માજુલી, આસામમાં બ્રહ્મપુત્ર નદીના ખોળે આવેલો એક અદ્ભુત ટાપુ છે. આ ટાપુ એના ઐતિહાસિક અને સાંસ્કૃતિક મહત્ત્વ માટે જાણીતો છે. અલબત્ત, હાલ માજુલી એક ગામ છે, પણ એક સમયે તે વિશાળ અને સમૃદ્ધ ટાપુ હતો, પરંતુ નદીના સતત ધોવાણને કારણે તેનું કદ ઘટતું રહ્યું છે. એટલે એમ કહી શકાય કે માજુલી એ ભારતનો એકમાત્ર એવો ટાપુ છે જે દરિયામાં નહીં પણ નદીમાં વસેલો છે. આ જગ્યા ફરવા માટે અત્યંત સુંદર અને શાંત છે.
માજુલીનો ઈતિહાસ : 16મી સદીમાં સંત શ્રીમંત શંકરદેવ અને એમના શિષ્ય માધવદેવ સાથે ગાઢ રીતે જોડાયેલો છે. આ સંતોએ અહીં વૈષ્ણવ ધર્મનો પ્રચાર કર્યો, જેના પરિણામે અસંખ્ય `સત્ર' (મઠ)ની સ્થાપના થઈ. ત્યાનાં લોકો મઠને સત્ર તરીકે ઓળખાવે છે. આ સત્રોએ આજે પણ માજુલીની ધાર્મિક અને સાંસ્કૃતિક ઓળખ જાળવી રાખી છે. આ સત્રો કલા, સંગીત અને નૃત્યનું કેન્દ્ર બન્યા છે.
1. સત્ર : અહીંના સૌથી પ્રમુખ સત્રો જેવા કે ગરમૂર સત્ર, ઔનીઆતિ સત્ર, દક્ષિણપાત સત્ર અને કમલાબારી સત્રની મુલાકાત લેવી અનિવાર્ય છે. આ સત્રોમાં પ્રાચીન હસ્તપ્રતો, માસ્ક (મુખોટા) અને અન્ય કલાકૃતિઓ જોવા મળે છે. આ સત્રો એની અંદરની અલૌકિક શાંતિ માટે પ્રસિદ્ધ છે.
2. માસ્ક નિર્માણ સ્થળો : માજુલી તેના પરંપરાગત માસ્ક ઉદ્યોગ માટે જાણીતું છે. અહીંના કારીગરો લાકડામાંથી અને વાંસમાંથી અદ્ભુત માસ્ક બનાવે છે. આ માસ્ક અાસામના પરંપરાગત ભવાઇ-નાટકોમાં ઉપયોગમાં લેવાય છે. અહીં ફરવા આવતા પર્યટકો લાકડાના આ માસ્કને યાદગીરીરૂપે એમની સાથે જ લઇ જાય છે.
3. પક્ષી નિરીક્ષણ : માજુલીની આસપાસ ઘણાં તળાવો અને વેટલેન્ડ છે, જ્યાં શિયાળામાં અસંખ્ય પ્રવાસી પક્ષીઓ આવે છે. અા પક્ષીપ્રેમીઓ માટે ઉત્તમ સ્થળ છે. આપણે ત્યાં નળસરોવર છે એવી જ રીતે આ જગ્યા માજુલીનું નળસરોવર છે. અહીં દર વર્ષે શિયાળામાં નવાં પક્ષીઓનું આગમન થાય ત્યારે એને નિહાળવા પર્યટકોની સંખ્યા વધી જતી હોય છે. એ સમયગાળા દરમિયાન માજુલીનો પર્યટન વ્યવસાય ધમધમી ઊઠે છે.
માજુલીની આસપાસનાં સ્થળો
જોરહાટ : માજુલીથી સૌથી નજીકનું શહેર, જ્યાં તમે ચાના બગીચાઓ અને આસામનાં સાંસ્કૃતિક સ્થળોની મુલાકાત લઈ શકો છો. ચાના બગીચીની સુંદરતા અચૂક માણવાલાયક હોય છે. એનો ઢોળાવવાળો લેન્ડસ્કેપ અને જાણે કે જમીન ઉપર લીલી ચાદર પાથરી હોય એવો દેખાવ મનમોહક બની જાય છે.
કાઝીરંગા નેશનલ પાર્ક : માજુલીથી લગભગ 90 કિલોમીટર દૂર સ્થિત આ પાર્ક એક શિંગડાવાળા ગેંડા માટે પ્રખ્યાત છે.
માજુલીની મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય નવેમ્બરથી માર્ચ સુધીનો છે, જ્યારે હવામાન ખુશનુમા હોય છે અને નદીનું પાણી શાંત હોય છે. આ સમયગાળા દરમિયાન દેશ-વિદેશથી નવાં પક્ષીઓ અહીં આવે છે, જેને જોવાની ખૂબ મજા આવે છે.
માજુલી કેવી રીતે જશો? : માજુલી જવા માટેનો મુખ્ય માર્ગ જોરહાટ છે. જો તમે બાય ફ્લાઇટ ત્યાં પહોંચવા માંગતા હોવ તો સૌથી નજીકનું એરપોર્ટ જોરહાટ છે. ત્યાંથી ટેક્સી લઈને નેમાટીઘાટ જવું પડે છે. જો તમે ટ્રેન દ્વારા જવા માંગો છો તો જોરહાટ રેલવે સ્ટેશન માજુલીથી નજીકનું મુખ્ય રેલવે સ્ટેશન છે. અહીં ફેરી માર્ગ પણ ઉપલબ્ધ છે. ફેરી માર્ગ નેમાટીઘાટથી માજુલી સુધી ફેરીમાં જવું પડે છે. આ ફેરીમાં વાહનો અને મુસાફરો બંનેને લઈ જવાય છે. ફેરીનો પ્રવાસ લગભગ 1.5 થી 2 કલાકનો હોય છે અને આ દરમિયાન બ્રહ્મપુત્ર નદીનો સુંદર નજારો જોવા મળે છે.