જાન્યુઆરી, 1996. દિલ્હીમાં શિયાળાની સવાર હતી. સૂર્ય હજુ સંપૂર્ણપણે ઊગ્યો નહોતો અને ઠંડી હવા શહેરમાં ફરી રહી હતી.

વસંતકુંજના શાંત વિસ્તારમાં આવેલા એક મકાનમાં 25 વર્ષીય પ્રિયદર્શિની મટ્ટુ કે જે કાયદાની વિદ્યાર્થિની હતી, પોતાની સવારની દિનચર્યામાં વ્યસ્ત હતી. દિલ્હી યુનિવર્સિટીના લો સેન્ટરમાં ત્રીજા વર્ષમાં ભણતી પ્રિયદર્શિની મૂળ કાશ્મીરી પંડિત પરિવારમાંથી આવતી હતી, પરંતુ કાશ્મીરમાં વધતા આતંકવાદને કારણે તેમના પરિવારે પહેલાં જમ્મુ સ્થળાંતર કર્યું અને પછી દિલ્હીમાં સ્થાયી થયા હતા. પ્રિયદર્શિની એક તેજસ્વી અને આત્મવિશ્વાસુ યુવતી હતી, જેનાં સપનાં મોટાં હતાં અને આંખોમાં ભવિષ્યની ચમક હતી.

પરંતુ છેલ્લા કેટલાક સમયથી તેના જીવનમાં એક અંધકારમય પડછાયો છવાઈ ગયો હતો. સંતોષકુમાર સિંહ, તેની જ લો કોલેજનો ભૂતપૂર્વ વિદ્યાર્થી તેની પાછળ પાગલ હતો. સંતોષ કે જે એક ઉચ્ચ પોલીસ અધિકારીનો પુત્ર હતો. તે પ્રિયદર્શિનીને સતત હેરાન કરતો હતો, તેનો પીછો કરતો હતો અને તેને વારંવાર અયોગ્ય રીતે પ્રેમ પ્રસ્તાવ મૂકતો હતો. પ્રિયદર્શિનીએ તેની હેરાનગતિથી બચવા માટે પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી હતી, પરંતુ અહીંયાં ગુનેગાર પોતે જ પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીનો પુત્ર હતો. આથી શરૂઆતમાં કોઈએ આ મામલામાં બહુ ધ્યાન ન આપ્યું.

જ્યારે પ્રિયદર્શિની તરફથી ફરિયાદ વધવા લાગી ત્યારે વર્ષ 1995માં પ્રિયદર્શિનીને પોલીસ દ્વારા વ્યક્તિગત સુરક્ષા પણ આપવામાં આવી હતી. પોલીસનું આ પગલું એ વાતની સાબિતી હતું કે, પ્રિયદર્શિનીને કેટલી હદે હેરાન કરવામાં આવી રહી હતી અને પરિસ્થિતિ કેટલી ગંભીર હતી. સંતોષે બદલો લેવા માટે યુનિવર્સિટીમાં પ્રિયદર્શિની વિરુદ્ધ ખોટી ફરિયાદ પણ કરી હતી કે પ્રિયદર્શિની એકસાથે બે ડિગ્રી કરી રહી છે. જોકે, સંતોષની આ ફરિયાદ પાછળથી ખોટી સાબિત થઈ હતી.

23 જાન્યુઆરી, 1996ની સવારે લગભગ 10 વાગ્યાનો સમય હતો. પ્રિયદર્શિની તેના કાકાના વસંતકુંજસ્થિત નિવાસસ્થાને એકલી હતી. અચાનક દરવાજા પર કોઈએ ટકોરા માર્યા. પ્રિયદર્શિનીએ દરવાજો ખોલ્યો અને સામે સંતોષસિંહને ઊભેલો જોયો. સંતોષે કદાચ કોઈ `સમાધાન'ની વાત કરવા આવ્યો હોવાનો ઢોંગ કર્યો, જે તેમની વચ્ચે ચાલી રહેલા કાયદાકીય કેસને લઈને હોય તેવું લાગી રહ્યું હતું. ઘરમાં હાજર નોકરે સંતોષને અંદર પ્રવેશતાં જોયો હતો. તે સમયે કોઈને અંદાજ નહોતો કે આ મુલાકાત કેટલી ભયાનક બનવાની હતી.

સંતોષ અંદર પ્રવેશ્યો. શરૂઆતમાં કદાચ બંને વચ્ચે થોડી વાતચીત થઈ હશે, પરંતુ ટૂંક સમયમાં જ પરિસ્થિતિ વણસી ગઈ. સંતોષનો ઇરાદો સમાધાનનો નહીં, પરંતુ પ્રિયદર્શિનીને પોતાના વશમાં કરવાનો હતો. પ્રિયદર્શિનીએ પ્રતિકાર કર્યો હશે, પરંતુ સંતોષની તાકાત અને તેની હિંસક વૃત્તિ સામે તે લાચાર બની ગઈ.

જે બન્યું તે કોઈ પણ સંવેદનશીલ વ્યક્તિના રૂંવાડાં ઊભાં કરી દે તેવું હતું. સંતોષે પ્રિયદર્શિની પર દુષ્કર્મ ગુજાર્યું. ત્યારબાદ તેણે પ્રિયદર્શિનીને ક્રૂરતાથી માર માર્યો. પોતાની સાથે લાવેલા મોટરસાઇકલ હેલ્મેટથી તેણે પ્રિયદર્શિનીના માથા અને શરીર પર 14 વખત પ્રહાર કર્યા. પ્રિયદર્શિનીના ચહેરાને ઓળખી ન શકાય તેટલો વિકૃત કરી દેવામાં આવ્યો અને અંતે તેણે એક ઇલેક્ટ્રિક વાયર વડે પ્રિયદર્શિનીનું ગળું દબાવીને તેની હત્યા કરી નાખી.

આ કૃત્ય કર્યા પછી પણ સંતોષ થોડો સમય ઘરમાં જ રહ્યો હતો, જે પાછળથી કાર્યવાહીમાં સાબિત થયું. તેણે પોતાના ગુનાના નિશાન ભૂંસવાનો પ્રયાસ કર્યો હશે, પરંતુ સમય અને કાયદાની પકડમાંથી કોઈ છટકી શકતું નથી.

બપોરના સમયે જ્યારે પ્રિયદર્શિનીના પરિવારજનો ઘરે પાછા ફર્યા, ત્યારે તેમને ઘરમાં અસામાન્ય શાંતિનો અનુભવ થયો. તેમણે પ્રિયદર્શિનીને બોલાવી, પરંતુ કોઈ જવાબ ન મળ્યો. તેમણે એક અશુભ શંકાનો અનુભવ કર્યો. અંદરના ઓરડામાં પ્રિયદર્શિનીનો નિષ્પ્રાણ દેહ પડ્યો હતો. દૃશ્ય એટલું ભયાવહ હતું કે કોઈ પણ વ્યક્તિનો આત્મા કંપી ઊઠે. તેનો ચહેરો ઓળખી ન શકાય તેવી રીતે ઇજાગ્રસ્ત હતો અને શરીર પર હિંસક હુમલાનાં સ્પષ્ટ નિશાન હતાં. પરિવારજનોના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેમની લાડકવાયી દીકરી કે જે હજુ થોડા કલાકો પહેલાં જીવંત અને ઉત્સાહિત હતી, તે હવે ફક્ત એક નિર્જીવ શરીર હતી.

તરત જ પોલીસને જાણ કરવામાં આવી. દિલ્હી પોલીસ ઘટનાસ્થળે પહોંચી. પ્રાથમિક તપાસમાં જ સ્પષ્ટ થઈ ગયું કે આ કોઈ સામાન્ય મૃત્યુ નહોતું, પરંતુ એક ભયાનક બળાત્કાર અને હત્યાનો કિસ્સો હતો. પ્રિયદર્શિનીના પરિવારજનોએ તરત જ સંતોષસિંહ પર શંકા વ્યક્ત કરી, કારણ કે તે લાંબા સમયથી પ્રિયદર્શિનીને હેરાન કરી રહ્યો હતો.

પોલીસે તપાસ શરૂ કરી. ફોરેન્સિક ટીમને બોલાવવામાં આવી અને પુરાવા એકત્રિત કરવાનું કામ શરૂ થયું. પરંતુ શરૂઆતથી જ આ કેસમાં એક અસામાન્ય દબાણ અને પ્રભાવનો અનુભવ થવા લાગ્યો. સંતોષસિંહના પિતા એક ઉચ્ચ પોલીસ અધિકારી હોવાને કારણે દિલ્હી પોલીસ પર પરોક્ષ રીતે દબાણ હતું. પાછળથી ન્યાયાધીશે પણ દિલ્હી પોલીસની તપાસ પર સવાલો ઉઠાવ્યા હતા અને કહ્યું હતું કે પોલીસે આરોપીને મદદ કરવાનો પ્રયાસ કર્યો હતો.

આ કેસની ગંભીરતા અને તેમાં સંડોવાયેલા પ્રભાવશાળી વ્યક્તિને કારણે કોર્ટે આ કેસની તપાસ સેન્ટ્રલ બ્યૂરો ઑફ ઇન્વેસ્ટિગેશન(CBI)ને સોંપી દીધી. આ નિર્ણયથી પીડિત પરિવારને થોડી રાહત થઈ, કારણ કે તેમને આશા હતી કે CBI આ કેસની નિષ્પક્ષપણે તપાસ કરશે.

CBIએ તપાસ હાથ ધરી. પુરાવા એકત્રિત કર્યા. સાક્ષીઓનાં નિવેદનો નોંધ્યાં અને સંતોષસિંહ વિરુદ્ધ મજબૂત કેસ બનાવવાનો પ્રયાસ કર્યો. સંતોષસિંહની ઘટનાસ્થળે હાજરી, પ્રિયદર્શિનીના શરીર પરના ઘા અને તેની પૂર્વ હેરાનગતિના પુરાવા - આ બધું સંતોષને ગુનેગાર તરીકે સ્પષ્ટપણે દર્શાવતું હતું.

1996માં CBIએ સંતોષસિંહ વિરુદ્ધ હત્યા અને બળાત્કારના આરોપ હેઠળ ચાર્જશીટ દાખલ કરી. કેસની સુનાવણી શરૂ થઈ. પ્રિયદર્શિનીના પિતા ચમનલાલ મટ્ટુ તેમની પુત્રી માટે ન્યાય મેળવવા માટે અડગ હતા. તેઓ દરેક સુનાવણીમાં હાજર રહેતા, મીડિયા સાથે વાત કરતા અને ન્યાય માટે સતત લડતા રહ્યા.

3 ડિસેમ્બર, 1999ના રોજ ટ્રાયલ કોર્ટના એડિશનલ સેશન્સ જજ જી.પી. થરેજાએ એક આઘાતજનક ચુકાદો આપ્યો.

તેમણે સંતોષસિંહને નિર્દોષ છોડી મૂક્યો. ન્યાયાધીશે પોતાના ચુકાદામાં સ્વીકાર્યું કે `આરોપી જ ગુનો કરનાર વ્યક્તિ હતો' તેમ છતાં તેમણે પુરાવાના અભાવે `શંકાનો લાભ' આપીને સંતોષને મુક્ત કર્યો. આ ચુકાદાથી સમગ્ર દેશમાં આક્રોશ ફાટી નીકળ્યો. લોકોએ આને ન્યાયતંત્રની નિષ્ફળતા અને પ્રભાવશાળી વ્યક્તિના દબાણનું પરિણામ ગણાવ્યું.

પ્રિયદર્શિનીના પરિવાર માટે આ એક મોટો આઘાત હતો. 10 વર્ષ સુધી ચાલેલી લડાઈ પછી પણ તેમને ન્યાય મળ્યો નહોતો. ચમનલાલ મટ્ટુ ભાંગી પડ્યા, પરંતુ તેમણે હાર ન માની. તેમણે આ ચુકાદા વિરુદ્ધ અપીલ કરવાનું નક્કી કર્યું.

સંતોષસિંહના નિર્દોષ છૂટ્યા પછી દેશભરમાં ભારે વિરોધ પ્રદર્શનો થયાં. વિદ્યાર્થીઓ, કાર્યકરો અને સામાન્ય લોકો `પ્રિયદર્શિની માટે ન્યાય' અભિયાનમાં જોડાયા. આ કેસ જેસિકા લાલ અને નીતિશ કટારા હત્યા કેસ સાથે ભારતીય ન્યાય પ્રણાલીનાં અંધકારમય પાસાંઓને ઉજાગર કરતો એક ટ્રાયેંગલ કેસ બની ગયો. આ કેસોમાં પ્રભાવશાળી આરોપીઓ દ્વારા પુરાવાઓ સાથે ચેડાં કરવાં, સાક્ષીઓને ધમકાવવા અને પોલીસની સાંઠગાંઠ જેવી બાબતો સામે આવી હતી, જેના કારણે જનતામાં ભારે રોષ જોવા મળ્યો હતો.

મીડિયાએ પણ આ કેસને ઉગ્રતાથી ઉઠાવ્યો. સતત દબાણ અને જનઆક્રોશને કારણે CBIએ 29 ફેબ્રુઆરી, 2000ના રોજ દિલ્હી હાઈકોર્ટમાં ટ્રાયલ કોર્ટના ચુકાદા વિરુદ્ધ અપીલ દાખલ કરી. જોકે, શરૂઆતમાં આ કેસને પ્રાધાન્ય મળ્યું નહોતું અને 2006 સુધી દિલ્હી હાઈકોર્ટમાં કોઈ સુનાવણી કે પુરાવા રજૂ કરવામાં આવ્યા નહોતા.

31 ઓગસ્ટ, 2006ના રોજ 6 વર્ષની સુસ્તી પછી દિલ્હી હાઈકોર્ટના જસ્ટિસ આર.એસ. સોઢી અને પી.કે. ભસીનની ખંડપીઠે આ કેસની દિન-પ્રતિદિન સુનાવણી શરૂ કરી. ભારતીય ન્યાયપ્રણાલીમાં આવું ભાગ્યે જ જોવા મળે છે. આ ઝડપી સુનાવણી એક અભૂતપૂર્વ ઘટના હતી.

દિલ્હી હાઈકોર્ટમાં આ કેસની સુનાવણી 42 દિવસમાં પૂર્ણ થઈ, જે એક રેકોર્ડ હતો. 17 ઓક્ટોબર, 2006ના રોજ દિલ્હી હાઈકોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો. કોર્ટે સંતોષકુમાર સિંહને બળાત્કાર (ભારતીય દંડ સંહિતાની કલમ 376) અને હત્યા (કલમ 302) બંને ગુનાઓમાં દોષિત ઠેરવ્યો. હાઈકોર્ટે ટ્રાયલ કોર્ટના જજ જી.પી. થરેજાના મૂળ ચુકાદાની સખત ટીકા કરી અને તેને `વિકૃત અભિગમ' ગણાવ્યો.

30 ઓક્ટોબર, 2006ના રોજ દિલ્હી હાઈકોર્ટે સંતોષસિંહને ફાંસીની સજા ફટકારી. કોર્ટે તેને `દૈત્યિક' કૃત્ય ગણાવ્યું અને કહ્યું કે આવી ઘૃણાસ્પદ અને ક્રૂર હત્યા માટે આરોપીને ફાંસીથી ઓછી કોઈ સજા ન હોઈ શકે.

દિલ્હી હાઈકોર્ટના ચુકાદા સામે સંતોષસિંહે 19 ફેબ્રુઆરી, 2007ના રોજ ભારતની સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરી. તેણે પોતાની ફાંસીની સજા ઘટાડવાની વિનંતી કરી. કેસ ફરીથી સુનાવણી માટે આવ્યો અને ફરી એકવાર દેશની નજર આ કેસ પર ટકેલી હતી.

06 ઓક્ટોબર, 2010ના રોજ સર્વોચ્ચ અદાલતે પોતાનો ચુકાદો આપ્યો. સુપ્રીમ કોર્ટે સંતોષકુમાર સિંહની દોષિત ઠેરવવાની સજાને યથાવત્ રાખી, એટલે કે તેને બળાત્કાર અને હત્યાનો દોષિત માનવામાં આવ્યો. જોકે, કોર્ટે તેની ફાંસીની સજાને આજીવન કેદમાં ફેરવી દીધી.