખાને હળવા બાફવાની ટેક્નિક હતી, જેમાં ચોખાના દાણાને સૂકવી તથા ચપટો કરીને હળવો શેકવામાં પણ આવતો હતો અને તે હતા પૌંઆ. એવું માનવામાં આવે છે કે આ વ્યંજન ભારતીય ઉપમહાદ્વીપમાં જ વિકસિત થયું હતું. આ રીતનો ઉપયોગ કરીને ચોખાની સેલ્ફ લાઈફ તો વધારી જ શકાતી હતી, સાથે તેનો ઉપયોગ પાચન અને પોષણમૂલ્યને વધારવા માટે કરાતો હતો. સમયની સાથે ચોખામાંથી બનાવવામાં આવતી આ વસ્તુ પૌંઆ તરીકે ખૂબ જ લોકપ્રિય થઈ.

કહેવાય છે કે પૌંઆ મહારાષ્ટ્રમાં સૌથી પહેલાં અસ્તિત્વમાં આવ્યા હતા. હોલ્કર અને સિંધિયા શાસન અંતર્ગત આ વ્યંજને લોકોમાં લોકપ્રિયતા મેળવી. જ્યારે શાસક મહારાષ્ટ્રથી મધ્યપ્રદેશ ગયા ત્યારે તેમણે ઇન્દોર પર કબજો કરી લીધો અને તેઓ પોતાની મનગમતી વસ્તુઓની સાથે પૌંઆ અને શિખંડ પણ લાવ્યા. ઇતિહાસ જણાવે છે કે આ બંને વ્યંજન હોલ્કર અને સિંધિયાના સમયથી છે. વાસ્તવમાં બંને વ્યંજનોને મધ્યપ્રદેશના ઇતિહાસમાં પણ જોઈ શકાય છે, જે હોલ્કર અને સિંધિયાના આક્રમણ અને શાસનનો પણ સ્પષ્ટ સંકેત આપે છે.

પૌંઆનો સંભવિત સંદર્ભ મહાકાવ્ય `મહાભારત'માં પણ જોવા મળે છે. જેમાં સુદામાએ પોતાના મિત્ર શ્રીકૃષ્ણને ચોખાના દાણા (પૌંઆ) આપ્યા હતા. ભારતમાં પૌંઆની ઘણી રેસિપી પોપ્યુલર છે

ભારતનાં વિવિધ ક્ષેત્રોમાં પૌંઆ તૈયાર કરવાની અને તેને પોતાનો સ્વાદ આપવાની અનોખી રીતો છે. ભારતનાં પૂર્વી રાજ્યોમાં ખાસ કરીને પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં પૌંઆને `ચિરે'ના નામથી ઓળખવામાં આવે છે અને લોકપ્રિય નાસ્તા તરીકે તે ખવાય છે. તેની સાથે કેળું, દહીં અને ગોળ મેળવવામાં આવે છે જેનાથી એક અનોખી મીઠાશ આવે છે. મલાઈદાર દહીંની સાથે નરમ ચિરાનું કોમ્બિનેશન અને પાકા કેળાની પ્રાકૃતિક મીઠાશ સ્વાદને અનેકગણો વધારી દે છે.

ભારતના દક્ષિણ ભાગોમાં જાઓ ત્યારે પૌંઆ એક નવો અવતાર લે છે. તમિલનાડુમાં તેને `અવલ ઉપમા'ના નામથી ઓળખવામાં આવે છે અને તેને સરસવનાં બીજ, મીઠા લીમડાનાં પાન અને નાળિયેર ભેળવીને તૈયાર કરવામાં આવે છે, જે પૌંઆને એક દક્ષિણ ભારતીય સ્વાદ આપે છે. સરસવનાં બીજ અને મીઠા લીમડાનાં પાનનો તડકો (વઘાર) તેનો સ્વાદ વધારી દે છે અને નાળિયેર તેને વધારે પૌષ્ટિક બનાવે છે. આ જ રીતે કર્ણાટકમાં પૌંઆને `અવાલાક્કી'ના નામથી ઓળખવામાં આવે છે અને તેમાં સિંગદાણા તથા છીણેલું ગાજર પણ નાખવામાં આવે છે. હવે તો પૌંઆ ગ્લોબલ લેવલ પર પણ પહોંચી ગયા છે. પૌંઆએ સ્ટ્રીટ ફૂડથી માંડીને ફાઈવસ્ટાર હોટેલ-રેસ્ટોરાંમાં પોતાની અનોખી જગ્યા બનાવી છે.