દેશમાં કાયદેસર રીતે 140 કરોડથી વધુ લોકો રહે છે, તો કેટલા ગેરકાયદેસર રીતે ઘૂસીને દેશમાં રહે છે તે તો ભગવાન જાણે.
હમણાં જ, તાજેતરમાં જ ઓપરેશન સિંદૂર વખતે પાકિસ્તાની નાગરિકોના વિઝા રદ કરવામાં આવ્યા ત્યારે એવીય કેટલી સ્ત્રીઓ સામે આવી હતી, જેમના પતિ પાકિસ્તાની, પાકિસ્તાનમાં રહેતા હતા, પરંતુ સ્ત્રીઓ અહીં ભારતમાં છોકરાઓ સાથે રહેતી હતી. બાંગ્લાદેશી કે રોહિંગ્યા બાબતે પણ બધા અંધારામાં ફિફા ખાંડે છે.
દેશદાઝ એટલે દેશ માટે શ્રેયસ્કર લાગણી, સ્વદેશાભિમાન, સ્વદેશ માટેનો જુસ્સો, સ્વદેશાનુરાગ, સ્વદેશપ્રીતિ કે દેશાભિમાન. જેને દેશ માટે ઊંડી લાગણી, પ્રબળ સ્વદેશાભિમાન. ઘણા લોકો દેશ અને દાઝને અલગ પાડે છે. દાઝ એટલે ઈર્ષ્યા, અદેખાઈ, કોઈ પ્રત્યે શત્રુતા, વેરનો કીડો સળવળતો હોય તે. દેશદાઝ હોવી જોઈએ, દેશથી દાઝ, દેશ પ્રત્યે દાઝ ન હોવી જોઈએ, દેશની પ્રગતિથી દાઝ ન બળવી જોઈએ. દેશના યુવાઓની શક્તિ, દેશના નાગરિકોના સામર્થ્યને જાણ્યા સમજ્યા વગર જ કહેવું `મેક ઈન ઇન્ડિયા હો હી નહિ શકતા' તે દાઝ છે. કોઈ શારીરિક માનસિક કરાર હેઠળ વારંવાર ચીન, ચીનની પ્રોડક્ટ્સનાં ગુણગાન કરતા ફરવું, કોઈ મોબાઈલ રિપેરિંગ શોપમાં ઘૂસીને કે કોઈ કંપનીમાં જઈને ભારત કરતા ચીન ખૂબ આગળ છે અને ભારતમાં ચાઇનીસ પ્રોડક્ટ્સનું રાજ છે એ પરાણે ઠસાવવા કોશિશ કરવી તે દાઝ છે.
કાશ્મીરના પહેલગામમાં જઘન્ય આતંકવાદી હુમલો થયો. ધર્મ પૂછી હિન્દુ પુરુષોની કરપીણ હત્યા કરવામાં આવી, સ્ત્રીઓની માંગ ઉજાડવામાં આવી. આ ઘટના લખવામાં, જોવામાં, સાંભળવામાં જેટલી સામાન્ય લાગે છે તેટલી હતી નહીં. આ રીતસર પાકિસ્તાન પ્રેરિત આતંકવાદી હુમલો હતો, ભારતની છાતી લોહીલુહાણ કરવાનો જઘન્ય પ્રયાસ જ હતો. પરિણામ સ્વરૂપ જવાબમાં ભારતે ઓપરેશન સિંદૂર ચલાવી, પાકિસ્તાનસ્થિત આતંકીઓના અડ્ડાનો, આતંકવાદીઓ સહિત નાશ કર્યો ત્યારે એક ધારાસભ્યે કહ્યું હતું, "100 આતંકવાદીઓ માર્યા તેનું પ્રમાણ શું છે?" તે દાઝ છે. ભારત પાકિસ્તાન સંઘર્ષ દરમ્યાન ભારતે પાકિસ્તાનને ભરપૂર નુકસાન પહોંચાડ્યું તેના પર, ભારતીય સેના પર ગર્વ કરવાને બદલે ભારતને કેટલાં લડાકુ વિમાનોનું નુકસાન થયું, ભારતે કેટલાં વિમાનો ગુમાવ્યાં તે જાણવામાં વધુ રસ હોવો તે દાઝ છે. સહન ન થતા, બળાપો કાઢતા વિદેશી પ્રમુખ આપણા દેશની ધૂમધામ વધતી અર્થવ્યવસ્થાને ડેડ (મૃત પ્રાય) ગણાવે ત્યારે તેને કે તેના લવારાને બ્રહ્મવાક્ય માની નાચવા માંડવું તે દાઝ છે. વગર વિચાર્યે રેલી દરમ્યાન દાવો ઠોકી દેવો કે ચીને હજારો કિમી ભારતીય જમીન પર કબજો કર્યો છે અને સુપ્રીમ કોર્ટે કહેવું પડે "જો તમે સાચા ભારતીય હોત તો આવું ન કર્યું હોત" તે દાઝ છે.
એક વાત સ્પષ્ટ છે, દેશદાઝ ખરીદી શકાતી નથી, દેશદાઝ ધરાવતો વ્યક્તિ દેશનું બૂરું ક્યારેય નહિ ઈચ્છે, પછી સ્થિતિ-પરિસ્થિતિ અનુકૂળ કે પ્રતિકૂળ ગમે તે હોય. ભારતીય હોવાનો ગર્વ હોવો જોઈએ. જેને દેશ પ્રત્યે દાઝ છે, તેવા ઘણા દેશમાં તો રહે છે દેશના નથી રહેતા.
48 કલાક પછી નાગરિકોના હાથ તિરંગાને સલામી આપતા હશે, ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલે કહ્યું હતું તે યાદ રાખવા જેવું છે. "ભારતના દરેક નાગરિકે યાદ રાખવું જોઈએ કે તે ભારતીય છે અને તેને આ દેશમાં દરેક અધિકાર છે, પરંતુ ચોક્કસ ફરજો સાથે". ફરજોમાં સૌથી પહેલી ફરજ રાષ્ટ્રહિત પ્રથમ સ્થાને હોવી જોઈએ. આ ફરજોમાં દેશને વફાદાર રહેવાની ફરજ પણ સામેલ છે. ભારતમાં બનેલી વસ્તુઓનો જ ઉપયોગ કરવો એ દેશદાઝનું લક્ષણ છે. દેશની ખ્યાતિ વધારવા માટે કરવામાં આવેલું નાનામાં નાનું કાર્ય પણ દેશદાઝનું પ્રતીક છે. સૈનિકોનો રાષ્ટ્રપ્રેમ સર્વોપરી અને અજેય છે. દેશ માટે જીવન પણ આપી દેવાની ખુમારી પેદા કરનારા સૈનિકોને કોટી કોટી વંદન. દેશ`માં' રહેવું અને દેશ`ના' રહેવું એમાં ઘણો ફરક છે.
