એક દૃશ્યની કલ્પના કરો. એક મળસ્કે ઈરાનનું ચાબહાર બંદર વિચિત્ર પ્રકારના વાઈબ્રેશન્સથી રીતસરનું ધણધણી ઊઠે છે. અનેક જહાજો ગંભીર રીતે ક્ષતિગ્રસ્ત થાય છે અને પોર્ટ પર હાજર સંખ્યાબંધ ઈરાનીઓ મગજની નસો ફાટી જવાથી ભયાવહ મોતને ભેટે છે! કેટલાકનાં આંતરડાં ફાટી ગયાં છે તો કેટલાકનાં ફેફસાં! લગભગ દરેકના કાનમાંથી લોહી નીકળે છે. અહીં કોઈ પરમાણુ હુમલાની કલ્પના નથી, બલકે `ધ્વનિશસ્ત્ર'ના સંભવિત ઉપયોગની વાત છે. અમેરિકન નૌકાદળની સબમરીન વિશેષ પ્રકારના `લોંગ રેન્જ એકોસ્ટિક ડિવાઇસ (LRAD)'નો ઉપયોગ કરીને ચાબહાર બંદર પર `સાઉન્ડ એટેક' કરે, એવી કલ્પના અત્યારે તો કોઈ વિજ્ઞાનકથાના પ્લોટ જેવી છે, પણ ભવિષ્યમાં ખરેખર આવું દૃશ્ય ભજવાઈ શકે ખરું? ધ્વનિશસ્ત્ર? શું ધ્વનિ એટલે કે અવાજની મદદ વડે ખરેખર આ પ્રકારનો હુમલો કરી શકાય? શું અવાજના તરંગો મનુષ્ય માટે ખરેખર જીવલેણ સાબિત થઇ શકે ખરા?
ધ્વનિ કંપન (vibration) થકી ઉત્પન્ન થાય છે. જ્યારે કોઈ વસ્તુ ઝડપથી આમતેમ (આગળ-પાછળ) હલે, એટલે કે કંપે, ત્યારે તે પોતાની આસપાસની હવાના કણોને ધક્કો મારે છે. જેને પરિણામે ધ્વનિ તરંગ ઉદ્ભવે છે. અહીં થોડું પ્રાથમિક શાળામાં મેળવેલું જ્ઞાન પણ તાજું કરી લઈએ. સાથે જ જીવનમાં ક્યારેય ઢોલક, તબલાં કે ડ્રમ વગાડ્યાં હોય એ પણ યાદ કરી લો. શરૂઆત વિજ્ઞાનથી કરીએ.
જો તમે ગુજરાતી માધ્યમમાં ભણ્યા હશો, તો વિજ્ઞાનના વિષયમાં સંઘનન (compression) અને વિઘનન (rarefaction) જેવા બે શબ્દો ભણ્યાનું યાદ હશે. હવે તબલાં અથવા ડ્રમ વાગવાની ઘટના યાદ કરો. જ્યારે તબલાંના ચામડા પર થાપ પડે છે, ત્યારે એમાં ધ્રૂજારી પેદા થાય છે. આ કંપનથી ચામડી આગળ વધે. એટલે કે નજીકની હવાના કણોને ધક્કો મારે ત્યારે આ કણો એકબીજાની નજીક આવે છે અને તરત જ બધા કણો એકબીજાથી દૂર પણ થઇ જાય છે. અહીં હવાના કણો એકબીજાની નજીક આવે, એને સંઘનન કહેવાય. અને કણો એકબીજાથી દૂર ધકેલાય એને વિઘનન કહેવાય. તબલાં પર થાપ મારવાથી હવાના કણોમાં ઉત્પન્ન થતા સંઘનન અને વિઘનનના પુનરાવર્તનની શ્રેણી એટલે જ ધ્વનિ તરંગ. આપણા ગળામાં આવેલી વોકલ કોર્ડ પણ હવાના કણોના આ પ્રકારના કંપન દ્વારા જ અવાજ ઉત્પન્ન કરે છે.
બીજા શબ્દોમાં કહીએ તો વોકલ કોર્ડના કંપન દ્વારા જ આપણે બોલી શકીએ છીએ. ધ્વનિ તરંગોને સમજવા માટે ગિટારનો તાર પણ એક ઉત્તમ ઉદાહરણ છે. આ તરંગો માત્ર હવામાં જ નહિ, પણ ઘન અને પ્રવાહી પદાર્થોમાંથી પણ પસાર થઈ શકે છે. એનો અર્થ એ છે કે તેઓ માનવ શરીરમાંથી પણ પસાર થઈ શકે છે. આ ઉપરથી કહી શકાય કે જો ભારે દબાણ હેઠળ ધ્વનિ તરંગો ઉત્પન્ન કરવામાં આવે, તો એ માનવ શરીર માટે નિ:શંકપણે હાનિકર્તા નીવડે. સાદી ભાષામાં આપણે ધ્વનિને અવાજ કહીએ છીએ. આ અવાજ એક માત્રાથી વધી જાય તો એને ઘોંઘાટ કહેવાય અને ઘોંઘાટ પણ એક્સ્ટ્રીમ લેવલે પહોંચે ત્યારે માથાનો દુખાવો, હૃદયના અનિયમિત ધબકારા જેવી સમસ્યાઓ ઉદ્ભવતી હોવાનું તમે નોંધ્યું જ હશે. હવે વિચારો કે જો કોઈ જાણીજોઈને તમને અતિશય ઘોંઘાટવાળી પરિસ્થિતિમાં મૂકે, તો એક પ્રકારનો `હુમલો' જ ગણાય, કેમ કે ઘોંઘાટના ધ્વનિ તરંગો તમારા શરીરમાંથી પસાર થઈને શારીરિક-માનસિક નુકસાન પહોંચાડ્યા વિના રહે નહિ! પ્રશ્ન એ છે કે શરૂઆતમાં જેની કલ્પના કરી, એવો જીવલેણ સાઉન્ડ એટેક શક્ય છે ખરો?
અવાજની તીવ્રતા માપવા માટે વપરાતો એકમ એટલે ડેસિબલ (dB). શાંત રૂમમાં ધીમા અવાજે થતી ગુસપુસ 30થી 40 dB અવાજ ઉત્પન્ન કરે છે.સામાન્ય વાતચીત અને ટેલિફોનની રિંગ જેવા અવાજો 60થી 70 dBના હોય છે. તમે જેટ એન્જિનનો જે અવાજ સાંભળો છો કે પછી મોટા મ્યુઝિક કોન્સર્ટમાં જે ઘોંઘાટ અનુભવો છો, એની માત્રા 120 ડેસિબલની આજુબાજુ હોય છે. લાંબા સમય સુધી આટલો મોટો અવાજ સાંભળવાથી નાની-મોટી શારીરિક તકલીફો થવા માંડે છે. 140 ડેસિબલ કે તેથી વધુનો અવાજ ગંભીર પરિણામો નોતરી શકે છે. શરૂઆતમાં જે દૃશ્યની કલ્પના કરી, એમાં લોંગ રેન્જ એકોસ્ટિક ડિવાઇસ (LRAD) નામક ઉપકરણની વાત હતી. આ ઉપકરણ 160 ડેસિબલનો અવાજ ફેંકી શકે છે!
જોકે, અત્યારે LRADનો ઉપયોગ બહુ સીમિત છે. ક્યારેક તોફાની ટોળાને અંકુશમાં રાખવા તો ક્યારેક મધદરિયે લાંબા અંતરે વાતચીત કરવા માટે યુએસએ એનો ઉપયોગ કરે છે. જે રીતે પ્રકાશને એક બીમ તરીકે દૂર સુધી ફેંકી શકાય છે, એ જ રીતે LRAD દ્વારા ધ્વનિને એક બીમની માફક દૂર સુધી પહોંચાડી શકાય છે.
હવે મૂળ વાત. જો તમારે વ્યક્તિ કે સ્થળ ઉપર પ્રાણઘાતક સાઉન્ડ એટેક કરવો હોય, તો એ હાલમાં શક્ય નથી, કેમ કે એના માટે 240 ડેસિબલ જેટલા ઊંચા અવાજની જરૂર પડે. આથી હાલમાં ઉપલબ્ધ LRAD બિનઘાતક ગણાય. જોકે, ટ્રમ્પનું ભેજું ફરી જાય અને ભવિષ્યમાં આવું એકાદ હથિયાર વિકસાવી નાખે તો નવાઈ નહિ!