આમ તો શરદી એક સામાન્ય રોગ છે, પરંતુ તે જો ઉગ્ર સ્વરૂપે પ્રકટ થાય તો ખૂબ જ કષ્ટદાયક બની જાય છે. જેમને ક્યારેય શરદી ન થઇ હોય એવી વ્યક્તિઓ હજારોમાં માત્ર આંગળીના વેઢે ગણી શકાય એટલી હોય છે. જ્યારે અમુક વ્યક્તિઓની તો પ્રકૃતિ જ એવી હોય છે કે હવામાનનો થોડો ફેરફાર, ઠંડા આહારનો ઉપયોગ કે એરકન્ડિશન્ડ સ્થાનમાં જવાથી તરત જ શરદી પકડાઈ જાય છે.
શરદીની કોઈ વિશેષ દવાઓ નથી, પરંતુ લાક્ષણિક ઉપચારો પ્રયોજાય છે. જો શરદીનું કારણ કોઈ `એલર્જન' હોય એટલે કે કોઈ આહાર દ્રવ્યો, શ્વાસમાં જતા પરાગકણો કે કેમિકલ્સનાં દ્રવ્યોથી `એલર્જી' થતી હોય તેવાં દ્રવ્યોને શોધી કાઢવાનો ઉપક્રમ ચાલે છે અને એન્ટિહિસ્ટામિન ઔષધો આપવામાં આવે છે. આવાં ઔષધોથી તરત લાભ મળે છે, પરંતુ ઉપચાર બંધ થતાં પુનઃ રોગનાં લક્ષણો દેખાવા લાગે છે. આયુર્વેદમાં કહેવાયું છે કે, મળ-મૂત્રના તથા ભૂખ, તૃષા, આંસુ, બગાસું, છીંક વગેરે શરીરના સ્વાભાવિક વેગોને રોકવાથી, ઋતુના પરિવર્તનથી, માથામાં વાગવાથી, ધુમાડો, રજકણ વગેરે નાકમાં જવાથી, ઠંડું પાણી પીવાથી અથવા તેનાથી નહાવાથી, પ્રાતઃકાલીન હવાથી, શોકથી, રડવાથી વગેરે ઘણાં કારણોથી શરદી થાય છે.
લક્ષણો
શરદી થતાં પૂર્વે સૌ પ્રથમ ઉપરાઉપરી છીંકો આવે, માથું કફથી ભારે થઇ જાય, શરીર સ્તંભિત કે જકડાઈ જાય, રોમહર્ષ, બગાસાં વગેરે અનેક લક્ષણો શરદી થતા પહેલાં દેખાય છે. શરદી જ્યારે વધારે ઉગ્ર સ્વરૂપ ધારણ કરે ત્યારે આયુર્વેદમાં તેને દુષ્ટ પ્રતિશ્યાય કહેવામાં આવી છે. જેમાં વારંવાર નાકમાંથી પુષ્કળ દ્રવ કફનો સ્રાવ થાય, નાક સતત બંધ રહે, ઉપચારથી રાહત ન જણાય, અતિ દુર્ગંધી નિઃશ્વાસ હોય તથા ગંધની અનુભૂતિ થાય નહીં.
ચિકિત્સા
પ્રતિશ્યાયના મૂળગામી ઉપચારમાં તેનાં મૂળભૂત કારણો દૂર કરવાં જોઈએ. જેવા કે ઠંડીથી બચવું, પવન ન વાય તેવા સ્થાનમાં રહેવું, પીવામાં ઠંડા પાણીને બદલે સૂંઠ નાંખીને ઉકાળેલા પાણીનો જ ઉપયોગ કરવો, મળમૂત્ર વગેરે શરીરના કુદરતી વેગોને ન રોકવા, કબજિયાત ન થવા દેવી, ઠંડા અને વિરુદ્ધ ખોરાકનો ત્યાગ વગેરે.
ચોસઠ પ્રહરી પીપર : ચણાના દાણા જેટલી માત્રામાં બે ચમચી મધ અથવા ઉષ્ણ જળ સાથે સવારે, બપોરે અને રાત્રે લેવી.
ષડબિંદુ તેલ : ચારથી પાંચ ટીપાં બંને નાકમાં સવારે અને રાત્રે નાંખવાં.
વાસકાસવ : ચાર ચમચીની માત્રામાં એટલું જ પાણી ઉમેરીને સવારે અને રાત્રે પીવો.
ઉકાળીને સૂંઠ નાખેલું જ પાણી પીવું.
ચાની અંદર તુલસીનાં પાન, આદુંના ટુકડા, ફુદીનાનાં પાન, તજ, એલચી વગેરે નાખીને તેનો ઉપયોગથી પ્રતિશ્યાય શાંત થાય છે.
પ્રતિશ્યાયવાળા દર્દીઓ માટે ઘઉં, જવ, બાજરી, મગ, કળથી, રીંગણ, પરવર, સરગવો, ડુંગળી, લસણ, આદું, ત્રિકટુ, ગુવાર, પાંદડાંવાળાં શાકભાજી તથા કડવા, ખાટા, ખારા રસવાળા, ઉષ્ણ, તીક્ષ્ણ અને ગરમ ગુણધર્મોવાળાં આહારદ્રવ્યો હિતાવહ ગણાવાય છે.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો