પોતાના દેશની ધરોહરને સાચવવા માટે ઘણી વખત બે દેશો વચ્ચે વિવાદ છેડાઇ જતો હોય છે.
થોડા સમય પહેલાં થાઇલેન્ડ અને કંબોડિયા વચ્ચે પ્રાચીન શિવ મંદિરને લઇને યુદ્ધ છેડાયું હતું. એવો એક વિવાદ ગ્રીસ અને બ્રિટનની વચ્ચે ચાલી રહ્યો છે. એનું કારણ બ્રિટિશ સંગ્રહાલયમાં રાખવામાં આવેલી પાર્થેનન મૂર્તિઓ છે. આ મૂર્તિઓ આજકાલની નહીં, પરંતુ આશરે 2000 વર્ષ જૂની હોવાનું મનાય છે. પાર્થેનન મૂર્તિઓ પ્રાચીન ગ્રીસની ધરોહર છે.
પાર્થેનન સ્કલ્પચર્સ પ્રાચીન ગ્રીસની સંસ્કૃતિ, કલા અને ધાર્મિક માન્યતાઓનું પ્રતીક છે. આ મૂર્તિઓ પાંચમી સદી ઇ.પૂ. દરમિયાન બનેલા પાર્થેનન મંદિરનો ભાગ છે, જે ગ્રીસના એથેન્સ શહેરમાં આવેલ છે. આ મંદિર દેવી એથેન્સને સમર્પિત છે. એથેન્સના લોકો તેને પોતાની રક્ષકદેવી માનતાં હતાં. તેમની પૂજા અર્ચના કરવામાં આવતી હતી.
પાર્થેનન સ્કલ્પચર્સનો ઇતિહાસ
એક સમયે પ્રાચીન ગ્રીકમાં અર્થેનિયાન સામ્રાજ્યનું પોતાનું આગવું વર્ચસ્વ હતું. એમ કહી શકાય કે એમના સામ્રાજ્યનો સૂરજ ઝળહળી રહ્યો હતો. આ સામ્રાજ્ય દરમિયાન પાર્થેનન મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. એનું કામ આશરે ઇ.સ. પૂ. 447 માં શરૂ થયું હતું. આ મંદિર એક ધાર્મિક સ્થળ ઉપરાંત એથેન્સની રાજકીય શક્તિ અને સંસ્કૃતિનું પ્રતીક હતું. એ સમયના મહાન શિલ્પકાર ફિડિયસે આ મંદિરનાં શિલ્પોની રચના માટે અગત્યનો ફાળો આપ્યો હતો. શિલ્પકામની રચના અદ્ભુત રીતે કરવામાં આવી છે. એમાં પૂર્વ પીડિમેન્ટમાં દેવી એથેનાનો જન્મ બતાવવામાં આવ્યો છે. પશ્ચિમ પીડિમેન્ટમાં એથેના અને પોસાઇડન વચ્ચે એથેન્સ શહેરના રક્ષણ માટેની સ્પર્ધા દર્શાવાઇ હતી. પાર્થેનન સ્કલ્પચર્સ પ્રાચીન ગ્રીસના ક્લાસિકલ સમયની કલાનું ઉત્તમ ઉદાહરણ છે. ચહેરાની અભિવ્યક્તિ આ શિલ્પોને અનન્ય બનાવે છે. ફિડિયસ અને તેના મદદનીશોએ પથ્થરોને જાણે જીવંત કોતર્યા હોય એવી અનુભૂતિ થાય છે.
ઓટોમન સામ્રાજ્ય
17મી સદીના અંત સુધીમાં આંતરિક ઝઘડા, આર્થિક પડકારો અને સૈન્ય પરાજયને કારણે ઓટોમન સામ્રાજ્યની ધીરે ધીરે પડતી થવા લાગી. પ્રથમ વિશ્વયુદ્ધમાં કેન્દ્રીય શક્તિઓના પક્ષમાં સામ્રાજ્યની ભાગદારીને કારણે તેની હાર થઇ અને પછીથી વિજયી મિત્રો રાષ્ટ્રો દ્વારા તેનું વિભાજન કરી દેવામાં આવ્યું. 1923માં ઓટોમન સામ્રાજ્યના પતન, જે તેની છ શતાબ્દી લાંબા અસ્તિત્વના અંતનું પ્રતીક હતું. એની સાથે મુસ્તફા કમાલના નેતૃત્વમાં તુર્કી ગણરાજ્યની સ્થાપના થઇ હતી. બ્રિટિશ સંગ્રહાલયનો દાવો છે કે એલ્ગિને ઓટોમન સામ્રાજ્યની સાથે એક અનુબંધના માધ્યમથી કાયદાકીય રીતે પાર્થેનન મૂર્તિઓને મેળવી હતી.
પાર્થેનન મૂર્તિઓ
19મી સદીની શરૂઆતમાં એલ્ગિનના સાતમા અર્લ અને ઓટોમન સામ્રાજ્યના તત્કાલીન બ્રિટિશ રાજદૂતે થોમસ બ્રૂસ દ્વારા પાર્થેનનથી હટાવી દેવામાં આવી હતી. આ સ્કલ્પચર્સને બ્રિટનમાં લાવવામાં આવી હતી. 1816માં બ્રિટિશ સંગ્રહાલય દ્વારા તેને ખરીદવામાં આવી હતી. મોટાભાગની પાર્થેનન સ્કલ્પચર્સને અહીં રાખવામાં આવી છે. ગ્રીસ 1830થી આ સ્કલ્પચર્સને પરત કરવાની માંગ કરી રહ્યું છે. હજુ સુધી તેમની માંગ પૂર્ણ થઇ નથી, પરિણામે બે દેશ વચ્ચે વિવાદ ઉગ્રરૂપ ધારણ કરે છે.
બ્રિટિશ મ્યુઝિયમ લંડનમાં 30થી વધારે પાર્થેનન મૂર્તિઓ રાખવામાં આવી છે. ડિજિટલ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને પાર્થેનન સ્કલ્પચર્સના વર્ચ્યુઅલ પુનર્નિર્માણના પ્રયત્નો થઇ રહ્યા છે.
પાર્થેનન સ્કલ્પચર્સની રસપ્રદ બાબતો
એવું કહેવાય છે કે પાર્થેનન સ્કલ્પચર્સ જ્યારે બનાવવામાં આવી હતી ત્યારે રંગીન હતી, પરંતુ સમય સાથે તેનો રંગ ઊડવા લાગ્યો અને હવે ફક્ત સફેદ માર્બલ દેખાય છે. આ મૂર્તિઓની સૌથી ઉત્તમ વાત એ છે કે એમાં માનવશરીર રચનાની નાની નાની વિગતોને સૂક્ષ્મ રીતે દર્શાવવામાં આવી છે. જેમ કે, મસલ્સની નસો, ચહેરાની અભિવ્યક્તિ,
તેની આંખો અને વસ્ત્રોના વળાંકો જાણે સ્કલ્પચર્સ જીવંત હોય એવી અનુભૂતિ કરાવે છે. પાર્થેનન સ્કલ્પચર્સ ઘણા આધુનિક કલાકારો અને શિલ્પકારો માટે પ્રેરણાસ્રોત માનવામાં આવે છે. આ ઉપરથી કહી શકાય કે પાર્થેનન સ્કલ્પચર્સ ફક્ત પથ્થરની કોતરણી નથી. એથેન્સના નાગરિકો માટે આ દેવી એથેનાની પૂજા અને તેમના શહેરના ગૌરવનું પ્રતીક હતું. આજે આ શિલ્પો એક તરફ કલા અને સંસ્કૃતિનો અદ્ભુત નમૂનો છે, તો બીજી બાજુ સાંસ્કૃતિક વારસાના સંરક્ષણ અને પરત લેવાની વૈશ્વિક ચર્ચાનું કેન્દ્ર બની ગયું છે.
