તમે નર્મદા નદીની આસપાસ ફરવા માંગતા હોવ તો એક સુંદર જગ્યા વિશે આજે વાત કરીએ. આ જગ્યાનો ઇતિહાસ જ નર્મદા સાથે જોડાયેલો છે. આ જગ્યા એટલે ભેડઘાટ.

ભેડાઘાટ મધ્ય પ્રદેશ રાજ્યના જબલપુર જિલ્લામાં આવેલું એક અદ્ભુત અને રમણીય પર્યટન સ્થળ છે. નર્મદા નદી અહીં આરસપહાણના ખડકો વચ્ચેથી વહે છે, જે અદ્ભુત દૃશ્ય સર્જે છે. જે પર્યટકો શાંત વાતાવરણમાં ફરવાનું પસંદ કરતા હોય તેમજ પવિત્ર જગ્યાએ જવાનું મન ધરાવતા હોય એમણે ચોક્કસ આ જગ્યાએ જવું જોઇએ.

ભેડાઘાટનો ઇતિહાસ :

 ભેડાઘાટનો ઇતિહાસ મુખ્યત્વે નર્મદા નદી અને તેની આસપાસના ભૂસ્તરીય નિર્માણ સાથે જોડાયેલો છે. આ સ્થળ હજારો વર્ષોથી નર્મદા નદીના પ્રવાહ દ્વારા કોતરેલા આરસપહાણના ખડકો માટે જાણીતું છે. ઐતિહાસિક રીતે આ વિસ્તારમાં `ચોસઠ જોગણી મંદિર' આવેલું છે, જે ભારતીય પુરાતત્ત્વ વિભાગ દ્વારા સંરક્ષિત છે. આ મંદિર પ્રાચીનકાળથી દેવીપૂજાનું કેન્દ્ર રહ્યું છે અને તેની સ્થાપત્યકલા રસપ્રદ છે. નદીના પ્રવાહ દરમિયાન એક સ્થળે શિવલિંગ પણ છે, જેની પ્રાણપ્રતિષ્ઠા હોળકર સંસ્થાનનાં શાસક રાણી અહલ્યાદેવી હોળકર દ્વારા કરવામાં આવી હતી.

ભેડાઘાટ અને નજીકનાં સ્થળો :

ધુંઆધાર ધોધ : ભેડાઘાટનું મુખ્ય આકર્ષણ ધુંઆધાર ધોધ છે. અહીં નર્મદા નદી આશરે 10 મીટરની ઊંચાઈથી નીચે ખીણમાં પડે છે અને પાણીના પ્રચંડ વેગને કારણે ધુમાડા જેવું વાતાવરણ સર્જાય છે. જેમાંથી તેનું નામ `ધુંઆધાર' પડ્યું છે. આ ધોધનું દૃશ્ય ખૂબ જ ભવ્ય અને રોમાંચક હોય છે. આ જગ્યા પિકનિક સ્પોટ હોવાની સાથે એડવેન્ચર સ્પોટ પણ છે. તમે અહીં બોટિંગ અને કેબલ કારની પણ મજા માણી શકો છો.

માર્બલ રોક્સ : ભેડાઘાટની સૌથી મોટી વિશિષ્ટતા નર્મદા નદીના બંને કિનારે આવેલી આરસપહાણની ઊંચી ભેખડો છે. આ ખડકો 16થી 32 મીટર ઊંચી હોય છે અને સૂર્યપ્રકાશમાં તે અત્યંત સુંદર અને ચળકતી દેખાય છે. બોટિંગ કરતી વખતે આ ખડકોની વચ્ચેથી પસાર થવાનો અનુભવ અદ્ભુત હોય છે. ખાસ કરીને પૂનમના દિવસે ચંદ્રપ્રકાશમાં આરસપહાણની સુંદરતા અવર્ણનીય હોય છે. આ જગ્યા તમને ભારતની બહાર કોઇ જગ્યાએ ફરવા ગયા હોય એવી અનુભૂતિ કરાવશે.

ચોસઠ જોગણી મંદિર: આ એક પ્રાચીન મંદિર છે, જે ઐતિહાસિક અને ધાર્મિક મહત્ત્વ ધરાવે છે. આ મંદિર દેવી જોગણીઓને સમર્પિત છે અને તેની શિલ્પકલા પણ જોવાલાયક છે. ચોસઠ જોગણી મંદિર સ્થાપત્ય કળાની દૃષ્ટિએ સમૃદ્ધ માનવામાં આવે છે. મંદિરની કોતરણી મનમોહક છે.

બંદર કૂદની : નદીના પ્રવાહના એક સ્થળે નદીનો પટ એટલો બધો સાંકડો બની જાય છે કે વાંદરો એક કાંઠેથી સામે કાંઠે છલાંગ મારીને જઈ શકે છે. બસ એ જગ્યાની આવી સંકડાશના કારણે જ આ સ્થળ `બંદર કૂદની' તરીકે ઓળખાય છે.

બરઘી ડેમ : જબલપુર નજીક આવેલો બરઘી ડેમ પણ એક સુંદર સ્થળ છે, જ્યાં તમે પ્રકૃતિનો આનંદ માણી શકો છો. આ સ્થળ પિકનિક સ્પોટ છે એટલે પર્યટકો અહીં મોટેભાગે ઉજાણી કરવા ખૂબ આવતા હોય છે. મદન મહેલ : જબલપુરમાં આવેલો આ પ્રાચીન મહેલ ઐતિહાસિક મહત્ત્વ ધરાવે છે અને તેનું નિર્માણ ગઢા મંડલાના ગોંડ રાજા મદન શાહ દ્વારા કરવામાં આવ્યું હતું.

બેલેન્સિંગ રોક : જબલપુરની એક કુદરતી અજાયબી છે, જ્યાં એક વિશાળ ખડક બીજા એક નાના પથ્થર પર સંતુલિત રીતે ટકેલો છે. ભેડાઘાટ પ્રકૃતિપ્રેમીઓ, સાહસિકો અને ફોટોગ્રાફરો માટે એક આદર્શ સ્થળ છે. અહીંની કુદરતી સુંદરતા અને શાંત વાતાવરણ પ્રવાસીઓને મંત્રમુગ્ધ કરી દે છે.