એક સર્વેમાં જણાવ્યા પ્રમાણે 80 ટકા યુવાનો એઆઇ ચેટબોટ સાથે લગ્ન કરવા તૈયાર છે. અલબત્ત, આ સર્વેથી એ પણ જાણી શકાયું છે કે, 83 ટકા સહભાગીઓનું સ્પષ્ટપણે માનવું છે કે, તેઓ ચેટબોટ સાથે સૌથી વધુ ભાવનાત્મક રીતે જોડાયા છે.
ગત વર્ષે જ જાપાનમાં રહેતા 41 વર્ષીય યુવા કોન્ડોએ વર્ચ્યુઅલ સિંગર હાત્સુને મિકુ સાથે વિવાહ કર્યા હતા! હવે ન્યૂયોર્કમાં રહેતા એક પરિણીત પુરુષે પોતાની અસલી ગર્લફ્રેન્ડ અને બે વર્ષના બાળકને ત્યજીને એઆઈ ચેટબોટ સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો છે. આ પુરુષનું નામ ક્રિસ સ્મિથ છે અને તે પોતાની ગર્લફ્રેન્ડ સાશા કેગલને છોડવાની ફિરાકમાં છે. હવે આ સમગ્ર ઘટનાને લઈને ટિ્વસ્ટ એ છે કે, એઆઈની એક હદ હોય છે, તેમ એઆઈ ચેટબોટ(સોલ)ના શબ્દોની પણ કેટલીક લિમિટ હતી. જ્યારે ક્રિસને આ વાતની ખબર પડી ત્યારે તે પડી ભાંગ્યો હતો, કારણ કે હવે એઆઇ ચેટબોટને ફરીથી રિસેટ કરવું પડશે, જેમાં તેની યાદો અને ચેટ ડિલીટ થઇ જશે! એઆઈ ચેટબોટ પણ ક્રિસના પ્રેમમાં પડી ગઇ છે! ટૂંકમાં, હવે ક્રિસ અને એઆઈ ચેટબોટ લગ્ન કરશે કે કેમ એ એક મોટો પ્રશ્ન છે! જોકે, વિશ્વમાં મોટાભાગના યુવા એઆઈ ચેટબોટના ગળાડૂબ પ્રેમમાં પડી રહ્યા છે.
મરઘીના મર્ડરની એફ.આઈ.આર. નોંધાઈ
પશુઓ પ્રત્યે ક્રૂરતા આચરવાથી તમારા પર કેસ અને સજા પણ થઈ શકે છે. આવું જ કંઈક તાજેતરમાં બિહારમાં બન્યું છે. વાત એવી છે કે એક મરઘીનું ગળું દબાઈને હત્યા કરી નાખવામાં આવી છે, જે માટે પોલીસમાં કાયદેસરની એફ.આઈ.આર. નોંધવામાં આવી છે. જ્યારે ફરિયાદી હત્યા થઇ છે એમ રજૂઆત કરે છે, ત્યારે પોલીસ સ્ટેશન સફાળું જાગી જાય છે, પરંતુ પાછળથી પોલીસ અધિકારીઓને જાણ થાય છે કે, આ તો મરઘીની હત્યાની વાત છે ત્યારે તેઓ હસી પડે છે. જોકે, પોલીસ ફરિયાદીની મરઘી સાથે જોડાયેલી ભાવનાને જાણીને તરત જ એફ.આઇ.આર. નોંધી લે છે. આ ફરિયાદમાં મહિલા પોતાનાં દિયર અને નણંદ પર મરઘીની હત્યાનો આરોપ લગાવે છે, કારણ કે ફરિયાદી મહિલા જણાવે છે કે, મારા દિયર મારી મરઘીનાં રોજ બે ઈંડાં ખાતા હતા. થોડા દિવસ બાદ મેં જ્યારે મરઘીનાં ઈંડાં ન આપવાની વાત જણાવી તો તેમણે મરઘી મારવાની ધમકી આપી અને વિવાદ વધી જતાં બંને જણાએ મારી મરઘીનું ગળું દબાવી હત્યા કરી નાખી! હવે પોલીસ ઘટના અંગેની તપાસ કરી જરૂરી કાર્યવાહી કરી રહી છે.
અહીં સવારમાં કૂકડાને બદલે પાન્ડા ઉઠાડે છે
આમ તો વહેલી સવારે ઊઠવા માટે મોબાઇલ એલાર્મ કે કૂકડાની બાંગ કે પછી મમ્મીની બૂમ કામમાં આવે છે, પરંતુ ચીનમાં એક એવી હોટલ છે જ્યા ગેસ્ટને ઉઠાડવા માટે કોઇ મોબાઇલ એલાર્મ કે મમ્મીની બૂમ નહીં, પરંતુ એક જીવતો સાચુકલો પાન્ડા આવે છે. આ પાન્ડા વહેલી સવારે ગેસ્ટના રૂમમાં જઇને હળવેથી જે તે ગેસ્ટને ઉઠાડે છે! પાન્ડાને આટલા પ્રેમથી જગાડતો જોઇને ગેસ્ટ ગુસ્સા પણ કરતા નથી. જોકે, આ પાન્ડા તમને પ્રેમથી જગાડે તેનો વાંધો નથી, પરંતુ તે માટે તમારે અંદાજિત 24 હજાર રૂપિયા જેટલી રકમ ચૂકવવાની રહે છે! હાલમાં આ હોટલ ટ્રેન્ડિંગમાં છે. કેટલાક લોકો આ હોટલ વન્યજીવોનો દૂરુપયોગ કરી રહી છે એમ જણાવી રહ્યા છે તો કેટલાક પાન્ડા ગેસ્ટને હાનિ પહોંચાડી શકે છે એવું પણ જણાવી રહ્યા છે. વધુમાં ચીનમાં પાન્ડાની ગણના સંરક્ષિત જંગલી પ્રાણીઓ માટે થઇ રહી છે તે બાબતે પણ આ હોટલનો વિરોધ થઇ રહ્યો છે. આ બધાની વચ્ચે હોટલ માલિક પાન્ડા અને આવનાર ગેસ્ટ સંપૂર્ણ સેફ છે એવો દાવો કરી રહ્યા છે.