બેડ જોક એલર્ટ! હમણાં શનિવારે આપણે સહુ રક્ષાબંધનનો તહેવાર ઊજવીશું. જરા વિચાર કરો કે કોઈ કન્યાએ ઓક્ટોપસને પોતાનો `માનેલો ભાઈ' ગણ્યો હોય, તો એને આઠ-આઠ રાખડીઓ બાંધવી પડશે. આટલો ખર્ચો કર્યા પછીય વીરપસલીમાં મળશે શું? દરિયાઈ શેવાળમાંથી બનાવેલો ગુલદસ્તો, બીજું શું! ઓકે સોરી. બેડ જોક અહીં પૂરો અને વિજ્ઞાનની વાત શરૂ.

 ઓક્ટોપસને આઠ હાથ હોય છે, એ ચવાઈ ગયેલી માહિતી છે. એટલે જ તો એનું નામ ગ્રીક અંક `ઓક્ટો' એટલે કે આઠ ઉપરથી રખાયું છે. આપણે કાર્ટૂન ફિલ્મોથી માંડીને દરિયાઈ કથાઓ સુધી ઓક્ટોપસને સારાનરસા અનેક સ્વરૂપે જોયો છે, પણ શરીરમાં એક્કેય હાડકા વિનાના વિચિત્ર આકાર ધરાવતા આ દરિયાઈ પ્રાણીમાં લાંબા લપસીંદર જેવા આઠ પગ સિવાયની પણ અનેક ખૂબીઓ છે. એનાથીય વિશેષ બાબત એ છે કે છેલ્લા થોડા વર્ષોથી વૈજ્ઞાનિકોનું એક જૂથ એને `એલિયન' એટલે કે બહારના કોઈક ગ્રહ પરથી આવીને પૃથ્વી પર વસી ગયેલું પ્રાણી માને છે!

 આપણને ખ્યાલ નથી પણ સમુદ્રી જીવોમાં ઓક્ટોપસની ગણના અત્યંત બુદ્ધિશાળી પ્રાણી તરીકે થાય છે. તેની યાદશક્તિ, નવી બાબતો શીખવાની શક્તિ કે સમસ્યા હલ કરવાની શક્તિ બીજા જળચરોની સરખામણીએ ક્યાંય બહેતર છે. પ્રયોગો પરથી સાબિત થયું છે કે ઓક્ટોપસ બરણીનું ઢાંકણ ખોલવું કે ભુલભુલામણીમાંથી બહાર નીકળવા જેવાં જટિલ કાર્યો આસાનીથી કરી શકે છે. વૈજ્ઞાનિકોએ બે ઓક્ટોપસને સાથે રાખીને પ્રયોગ કરેલો. એકને અન્ડરવોટર ભુલભુલામણીવાળી રચનામાં એવી રીતે છૂટો મૂકી દેવાયો, જેથી બીજો ઓક્ટોપસ એને જોઈ શકે. પહેલા ઓક્ટોપસે પોતાની મેળે બહાર નીકળવાનો રસ્તો શોધી લીધો. એથીય આશ્ચર્યજનક બાબત એ હતી કે નવરા બેઠા બેઠા તમાશો જોઈ રહેલા બીજા ઓક્ટોપસે પહેલા ઓક્ટોપસની મેથડને બરાબર સમજી લીધી. જ્યારે એનો વારો આવ્યો ત્યારે એ પહેલા ઓક્ટોપસની સરખામણીએ ઓછા સમયમાં ભુલભુલામણી પાર કરી શક્યો.

 ઔર યે તો કુછ ભી નહિ. ખરી નવાઈ પમાડે એવી વાત તો એ છે કે ઓક્ટોપસના ઢંગધડા વગરના શરીરમાં ત્રણ-ત્રણ હૃદય આવેલાં હોય છે! એક મુખ્ય હૃદય અને બાકીના બેને તમે પેટા હૃદય કહી શકો. ઓક્ટોપસ તરતો હોય ત્યારે મુખ્ય હૃદય આરામ ફરમાવે છે અને પેટા હ્રદયો કામે લાગે છે. તમને જો એમ હોય કે ત્રણ-ત્રણ હૃદયધારી ઓક્ટોપસની લવલાઈફ બહુ રંગીન હશે, તો એવી ભ્રમણા રાખશો નહિ! સૈયારા ફિલ્મ જોઈને પોકે પોકે રડનાર આપણી જેન ઝી જો ઓક્ટોપસની `પ્રેમકહાણી' સાંભળે તો આઘાતને કારણે કદાચ કોમામાં સરી પડે.

 નર અને માદા વચ્ચેની પ્રજનનક્રિયા બાદ માદા ઈંડાં મૂકે છે અને એના સેવનમાં એટલી કાળજી રાખે છે કે પોતે જ ખાવા-પીવાનું ભૂલી જાય! ઈંડાંમાંથી બચ્ચાં બહાર આવે ત્યાં સુધીમાં તો ભૂખને કારણે માદા ઓક્ટોપસના રામ રમી ગયા હોય! ઇન શોર્ટ, દરેક ઓક્ટોપસ એક અનાથ બાળક તરીકે પેદા થાય છે અને હિન્દી ફિલ્મોના હીરોની માફક ઝાલિમ જમાના સામે ઝીંક ઝીલીને પોતાની મેળે જ જીવન જીવતા શીખે છે. ગુડ જોબ. પણ આ બધામાં પેલી એલિયનવાળી વાત ક્યાંથી આવી?

 સૌથી પહેલાં તો ઓક્ટોપસની રંગ બદલવાની ક્ષમતા, અત્યંત બુદ્ધિશાળી વર્તન, બ્લૂ બ્લડ અને શરીરની લવચીકતા જોઈને જ શંકા જાય કે યે શાણા અપૂન કે એરિયા કા નહિ લગતા! અમેરિકાની યુનિવર્સિટી ઓફ શિકાગો તેમજ જાપાનની ઓકિનાવા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજીના સંશોધકો દ્વારા સ્વતંત્ર રીતે જે પ્રયોગો થયા, એ પરથી સમજાયું કે ઓક્ટોપસનું DNA અને આનુવંશિક માળખું પૃથ્વીના અન્ય જીવો કરતાં ખૂબ અલગ છે. ઓક્ટોપસના અત્યંત જટિલ જીનોમમાં 33,000 પ્રોટીન-કોડિંગ જનીનો છે. બીજા શબ્દોમાં ઓક્ટોપસ પાસે મનુષ્યોની સરખામણીએ દસેક હજાર જેટલા વધુ જનીનો છે. કોપર બેઝ્ડ પ્રોટીનની હાજરીને કારણે ઓક્ટોપસનું લોહી પણ લાલને બદલે ભૂરું હોય છે.

 આ બધા મુદ્દા સાચા, પણ એનાથી ઓક્ટોપસને `એલિયન' શી રીતે સાબિત કરી શકાય? એના માટે તમારે જરા `પેન્સપર્મિયા' (Panspermia) શબ્દ સમજવો પડે. પેન્સપર્મિયા એ એક વૈજ્ઞાનિક પરિકલ્પના (hypothesis) છે, જે સૂચવે છે કે પૃથ્વી પરનું જીવન અથવા જીવનના મૂળભૂત ઘટકો (જેમ કે સૂક્ષ્મજીવો, એમિનો એસિડ્સ કે અન્ય જૈવિક અણુઓ) બાહ્ય અવકાશમાંથી ઉલ્કાઓ, ધૂમકેતુઓ કે અન્ય અવકાશી પદાર્થો દ્વારા પૃથ્વી પર આવ્યા હોઈ શકે છે.

આ થિયરી માને છે કે જીવનનો ઉદ્ભવ સીધો પૃથ્વી પર ન થયો હોય, પરંતુ તેનાં બીજ બ્રહ્માંડના અન્ય ભાગમાંથી આવ્યા હોઈ શકે છે. ઓક્ટોપસના અનોખા આનુવંશિક માળખા અને રેટ્રોવાઇરસ જેવાં તત્ત્વોને કેટલાક વૈજ્ઞાનિકો પેન્સપર્મિયા સાથે જોડે છે. એમનું માનવું છે કે એકાદ ઉલ્કાની પીઠ પર સવાર થઈને આ આઠપગાળો સમુદ્ર માથે ખાબક્યો હશે. જોકે, આ ધારણાને હજી સુધી વૈજ્ઞાનિક રીતે સાબિત કરી શકાઈ નથી.

 ઓક્ટોપસ ગમે તે ગામનો હોય, આપણને શું ફરક પડે ભાઈ! આપણને તો દરિયાઈ સાહસકથાઓ અને યુ ટ્યૂબના વીડિયોઝ જોઈને મોજ કરવા સાથે જ નિસ્બત. તો આ રંગબેરંગી આઠપગાળા જીવનાં કરતબ જોવા મંડી પડો યુ ટ્યૂબ પર.